દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ (સર)

March, 2016

દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ (સર) (જ. 17 ફેબ્રુઆરી 1886, વડોદરા; અ. 3 ઑગસ્ટ 1968, મુંબઈ) : ગુજરાત યુનિવર્સિટીના આદ્ય કુલપતિ અને સૌરાષ્ટ્ર તથા મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ. તેમણે મુંબઈની ઔદ્યોગિક અદાલતના પ્રથમ અધ્યક્ષ, ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ, ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના આદ્ય ઉપાધ્યક્ષ – એમ અનેક હોદ્દા શોભાવ્યા હતા. અમદાવાદના વડનગરા નાગરના સંસ્કારી કુટુંબમાં જન્મ. પિતામહ છોટાભાઈ પર્શિયનના ઊંડા અભ્યાસી, પિતા વજુભાઈ કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટના પ્રથમ ભારતીય મદદનીશ. માતાનું નામ ઈશ્વરબા. સમસ્ત દિવેટિયા પરિવાર માતાજીની ભક્તિના રંગે રંગાયેલો અને એટલે જ પોરબંદર ખાતે આવેલ હરસિદ્ધ માતાના મંદિર પરથી પિતાએ તેમનું નામ હરસિદ્ધ પાડ્યું.

હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા

પ્રથમ લગ્ન 1908માં ખ્યાતનામ જમીનદાર ડાહ્યાભાઈ માધવરાયની સુપુત્રી ભાનુમતી સાથે. 1913માં તેમનું અવસાન થતાં બીજું લગ્ન મૂર્ધન્ય સાહિત્યકાર આનંદશંકર ધ્રુવની સુપુત્રી જૉલીબહેન સાથે.

પ્રાથમિક અને પૂર્વ-માધ્યમિક શિક્ષણ રાજકોટ અને સૌરાષ્ટ્રનાં વિવિધ નગરોમાં; માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. 1902માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યૂલેશન પરીક્ષામાં ઊંચા ગુણાંક સાથે ઉત્તીર્ણ. ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરીને 1906માં તર્કશાસ્ત્ર અને નૈતિક તત્વજ્ઞાન (Logic and Moral Philosophy) સાથે બી.એ. પરીક્ષામાં માન સાથે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થતાં ગુજરાત કૉલેજમાં પ્રથમ આવવા બદલ પ્રતિષ્ઠિત દક્ષિણા ફેલોશિપની પ્રાપ્તિ. 1908માં તત્વજ્ઞાન સાથે  એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવવા માટે ન્યાયમૂર્તિ તેલંગ સુવર્ણચંદ્રકની પ્રાપ્તિ. 1909માં એલએલ.બી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ.

1910–12 : સંયુક્ત પ્રાંત(યુ.પી.)માં બરેલી કૉલેજમાં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક. 1912–33 સુધી મુંબઈની વડી અદાલતમાં એપેલેટ બાજુએ વકીલાત અને પ્રખર ધારાશાસ્ત્રી તરીકેની નામના મેળવી. દરમિયાન સરકારી લૉ કૉલેજમાં કાયદાશાસ્ત્રના મુલાકાતી પ્રાધ્યાપક (1928–31); મુંબઈની ‘બાર કાઉન્સિલ’ના વરાયેલા માનાર્હ મંત્રી તેમજ વાંદરા મ્યુનિસિપાલિટીના વરાયેલા સભ્ય (1929–33).

1933–46 : મુંબઈની વડી અદાલતના માનનીય ન્યાયમૂર્તિ. દરમિયાન મુંબઈની પ્રાન્તિક સરકારે નીમેલ ટૅક્સ્ટાઇલ ઇન્ક્વાયરી કમિટીના અધ્યક્ષ (1938–40), અંગ્રેજી શાસન દરમિયાન જપ્ત કરવામાં આવેલી જમીન તેના મૂળ માલિકો/વારસદારોને પાછી આપવા માટે મુંબઈ સરકારે નીમેલ એક-વ્યક્તિ પંચ(One-man Tribunal)ની કામગીરી (1939), મુંબઈ પ્રાંતમાં માલિકો અને મજૂરો વચ્ચે સુમેળ અને ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે તે હેતુથી મુંબઈની પ્રજાકીય સરકારે રચેલ, ભારતભરમાં પ્રથમ એવી, ઔદ્યોગિક અદાલત(Industrial Court)ના પ્રથમ અધ્યક્ષ (1946–48) અને 1946માં બ્રિટિશ સરકાર તરફથી ‘સર’-(Knighthood)ના અતિપ્રતિષ્ઠિત ઇલકાબની નવાજેશ. 1946માં ડેક્કન સ્ટેટ્સની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક.

સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં દેશી રાજ્યોનો સંઘ રચાતાં, સૌરાષ્ટ્રના નવા રાજ્યની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ (Chief Justice) તરીકેની કામગીરી (1948–51) દરમિયાન સૌરાષ્ટ્રના કાપડ-ઉદ્યોગના મજૂરોની સમસ્યાઓ હલ કરવાના હેતુથી સૌરાષ્ટ્ર સરકારે નીમેલ સમિતિના તેમજ શિરોહી રાજ્યના વારસાહકના વિવાદ બાબતમાં ભારત સરકારે નીમેલ સમિતિના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી.

કાયદા-કાનૂન અને ન્યાયતંત્રના ક્ષેત્રમાં અનેકવિધ જવાબદારીઓ અદા કરવામાં તેમણે દર્શાવેલ કાયદાકીય નિપુણતા, ન્યાયનિષ્ઠા, કાર્યદક્ષતા, વ્યવહારકુશળતા અને નિષ્પક્ષ, સમન્વયવાદી અભિગમ, વ્યાપક લોકહિતની ભાવના ઇત્યાદિ ગુણલક્ષણોને કારણે તેમના ચુકાદાઓ અને નિર્ણયો પ્રજાના બધા વર્ગોમાં ભારે આદરપાત્ર અને યશસ્વી નીવડ્યા હતા. ભારતનાં વિવિધ રાજ્યોની અદાલતોએ અને દિલ્હી ખાતેની વરિષ્ઠ અદાલતોએ પણ દિવેટિયા સમિતિઓના હેવાલોને  તેમના અનેક અદાલતી ચુકાદાઓની જેમ પ્રમાણભૂત દસ્તાવેજો તરીકે અનેક કેસોમાં સ્વીકારેલ છે તે હકીકત સ્વયં હરસિદ્ધભાઈનાં ઉપર્યુક્ત ગુણલક્ષણોની ભારે દ્યોતક છે.

સાહિત્ય, સંસ્કાર, શિક્ષણ, સંશોધન અને સમાજસેવાનાં વિવિધ ક્ષેત્રોમાં પણ તેમણે કરેલ પ્રદાન ભારે યશસ્વી રહ્યું હતું. મુંબઈ યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડિકેટના સભ્ય (1936–38), ગુજરાત સંશોધન મંડળના અધ્યક્ષ (1936–53), ભારતીય વિદ્યાભવનના આજીવન વરિષ્ઠ (senior) ઉપાધ્યક્ષ, ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ (1952),  શ્રીમતી નાથીબા ધરમશી ઠાકરસી યુનિવર્સિટીના કુલાધિપતિ, ફાર્બસ ગુજરાતી સભાના અધ્યક્ષ (1957–68) ઇત્યાદિ પદો તેમણે શોભાવ્યાં હતાં.

ભારતના સ્વાતંત્ર્યોત્તર યુગમાં મુંબઈ રાજ્યમાં 1949માં સ્થપાયેલ ત્રણ નવી પ્રાદેશિક યુનિવર્સિટીઓ પૈકીની એક ગુજરાત યુનિવર્સિટીના માનાર્હ કુલપતિ તરીકે તેમણે કરેલી સેવા(1949–57) ખાસ ઉલ્લેખપાત્ર છે.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી સમગ્ર દેશની સાથે તે સમયના મુંબઈ રાજ્યમાં બીજાં ક્ષેત્રોની જેમ શિક્ષણના ક્ષેત્રમાં પણ નવરચનાનાં જે કાર્યો અગ્રિમતાના ધોરણે હાથ ધરવામાં આવ્યાં તે પૈકી એક કાર્ય રાજ્યના ત્રણ મુખ્ય પ્રદેશો – મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત – માટે ત્રણ નવી પ્રાદેશિક યુનિવર્સિટીઓ સ્થાપવાનું હતું (1949). નવસ્થાપિત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે પ્રથમ બે વર્ષ માટે રાજ્ય સરકારે હરસિદ્ધભાઈની નિમણૂક કરી. યુનિવર્સિટીની વહીવટી તેમજ વિદ્યાકીય પાંખો સક્ષમ રીતે કાર્ય કરી શકે તે માટેની ભૌતિક તેમજ માનવ- સુવિધાઓ ઊભી કરવાનું વિકટ કાર્ય તેમણે સફળતાપૂર્વક પાર પાડ્યું તેમજ યુનિવર્સિટીના ભાવિ વિકાસ માટે આયોજન પણ કરી આપ્યું. હરસિદ્ધભાઈના સફળ કુલપતિ તરીકેના કાર્યથી પ્રભાવિત થઈને યુનિવર્સિટીની સેનેટે ત્રણ ત્રણ વર્ષની મુદત માટે ભારે બહુમતીથી બબ્બે વાર (1951 અને 1954) માનાર્હ કુલપતિ તરીકે તેમને ચૂંટ્યા હતા.

હરસિદ્ધભાઈના કુલ 8 વર્ષના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીએ જે મહત્વનાં કાર્યો સિદ્ધ કર્યાં તેમાં શિક્ષણ અને પરીક્ષાના માધ્યમ તરીકે અંગ્રેજીને સ્થાને માતૃભાષા ગુજરાતીને પ્રતિષ્ઠિત કરીને માધ્યમ-પરિવર્તનની દિશામાં દેશભરની યુનિવર્સિટીઓને નેતૃત્વ પૂરું પાડ્યું તે મુખ્ય છે. આ હેતુ સિદ્ધ કરવા માટે યુનિવર્સિટીએ સમયબદ્ધ કાર્યક્રમ ઘડીને ગુજરાતીમાં વૈજ્ઞાનિક પરિભાષા અને પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનું ભગીરથ કામ પણ ઉપાડ્યું. આ સમયગાળા દરમિયાન યુનિવર્સિટીએ હાંસલ કરેલી મહત્વની સિદ્ધિઓમાં ભાષા-સાહિત્ય ભવન (ગુજરાતી, હિંદી, સંસ્કૃત, પર્શિયન ઇત્યાદિ વિભાગો સહિત) અને સમાજ-વિદ્યા ભવન (અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર વગેરે વિભાગો સહિત) એમ બે ભવનો સ્થાપીને એમ.એ. અને પીએચ.ડી. કક્ષાનાં શિક્ષણ અને સંશોધનની વ્યવસ્થા તથા પસંદ કરેલી કૉલેજોમાં યુનિવર્સિટીના સીધા અંકુશ હેઠળ સંખ્યાબંધ અનુસ્નાતક કેન્દ્રોની સંયોજિત વ્યવસ્થા ઊભી કરી તથા આયુર્વેદવિજ્ઞાનની એક સ્વતંત્ર વિદ્યાશાખા (જે કાળક્રમે સ્વતંત્ર યુનિવર્સિટીમાં ઉત્ક્રાન્ત થઈ) તેમજ કામદાર-કલ્યાણના અનુસ્નાતક અભ્યાસક્રમની સ્થાપના કરવા ઉપરાંત વ્યવસાયવ્યસ્ત વિદ્યાર્થીઓને માટે ઘેર બેઠાં બી.એ. સુધીનો અભ્યાસ કરવાની સુવિધા (external examination system) પૂરી પાડી તેને ગણાવી શકાય. સંલગ્ન કૉલેજોમાં નવા દાખલ થતા વિદ્યાર્થીઓની ફરજિયાત તબીબી તપાસ  અને જરૂરી કેસોમાં તે અંગે આર્થિક સહાયની યોજના તેમણે અમલમાં મુકાવી. તે ઉપરાંત યુનિવર્સિટી પરિસરમાં એક વિશાળ પુસ્તકાલય, વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ માટેનાં છાત્રાલયો, ઓપન-ઍર થિયેટર, અતિથિગૃહ, કર્મચારીઓનાં નિવાસસ્થાન ઇત્યાદિ સુવિધાઓ ઊભી કરવામાં આવી તેની સાથે વિદ્યાર્થી-કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ અને તાલીમશિબિરોનું આયોજન પણ ધ્યાનાર્હ રહ્યું.

હરસિદ્ધભાઈની સાહિત્યકૃતિઓ : (1) ‘મનોવિજ્ઞાન’ (ગુજરાત વર્નાક્યૂલર સોસાયટીનું પ્રકાશન) (1914), (2) ‘The Art of Living in Bhagawadgeeta’ (ભારતીય વિદ્યાભવનની ‘Book University’ શ્રેણીનું પ્રકાશન) (1957), (3) ‘લેખસંચય’ (ફાર્બસ ગુજરાતી સભાનું પ્રકાશન), (4) ‘નરસિંહ અને મીરાંનાં ભજનો’ (સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયનું પ્રકાશન) (1957), (5) ‘What Life Has Taught Me’ (સ્વતંત્ર અભ્યાસલેખ).

કંચનભાઈ ચં. પરીખ