દિલ્હી દરબાર : બ્રિટનનાં રાજા-રાણીના રાજ્યાભિષેક પ્રસંગે ભારતમાં વિવિધ સમયે યોજાયેલા દરબાર. ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન ડિઝરાયલીના અમલ દરમિયાન બ્રિટિશ પાર્લમેન્ટે ઈ. સ. 1876માં રૉયલ ટાઇટલ્સ ઍક્ટ પસાર કરીને ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાને ‘કૈસરે હિન્દ’ એટલે કે ભારતની સમ્રાજ્ઞીનો ઇલકાબ આપ્યો. ભારતના તત્કાલીન વાઇસરૉય લૉર્ડ લિટને રાણી વિક્ટોરિયા દ્વારા ‘કૈસરે હિન્દ’નો ખિતાબ ગ્રહણ કરવાનો પ્રસંગ ઊજવવા દિલ્હીમાં 1 જાન્યુઆરી, 1877ના રોજ એક ભવ્ય દરબારનું આયોજન કર્યું. 1857ના વિપ્લવમાં ભારતીયો તથા અંગ્રેજો વચ્ચે ત્રણ માસ સુધી જે મેદાન પર ભયાનક લડાઈઓ થઈ હતી, તે મેદાન આ દરબાર માટે પસંદ કરવામાં આવ્યું. આ દરબારમાં ભારતના 79 રાજાઓ, 1200 સનદી અધિકારીઓ, ભવ્ય પોષાકમાં 14,000 બ્રિટિશ અને ભારતીય સૈનિકો તથા 68,000 લોકોએ હાજરી આપી હતી. આ ઉત્સવ એક સપ્તાહ પર્યંત ચાલુ રહ્યો હતો. દિલ્હી રેલવે સ્ટેશનથી વાઇસરૉયનું ભપકાદાર સરઘસ ક્વીન્સ રોડ, જામા મસ્જિદ, ચાંદની ચૉક, લાહોરી દરવાજા અને કાબુલ દરવાજા થઈને ફ્લૅગ સ્ટાફ ટાવર પહોંચ્યું. વાઇસરૉય લૉર્ડ લિટન લેડી લિટન સાથે શણગારેલા હાથી ઉપર બેઠા હતા. તેમની પાછળ ભવ્ય પોશાકથી સજાવેલ હાથી ઉપર મહત્વના સનદી અને લશ્કરી અધિકારીઓ બેઠેલા હતા. બ્રિટિશ તથા ભારતીય સૈનિકોની કતારો માઈલો સુધી માર્ગો પર ર્દષ્ટિગોચર થતી હતી. નૂતન વર્ષના દિવસે બરાબર 12.30 વાગ્યે લૉર્ડ લિટને મંચની મધ્યમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. તેમની સમક્ષ અર્ધ વર્તુળાકારે રાજાઓ, ઉમરાવો, દરબારીઓ વગેરે પોતાના દરજ્જા મુજબ ઝગમગતા તેજસ્વી પોષાકમાં ઊભા રહ્યા. લશ્કરના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા અધિકારી મેજર બાર્નીસે રાણીના નવા ઇલકાબ ‘ભારતની સમ્રાજ્ઞી’ની જાહેરાત કરી. આ સમયે દક્ષિણ ભારતમાં દુષ્કાળને કારણે મોટી સંખ્યામાં માણસો મૃત્યુ પામતા હોવાથી, ભવ્ય દરબાર માટેના સમયની પસંદગી યોગ્ય નહોતી. આ દરબારમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજા 14 વર્ષની વયે હાજર રહ્યા હતા. તેમાં તેમને ‘ફરજંદે-ખાસ-એ-દોલતે-ઇંગ્લિશિયા’ અર્થાત્ બ્રિટિશ સામ્રાજ્યના પોતાના માનીતા પુત્રનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

રાણી વિક્ટોરિયાના અવસાન બાદ તેમના જ્યેષ્ઠ પુત્ર એડવર્ડ સાતમા ગાદીએ બેઠા. તે સમયના વાઇસરૉય લૉર્ડ કર્ઝને (1899–1905) તેમને સમ્રાટ તરીકે જાહેર કરવા 1 જાન્યુઆરી, 1903ના દિવસે દિલ્હીમાં બીજો ભવ્ય દરબાર યોજ્યો. તે 1877ના નમૂના મુજબ પરંતુ વધારે ભવ્યતાથી યોજવામાં આવ્યો હતો. વાઇસરૉય કર્ઝન તથા રાજાઓનું સરઘસ ફતેહપુરી સુધી લૉર્ડ લિટન અગાઉ લઈ ગયેલ તે માર્ગે ગયું. ત્યાંથી સરઘસ ચર્ચ રોડ, ક્વીન્સ રોડ, મોરી રોડ થઈને ફ્લૅગ સ્ટાફ ટાવર ગયું. આ દરબારમાં સમ્રાટના પ્રતિનિધિ તરીકે હાજર રહેવા, તેમના ભાઈ ડ્યુક ઑવ્ કૉનૉટને તેમની પત્ની સહિત ઇંગ્લૅન્ડથી મોકલવામાં આવ્યા હતા. ભારતનાં રાજ્યોના રાજાઓને તેમાં ઉપસ્થિત રહી હાથીના સરઘસમાં જોડાઈ, સમ્રાટ પ્રત્યેની તેમની વફાદારી દર્શાવવા જણાવવામાં આવ્યું હતું.

લાલ કિલ્લામાં આવેલ દીવાને-આમના ઐતિહાસિક મકાનમાં અભિષેકની વિધિ યોજવામાં આવી હતી. દીવાને-ખાસનો ઉપયોગ નૃત્ય ખંડ તરીકે કરવામાં આવ્યો હતો. સરસેનાપતિ લૉર્ડ કિચનરની હકૂમત હેઠળના આશરે 40,000 ભારતીય તથા બ્રિટિશ સૈનિકોના નિરીક્ષણ બાદ આ ભવ્ય સમારોહની પૂર્ણાહુતિ થઈ. આ પ્રસંગે કાશ્મીરી દરવાજા બહાર કુદસિયા બાગમાં ભારતીય કલાપ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. તેનો ઉદ્દેશ ભારતીય કારીગરોમાં રહેલ કલા-ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાનો હતો. આ દરબાર ભરવામાં કરેલ અઢળક ખર્ચ માટે ભારતીય તથા બ્રિટિશ વર્તમાનપત્રોમાં કર્ઝનની સખત ટીકા કરવામાં આવી હતી.

એડવર્ડ સાતમાનું અવસાન થવાથી તેમના પુત્ર જ્યૉર્જ પાંચમા ગ્રેટ બ્રિટનની ગાદીએ બેઠા. તેમનો રાજ્યાભિષેક 22 જૂન, 1911ના રોજ વેસ્ટ-મિન્સ્ટર ઍબીમાં કરવામાં આવ્યો. મંત્રીઓની સલાહ અનુસાર રાજાએે નવી પ્રણાલિકા પાડી, રાણી સહિત ભારત આવીને, રાજ્યાભિષેકના દરબારનું પ્રમુખપદ સંભાળી, સામ્રાજ્યના રક્ષિત રાજાઓ તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સન્માન મેળવવાનો નિર્ણય કર્યો. રાજા જ્યૉર્જ પાંચમા અને રાણી મેરી 7 ડિસેમ્બરના રોજ દિલ્હી પહોંચ્યાં. દિલ્હીમાં 12 ડિસેમ્બર, 1911ના રોજ ત્રીજો ભવ્ય દરબાર યોજવામાં આવ્યો. તેમાં ભારતના રાજાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમ્રાટના પ્રવચન બાદ, વાઇસરૉય લૉર્ડ હાર્ડિન્જ, સરસેનાપતિ, ગવર્નર જનરલની કાઉન્સિલના સભ્યો તથા ત્યારબાદ હૈદરાબાદના નિઝામ, વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજા તથા મૈસૂર અને કાશ્મીરના રાજાઓએ સમ્રાટનું અભિવાદન કર્યું. આ ભવ્ય દરબારના પ્રસંગે આશરે  80,000 લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે જમીનોનાં દાન, સૈનિકો તથા સરકારી નોકરોને એક મહિનાનો વધારાનો પગાર, લોકોના શિક્ષણ માટે 50 લાખ રૂપિયાની ફાળવણી અને વિક્ટોરિયા ક્રૉસ માટે ભારતીયોને લાયક ગણવાની જાહેરાતો કરવામાં આવી. આ ઉપરાંત ભારતનું પાટનગર કૉલકાતાથી બદલીને દિલ્હી લઈ જવાની, બંગાળનું વિભાજન રદ કરવાની, ગવર્નર ઇન-કાઉન્સિલ હેઠળ બંગાળનો પ્રાન્ત રચવાની, બિહાર અને ઓરિસાનો નવો પ્રાન્ત રચવાની તથા આસામને ચીફ કમિશનર હેઠળ મૂકવાની મહત્ત્વની વહીવટી જાહેરાતો પણ કરવામાં આવી હતી.

જયકુમાર ર. શુક્લ