દિવ્યચક્ષુ (1932) : ગુજરાતી સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈની લોકપ્રિય સામાજિક–રાજકીય નવલકથા. 1930માં દાંડીકૂચ દ્વારા મીઠાના સત્યાગ્રહે સમગ્ર દેશમાં ગાંધીજીનાં વ્યક્તિત્વ, વિચાર અને કાર્યક્રમોનો પડઘો પાડેલો તેનું તાર્દશ ચિત્ર ‘દિવ્યચક્ષુ’માં રજૂ થયું છે. ગુજરાતનાં યુવક-યુવતીઓમાં પણ દેશને માટે પ્રાણ ન્યોચ્છાવર કરવાની ભાવના શતમુખ પ્રગટેલી. તત્કાલીન લોકજીવનમાં સ્વાતંત્ર્ય માટેની કુરબાની અને સામાજિક તથા સાંસ્કૃતિક ઉત્થાનની ઉત્કટ ધગશનું વાતાવરણ જામેલું હતું. ’દિવ્યચક્ષુ’માં તેનું મૂર્તિમંત પ્રતિબિંબ છે. યુગમૂર્તિ વાર્તાકાર ગણાયેલા લેખકની આ નવલકથામાં અંગ્રેજી રાજ્ય સામે અહિંસક પ્રતિકારના આંદોલનની વાત મોટો ભાગ રોકે છે. લોક-જાગૃતિ અને લોકસહકાર માટે સભા-સરઘસ, ધ્વજવંદન, ‘વંદે માતરમ્’ના ઉદ્ઘોષ ઇત્યાદિ કાર્યક્રમો સાથે પોલીસના અત્યાચાર અને અંગ્રેજ અમલદારોની જોહુકમીના પ્રસંગોનું નિરૂપણ રાજકીય સ્વાતંત્ર્યના પ્રશ્નને કેન્દ્રમાં મૂકે છે. તેની ચર્ચા કૃષ્ણકાંત, જનાર્દન, અરુણ, કંદર્પ, નૃસિંહલાલ, ધનો ભગત અને રહીમખાન અલગ અલગ ર્દષ્ટિકોણથી કરે છે. દરેક પાત્રનો અભિગમ તેના ચારિત્ર્યને અનુરૂપ છે.

પરિવર્તનનો માર્ગ હિંસા નહિ, પરંતુ અહિંસા એ પ્રતિજ્ઞા પહેલા પ્રકરણથી અંત સુધી પાળતાં પાત્રોના આલેખનમાં કોઈ વાદના પ્રચારનું તત્વ ન પ્રવેશે તેની સાવધાની લેખકે રાખી છે.

વાર્તાનાયક અરુણ, નાયિકા રંજન અને તેની સખી પુષ્પા વચ્ચે પ્રણયત્રિકોણની ગોઠવણ કરીને સંનિષ્ઠ પ્રેમની ઉન્નત ભૂમિકા લેખકે દર્શાવી છે. અરુણ માટે રોમેરોમ તલસતી રંજન સખીધર્મની વેદી પર સ્વાર્થનો ભોગ આપે છે. તેનું વ્યક્તિત્વ સદાનંદી અને લહેરી છે. જેલની આગમાં જાનને ભોગે અંગ્રેજ કુટુંબને બચાવવા જતાં અરુણ અંધ બને છે. આ અવસ્થામાં પણ તેના હૃદયધબકારમાં રંજનની રટણાની પ્રતીતિ થતાં ઠરેલ પ્રકૃતિની પુષ્પા અરુણને રંજનને સોંપી તેમનું પ્રથમ સંતાન પોતાને આપવાની માગણી કરે છે. વીર છતાં હતોત્સાહ બની આત્મહત્યાનો માર્ગ ઇચ્છતા નાયકને ચારિત્ર્યશીલ સહધર્મચારિણીનો પ્રેમ મળતાં દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય છે. અને તેનું જીવન પુન: ચેતનામય બને છે.

‘દિવ્યચક્ષુ’ નવલકથામાં વીર, પ્રેમ, કરુણ અને ભક્તિ – એ ચાર રસનું મિશ્રણ છે. સાક્ષર વિમોચનની રંજન માટેની ઝંખના હાસ્યરસની છાંટ લાવે છે. વાર્તાનાં પાત્રોની સૃષ્ટિ જીવંત લાગે છે.

અંતમાં ‘પ્રેમીઓને આંખ હોતી નથી’ એવું વાક્ય મૂકીને અરુણ અને રંજનનો પ્રેમ સ્થૂલર્દષ્ટિનો નહિ, પણ ત્રુટિઓ અને ઊણપો જેમાં અવરોધક બનતી નથી તેવો આંતરચક્ષુનો દિવ્યપ્રેમ છે એમ સૂચવ્યું છે. આકર્ષક વસ્તુગૂંથણી, સુરેખ પાત્રાલેખન, સમકાલીન જીવનરંગોની વૈવિધ્યપૂર્ણ મિલાવટ, મંગલમય અંત દ્વારા હિંસા પર અહિંસાનો વિજય અને સરળ તેમ જ રોચક ગદ્યશૈલી વગેરે તત્વોથી ’દિવ્યચક્ષુ’ નવલકથાનું કલાત્મક સ્વરૂપ બની છે. આજ સુધીમાં (1997) તેની સત્તર આવૃત્તિઓ થયેલી છે. મરાઠીમાં તેનું ભાષાંતર થયેલું છે.

રમણિકભાઈ જાની