દિમિત્ર (ઈ. સ. પૂ. ત્રીજી સદી) : એઉથીદિમનો પુત્ર અને બૅક્ટ્રિયાનો રાજા. ભારત અને બૅક્ટ્રિયાના રાજકીય ઇતિહાસમાં દિમિત્રનું યોગદાન ધ્યાનાર્હ રહ્યું છે. સિકંદર પછી ભારતમાં સિંધુ નદીની પૂર્વમાં ગ્રીક સત્તાને પ્રસારવા માટે દિમિત્ર જવાબદાર હતો. એના રાજ્યઅમલ દરમિયાન ભારતનો ગ્રીસ સાથેનો રાજકીય તેમજ સાંસ્કૃતિક સંબંધ ગાઢ બન્યો હતો. જોકે ભારતમાંની એની રાજકીય સફળતા તેના દેશમાં એના માટે આત્મઘાતક પુરવાર થઈ; કેમ કે એના પ્રતિસ્પર્ધી એઉક્રતિદે બૅક્ટ્રિયા ઉપર કબજો જમાવી દીધો હતો. ઍન્ટિઑકે બૅક્ટ્રિયાનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું તે પછી તેણે પોતાની પુત્રી દિમિત્ર સાથે પરણાવી હતી. ભારતીય ગ્રીક રાજાઓમાં દિમિત્રનું નામ વિખ્યાત છે. તે પહેલો ગ્રીક રાજા હતો જેણે તાંબાના ચોરસ સિક્કા ભારતીય ઢબે તૈયાર કરાવ્યા હતા. આ સિક્કાની એક બાજુ ગ્રીક અક્ષરોમાં અને બીજી બાજુ ખરોષ્ઠી અક્ષરોમાં લખાણ હતું. આમ એના તાંબાના સિક્કા પર બે ભાષામાં લખાણ આવતું. ઉપરાંત એણે ચાંદીના ગ્રીક લખાણયુક્ત ગોળ સિક્કા પણ પડાવ્યા હતા. આ બંને પ્રકારના એના સિક્કા ભારતના પશ્ચિમોત્તર પ્રાંતમાંથી ઉપલબ્ધ થયા છે. પ્રકાર, પદ્ધતિ અને ધાતુની ર્દષ્ટિએ એના સિક્કાને સાત વિભાગમાં મૂકી શકાય. ‘બેસિલિયસ ડિમિત્રાય’ લખાણ ગ્રીક ભાષાલિપિમાં જોવા મળે છે, જ્યારે ‘મહરજસ અપરજિતસ દિમ’ લખાણ પ્રાકૃત ભાષા અને ખરોષ્ઠી અક્ષરોમાં પ્રાપ્ત થાય છે.
રસેશ જમીનદાર