દાસ, મનોરંજન

March, 2016

દાસ, મનોરંજન (જ. 10 માર્ચ 1923, ઓરિસા; અ. 17 ફેબ્રુઆરી 2013, ઓરિસા) : ઊડિયા નાટ્યકાર. ’40 ના દશકામાં પથરાયેલી તેમની પ્રારંભિક કારકિર્દી દરમિયાન નાટ્યવિષય તથા શૈલી પરત્વે તે પરંપરાગત વલણ અપનાવે છે. આ ગાળાનું મહત્વનું નાટક તે ‘બક્ષી જગબંધુ’ (1949); તે ઓરિસાના પાઇકા બળવાના ઐતિહાસિક વિષય પર રચાયેલું છે. ‘50ના દશકાના પ્રારંભથી અને ખાસ કરીને ‘આગામી’(1950)ના પ્રકાશનથી તે વિષય તથા શૈલી પરત્વે પ્રયોગશીલ વલણ અપનાવતા થઈ જાય છે. સ્વાતંત્ર્યોત્તર ભારતની રાજકીય પરિસ્થિતિ પર રચાયેલા નવા નાટકમાં તે સ્ત્રીનાં મનોવલણ તથા સ્ત્રી-પુરુષ-સંબંધોની વ્યર્થતા આલેખે છે. આ નિષ્ફળતામાંથી જન્મતો વિષાદ તે પછીનાં નાટકોમાં બરાબર ઝિલાયો છે. ‘વનહંસી’, ‘અરણ્ય ફાસલા’, ‘કાઠઘોડા અને શબ્દલિપિ’ તથા ‘અવરોધ’ (1953) એ પ્રકારની કૃતિઓ છે. ‘અવરોધ’માં લેખકની સમાજવાદી વિચારસરણી સ્પષ્ટ રીતે વણી લેવાઈ છે. ‘સાગરમંથન’(1964)માં જે. બી. પ્રિસ્ટલીના ‘ઍન ઇન્સ્પેકેટર કૉલ્સ’ નો વિષય વણી લેવાયો છે.

તેમણે અન્યત્ર અન્ય નાટકોમાં આલેખેલી હતાશા અને અશ્રદ્ધાને તથા જીવનની નિરર્થકતાને ધરાર નકારતા આશાવાદ તથા શ્રદ્ધાભાવનાનું નાટક તે ‘અમૃતસ્ય પુત્ર’. તેમની આધુનિકતા ઉપરછલ્લો પ્રભાવ ન રહેતાં જીવન પ્રત્યેનો સર્જનાત્મક અભિગમ બની રહે છે. ઊડિયા ઍબ્સર્ડ નાટ્યના તે અગ્રેસર લેખાયા છે. નાટ્યસાહિત્ય માટે તેમને ઓરિસા સંગીત નાટક એકૅડેમીનું પારિતોષિક મળ્યું હતું. થોડો સમય તેમણે એ એકૅડેમીના મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

હસમુખ બારાડી