દિબ્રુગઢ : આસામ રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો. તે 3,381 ચોકિમી. વિસ્તારને આવરે છે. જિલ્લાની ઉત્તર-પશ્ચિમ સીમા પર વહેતી બ્રહ્મપુત્ર નદીને લોહિત, દિબ્રુ અને બુઢી દિહિંગ નદીઓ મળે છે. આ નદીઓના કાંપથી આ જિલ્લામાં મેદાનોની રચના થઈ છે. આ મેદાનો આશરે 100 મીટરની ઊંચાઈ ધરાવે છે.

ભારે પૂરથી સર્જાતી તારાજી સામે દિબ્રુગઢ નગરના રક્ષણ માટે બ્રહ્મપુત્ર
નદીના કિનારે સતત ચાલતું બંધ-પાળાનું નિર્માણ

જિલ્લાની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ડુંગરાળ ટેકરીઓ પર જંગલો છવાયેલાં છે. મેદાનોમાં ડાંગર, શેરડી, તેલીબિયાં અને બટાટા જેવા પાકોની અને ડુંગરાળ ઢોળાવો પર ચાની ખેતી થાય છે.

દિબ્રુગઢ નગર બ્રહ્મપુત્ર નદીના ઉપલા ખીણપ્રદેશમાં બ્રહ્મપુત્ર અને દિબ્રુ નદીના સંગમ પર વસેલું છે. સમુદ્રસપાટીથી તે આશરે 105 મીટરની ઊંચાઈએ લગભગ 27° 29’ ઉ. અ. અને 94° 54’ પૂ. રે. પર આવેલું છે. નદીકાંઠે આવેલું હોવાથી તેને બ્રહ્મપુત્ર નદીના જળમાર્ગની સુવિધાઓ મળેલી છે. આસામનાં મહત્વનાં વ્યાપારી કેન્દ્રોમાં તેની ગણના થાય છે. અહીંથી જળમાર્ગે ચોખા અને ચાની નિકાસ થાય છે.

દિબ્રુગઢ નગરનું દૈનિક સરેરાશ લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 18.7° સે. તથા 27.7° સે. હોય છે. વળી ત્યાંના વાર્ષિક વરસાદનું પ્રમાણ 2,759 મિમી. જેટલું રહે છે. અહીં ભેજનું પ્રમાણ વિશેષ  રહે છે. આમ અહીં ગરમ અને ભેજવાળી મોસમી પ્રકારની આબોહવાનો અનુભવ થાય છે.

શહેરમાં ચા-પ્રોસેસિંગ, લોખંડ અને પોલાદની ચીજવસ્તુઓ, ઍલ્યુમિનિયમનાં વાસણો, સાઇકલના છૂટા ભાગ, સિગારેટ તથા ચાના બગીચાને ઉપયોગી ઓજારો બનાવવાને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ વિકસી છે. ઉપરાંત અહીં ચોખા અને ખાદ્યતેલનો મિલ-ઉદ્યોગ ઉપરાંત કુટિર-ઉદ્યોગો છે.

દિબ્રુગઢ યુનિવર્સિટી(1965)નું તે મુખ્ય મથક છે. આસામની તબીબી કૉલેજ, કૃષિ-વિદ્યાપીઠ તેમજ વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય-કૉલેજો તેની સાથે સંલગ્ન છે.

તે રાજ્યના અન્ય ભાગો સાથે સંકળાયેલું છે. રેલ અને રાષ્ટ્રીય ધોરી માર્ગો છે. બ્રહ્મપુત્ર નદીને સમાંતર ધોરી માર્ગ આ નગરમાંથી પસાર થાય છે. ‘મોહનબારી’ નામે ઓળખાતું હવાઈ મથક ત્યાં આવેલું છે. તે ભૂમિમાર્ગે તથા હવાઈ માર્ગે આસામનાં ગુવાહાટી અને દીમાપુર તથા પશ્ચિમ બંગાળના કૉલકાતા તથા દેશનાં અન્ય નગરો સાથે સંકળાયેલું છે.

ઈ. સ. 1950માં આસામમાં થયેલા ભારે ધરતીકંપથી આ શહેરને અસર થઈ હતી. બ્રહ્મપુત્ર નદીના પૂરથી વારંવાર આ નગર તારાજ થાય છે.

જિલ્લાની અને શહેરની વસ્તી અનુક્રમે 13.28 લાખ અને 1.4 લાખ જેટલી છે (2011).

આ જિલ્લામાં દિગ્બોઈ અને નાહોરકોટિયામાં ખનિજતેલ અને વાયુનાં ક્ષેત્રો આવેલાં છે. દિબ્રુગઢ, માર્ઘેરિતા, મોરાન અને નામડાન્ગ જેવાં નગરોમાં ખાદ્ય ચીજવસ્તુઓનું પ્રોસેસિંગ, ઠંડાં પીણાં અને તમાકુને લગતા ઉદ્યોગો છે. દિબ્રુગઢ નગરમાં ઇજનેરી ઉદ્યોગો પણ વિકસ્યા છે. જિલ્લાના તીનસુખિયા અને નામરૂપ વિસ્તારોમાં રાસાયણિક અને ફાર્માસ્યુટિકલ પેદાશોનું ઉત્પાદન થાય છે.

બીજલ પરમાર