દાસ, મધુસૂદન (જ. 28 એપ્રિલ 1848, સત્યભામાપુર, જિ. કટક, ઓરિસા; અ. 4 ફેબ્રુઆરી 1934) : દેશભક્ત રાષ્ટ્રવાદી નેતા, સમાજ-સુધારક અને વકીલ. ‘ઉત્કલ ગૌરવ’ તરીકે તેઓ ઓરિસામાં પ્રસિદ્ધ હતા. અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢીને તેમણે પોતાનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખ્યો અને કલકત્તા (કૉલકાતા) યુનિવર્સિટીમાંથી એમ.એ. (અંગ્રેજી) અને બી.એલ. થયા. તેમણે પૂર્વ ભારત, ખાસ કરીને ઓરિસાના લોકોના રાજકીય, સામાજિક અને આર્થિક ઉત્કર્ષ વાસ્તે અથાક પરિશ્રમ કર્યો. એક વકીલ, સમાજસુધારક તથા દેશભક્ત તરીકે તેમણે દેશની પ્રશંસનીય સેવા કરી.
દેશના કરોડો લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના પ્રગટાવવા વાસ્તે તેમણે ઊડિયા તથા અંગ્રેજી બંને ભાષાઓમાં અનેક લેખો તથા કાવ્યો લખ્યાં. તેઓ ઊડિયા, અંગ્રેજી તથા બંગાળી ભાષાના સમર્થ વક્તા હતા. ઓરિસાના કારીગરોની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવા વાસ્તે તેમણે ઘણો પરિશ્રમ કર્યો. નિર્ધન વિદ્યાર્થીઓના ઉચ્ચશિક્ષણ માટે તેમણે પોતાની કમાણીમાંથી ઉદારતાથી દાન આપ્યું અને જુદી જુદી રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને આર્થિક મદદ કરી. ગાંધીજીએ તેમને એક એવા મહાન ભારતીય દેશભક્ત કહ્યા હતા, જેમણે રાષ્ટ્રનિર્માણની વિવિધ યોજનાઓને વ્યવહારુ રૂપ આપવા માટે, પોતાનું જીવન સમર્પિત કર્યું.
જયકુમાર ર. શુક્લ