દાસ, જોગેશ (જ. 1 એપ્રિલ 1927, હંસારા ટી એસ્ટેટ, ડમડમ, આસામ; અ. 9 સપ્ટેમ્બર 1999) : અસમિયા ભાષાના નામાંકિત સાહિત્યકાર. તેમના વાર્તાસંગ્રહ ‘પૃથ્વીર અસુખ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1980ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. 1953માં તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અસમિયા સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. થોડો સમય શાળાના શિક્ષક તરીકે કાર્ય કર્યા પછી પત્રકારત્વ અપનાવ્યું. ત્યારબાદ ગુવાહાટીની બરુઆ કૉલેજમાં અસમિયાના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને વિભાગાધ્યક્ષ બન્યા. 35 વર્ષના લેખનકાર્ય દરમિયાન તેમણે ટૂંકી વાર્તાના 6 સંગ્રહો, 11 નવલકથાઓ અને ભાષાંતરનાં કેટલાંક પુસ્તકો આપ્યાં છે. તેમની કેટલીક ટૂંકી વાર્તાઓ બંગાળી, અંગ્રેજી, મરાઠી અને પંજાબીમાં અનુવાદ પામી છે.
સમકાલીન માનવ-સમુદાયની સમસ્યાઓ વિશેની ઊંડી સૂઝ, પાત્રો પરત્વેનો મનોવૈજ્ઞાનિક અભિગમ અને વેધક વક્રોક્તિ સાથે મૂળભૂત માનવતાવાદી ર્દષ્ટિબિંદુ જેવી લાક્ષણિકતાઓને કારણે તેમનો પુરસ્કૃત વાર્તાસંગ્રહ અસમિયા સાહિત્યમાં ગણનાપાત્ર રહ્યો છે. 1994માં અસમિયા સાહિત્યમાં આપેલાં યોગદાન બદલ અસમ વેલી લિટરરી ઍવૉર્ડ એનાયત થયો હતો.
મહેશ ચોકસી