દિવસનો રાજા : દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cestrum diurnum L. (હિં દિનકા રાજા, ચમેલી; ગુ. દિવસનો રાજા; અં. ડે જૅસ્મિન, ડે કવીન) છે. તે  ઝડપથી વૃદ્ધિ સાધતો સદાહરિત 1.0-1.5 મી.ની ઊંચાઈ ધરાવતો ઉન્નત ક્ષુપ છે. તેની શાખાઓ સફેદ હવાછિદ્રો (lenticets) ધરાવે છે. તરુણ ભાગો ગ્રંથિમય હોય છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિત, ઘેરા લીલા રંગનાં, લંબચોરસ કે ઉપવલયાકાર, કુંઠાગ્ર, અખંડિત, અરોમિલ, 3.4–5.5 સેમી. x 1.3–2.5 સેમી., અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. પુષ્પો 1.5–2.0 સેમી. લાંબાં, લીલાશ પડતા સફેદ, મીઠી સુવાસવાળાં અને નાનાં ઝૂમખાંમાં ગોઠવાયેલાં હોય છે. પુષ્પો મુખ્યત્વે ઉનાળામાં આવે છે અને તેની સુવાસ દિવસે પ્રસરતી હોય છે. આ વનસ્પતિ રાતરાણી(cestrum nocturnum L.)ની સહજાતિ છે. તેની સુવાસ મળતી હોવા છતાં દિવસના રાજાની સુવાસ પ્રમાણમાં મંદ હોય છે.

પુષ્પનિર્માણ પછી છોડને થોડો પાંખો કરી નાખવાથી બીજી ઋતુમાં પુષ્પ સારી રીતે આવે છે.

વંશવૃદ્ધિ બીથી, કાપથી કે દાબકલમથી થઈ શકે છે. તેને બહુ ઓછી કાળજીથી ઉછેરી શકાય છે. તેને શોભન-વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. ઉદ્યાનોમાં તેની સીમાઓ (borders) બનાવવામાં આવે છે. તે મધમાખી માટે સારો લીલો ચારો પૂરો પાડે છે.

દિવસનો રાજા

દિવસનો રાજા મનુષ્યો અને પાલતુ પ્રાણીઓ માટે ઝેરી હોવાનું માનવામાં આવે છે. તેનાથી ભ્રમણાઓ (hallucinations), તથા સ્નાયુ અને ચેતાતંત્રમાં ઉત્તેજના થાય છે. પર્ણોના બાષ્પનિસ્યંદનથી 0.22 % બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. તેના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ.ગુ. રાં. 1.03, વક્રીભવનાંક 1.7968; વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન [α]D 210°, કાર્બોનિલ 22.4 % અને ઍસ્ટર 10.2 %. તેલ વનસ્પતિ અને મનુષ્યને લાગુ પડતા રોગજન(pathogen)ની સામે અસરકારક ફૂગવિષાક્ત (fungitoxicant) જણાઈ છે. પર્ણોમાં નિકોટિન, નૉર્નિકોટિન, ઉર્સોલિક ઍસિડ, ટિગોનિન અને 1,25, ડાઇહાઇડ્રૉક્સિ વિટામિન D3-ગ્લુકોસાઇડ ધરાવે છે. ટિગોનિન હૃદય માટે પુષ્ટિદાયક હોય છે. પર્ણોનો નિષ્કર્ષ અંગારિયો રોગ લાગુ પાડતી Ustilago maydes અને U. nudaનાં બીજાણુઓનું અંકુરણ અટકાવે છે.

પુષ્પો બાષ્પશીલ તેલ ધરાવે છે. તેનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : ટ્રાન્સ-2-હેક્ઝેનલ 33 %, સીસ-3-હેક્ઝેનિલ એસિટેટ 4.0 %, સીસ-3-હેક્ઝેનૉલ 4.0 %, ટ્રાન્સ-2-હેક્ઝેનૉલ 7 % અને લૉરિલ એસિટેટ 9.4 %.

વનસ્પતિનો પેટ્રોલિયમ ઈથર નિષ્કર્ષ લિપિડ 1.3 % અને અસાબુનીકૃત દ્રવ્ય 43.8 % ધરાવે છે. અસાબુનીકૃત દ્રવ્યમાં β–ઍમાયરિન, β–સિટોસ્ટેરૉલ અને ઉર્સોલિક ઍસિડ હોય છે. લિપિડના ફૅટીઍસિડના બંધારણમાં મિરિસ્ટિક 5.6 % પામિટિક 54.1 %, સ્ટીઅરિક 6.5 %, ઑલિક 18.9 % અને લિનોલિક ઍસિડ 14.8 % હોય છે. વનસ્પતિમાં ટિગોનિન, કૅટેચોલ ટેનિન અને ફ્લેવોનૉઇડ મળી આવેલ છે. બીજનો ઇથેનોલિક નિષ્કર્ષ (50 %) Alternaria alternata અને Aspergillus niger સામે ફૂગરોધી સક્રિયતા દર્શાવે છે. વનસ્પતિની જલ – આલ્કોહોલીય જમાવટ (ઘટ્ટ પદાર્થ) શોથરોધી (anti-inflammatory) પ્રક્રિયા દાખવે છે.

ભારતમાં Cestramની 10 જેટલી જાતિઓ થાય છે; જેમાં C.elegans syn C. purpureum (પર્પલ સીસ્ટ્રમ, રેડ સીસ્ટ્રમ), C. fasciculatum, C. nocturnum (રાતરાણી, નાઇટ સીસ્ટ્રમ, નાઇટ જૅસ્મિન, પૉઇઝન બેરી, રજનીગંધા) અને C.parqui (ગ્રીન સીસ્ટ્રમ)નો સમાવેશ થાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ