દિવેટિયા, ભોગીન્દ્રરાવ રતનલાલ

March, 2016

દિવેટિયા, ભોગીન્દ્રરાવ રતનલાલ (જ. 31 માર્ચ 1875, અમદાવાદ; અ. 27 નવેમ્બર 1917, મુંબઈ) : તખલ્લુસ ‘સુબંધુ’ અને ‘સાર્જન્ટ રાવ’. ગુજરાતી નવલકથાકાર. પ્રાથમિક શિક્ષણ રાધનપુરમાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં, 1895માં મૅટ્રિક. 1902–1903માં, કાલોલ, રાજકોટ, ધોલેરામાં નોકરી. 1903માં ‘સુંદરીસુબોધ’નું પ્રકાશન. 1904–1906 દરમિયાન ‘સુમતિ’, ‘મેઘનાદ’, ‘નાગર’ પત્રોનું પ્રકાશન. 1905માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ., 1906–1907માં અમદાવાદમાં નેટિવ હાઈસ્કૂલમાં શિક્ષક. 1906માં ગુજરાત સાહિત્ય સભાના માનાર્હ મંત્રી. 1911–1917 દરમિયાન બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક.

સુધારકયુગ અને સાક્ષરયુગ દરમિયાન મુનશી અને ર. વ. દેસાઈ પૂર્વેની પેઢીમાં નવલકથાક્ષેત્રે ભોગીન્દ્રરાવે કેટલીક સુવાચ્ય નવલકથાઓ દ્વારા નોંધપાત્ર ફાળો આપ્યો હતો. બન્ધુસમાજના આશ્રયે એમણે સાહિત્યપ્રવૃત્તિ શરૂ કરેલી. વિપુલતા અને લોકપ્રિયતાની ર્દષ્ટિએ બન્ધુસમાજના લેખકોમાં એમનું સ્થાન આગળ પડતું છે. સુધારકયુગનું વળગણ એમની રચનાઓમાં જોવા મળે છે. એમની નવલકથાઓમાં પાત્રવૈવિધ્ય કે સુશ્લિષ્ટ સંકલનનો અભાવ પણ ર્દષ્ટિગોચર થાય છે. સામાજિક પ્રશ્નોને શિષ્ટ શૈલીમાં નિરૂપવાના ઉદ્યમ પાછળ ગોવર્ધનરામ અને ટૉલ્સ્ટૉય જેવા મનીષીઓની પ્રેરણા રહેલી છે. ઉચ્ચ ભદ્ર વર્ગને બદલે સામાન્ય વર્ગ એમની નવલકથાઓમાં સ્થાન મેળવે છે. મધ્યમ વર્ગ અને ગરીબોના જીવનનું તેમાં આલેખન થયું છે. એમની નવલકથાઓ એકીસાથે પાંચ પાંચ સામયિકોમાં પ્રગટ થતી. ‘મૃદુલા’ (1907), ‘ઉમાકાન્ત’ (1908) જેવી નવલકથાઓ તથા ‘સૉલિસિટર’ (1917), ‘લગ્નબંધન’ (1918) અને ‘જ્યોત્સ્ના’ (1919) જેવી નાની નવલો તેમણે આપી છે.

ભોગીન્દ્રરાવે અનુવાદ-રૂપાંતરની પ્રવૃત્તિ પણ કરી છે. ‘તરલા’ (1914) તેમણે ટૉલ્સ્ટૉયની ‘ઍના કેરેનિના’ને આધારે લખી છે. ‘ચમેલી’ (1910), ‘સિતારનો શોખ’ (1911) અને ‘ટૉલ્સ્ટૉયની વાતો’ (1912) તો ટૉલ્સ્ટૉયની રચનાઓનાં સીધાં રૂપાંતરો છે. આ ઉપરાંત એમણે અંગ્રેજ સાહિત્યકાર પેની કૃત ‘ધી ઇનએવિટેબલ લૉ’ પરથી ‘આસિસ્ટન્ટ કલેક્ટર’ (1914), હેન્રી વુડની નવલકથા ‘ધ ડેન્સબરી હાઉસ’ પરથી ‘મોહિની’ (1915) અને વિક્ટર હ્યુગોના ‘લા મિઝરેબલ’ પરથી ‘અજામિલ’ (1917) રૂપાંતરો કર્યાં છે. તેમણે ‘શ્રીયુત ત્રિભુવનદાસ ભાણજીનું જીવનચરિત્ર’ (1915), ટૉલ્સ્ટૉયનું જીવનચરિત્ર તથા ‘ઇંગ્લૅન્ડનો ઇતિહાસ’ પણ લખ્યાં હતાં. એમની કેટલીક કૃતિઓ હજી અપ્રસિદ્ધ છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ