દિવાકર (ઐક્ષ્વાકુ) : મનુ વૈવસ્વતના પુત્ર ઇક્ષ્વાકુએ અયોધ્યામાં પ્રવર્તાવેલો રાજવંશ. આ વંશમાં કકુત્સ્થ, માન્ધાતા, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, દિલીપ, રઘુ, દશરથ અને રામ જેવા અનેક પ્રતાપી રાજાઓ થયા. પાંડવો અને શ્રીકૃષ્ણના સમયમાં આ વંશમાં બૃહદબલ નામે રાજા થયા, જે ભારતયુદ્ધમાં મરાયા હતા. બૃહદબલ પછી આ વંશમાં બૃહત્ક્ષય, ઉરુક્ષય, વત્સવ્યૂહ અને પ્રતિવ્યોમ નામે રાજાઓ થયા. પ્રતિવ્યોમ પછી એમનો પુત્ર દિવાકર ગાદીએ આવ્યો. દિવાકર ઐક્ષ્વાકુ હસ્તિનાપુરના પૌરવ રાજા અધિસીમ કૃષ્ણ તથા મગધના બાર્હદ્રથ રાજા સેનાજિતના સમકાલીન હતા. મત્સ્ય, વાયુ, બ્રહ્માંડ, વિષ્ણુ, ભાગવત અને ગરુડપુરાણમાં આપેલી રાજવંશાવળીઓમાં આ ત્રણેય રાજાઓને ‘સાંપ્રત’ કહ્યા છે; ને તેઓના વંશજોને ‘ભાવિ રાજાઓ’ તરીકે રજૂ કર્યા છે. દિવાકરના પુત્ર અને ઉત્તરાધિકારી સહદેવ નામે રાજા હતા. પૌરાણિક વંશાવળીઓમાં સહદેવથી શરૂ થતા ‘ભાવિ’ રાજાઓમાં છેલ્લા રાજા સુરથપત્ર સુમિત્ર જણાવ્યા છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી