દિવાકરસેન : દખ્ખણના વાકાટક નરેશ રુદ્રસેન બીજા(ઈ. સ. 385)નો યુવરાજ. પિતાના અવસાન સમયે તે સગીર વયનો હતો. આથી વાલી તરીકે રાજમાતા પ્રભાવતી ગુપ્તાએ સત્તા સંભાળી હતી. ઈ. સ. 400ની આસપાસ વાકાટકોની મુખ્ય શાખામાં વિંધ્યશક્તિથી પાંચમી પેઢીએ થનારા રાજા રુદ્રસેન બીજાના ત્રણ પુત્રો – દિવાકરસેન, દામોદરસેન અને પ્રવરસેનમાંનો એક શ્રેષ્ઠ પુત્ર તે દિવાકરસેન. પ્રભાવતી ગુપ્તાનું લાંબું શાસન સૂચિત કરે છે કે દિવાકરસેન સોળ વર્ષનો થયો તે પછી પણ તેને મહારાજા બનાવવામાં આવ્યો ન હતો. સંભવ છે કે પ્રભાવતીદેવીના સત્તાલોભને કારણે આમ થયું હોય. એના રાજકાલના તેરમા વર્ષનો જે લેખ પુણેમાંથી મળ્યો છે તેમાં ‘યુવરાજ દિવાકરસેનની માતા’ તરીકે અનુદાન આપ્યાનો ઉલ્લેખ છે. આ અનુદાન નંદિવર્ધન ગામેથી અપાયું હતું. સંભવ છે કે આ સ્થળ રાજધાની હોય. તે વર્તમાન નાગપુરથી વીસેક કિલોમીટરના અંતરે છે. શ્રીધરદાસના ‘સદુક્તિકર્ણામૃત’માં નિર્દિષ્ટ યુવરાજ દિવાકર તે આ વાકાટક દિવાકરસેન હોઈ શકે.

રસેશ જમીનદાર