દાસ, જીવનાનંદ

March, 2016

દાસ, જીવનાનંદ [જ. 17 ફેબ્રુઆરી 1899, બારીસાલ (હાલ બાંગ્લાદેશ); અ. 22 ઑક્ટોબર 1954, કૉલકાતા] : બંગાળી લેખક. બારીસાલમાં જન્મ. પૂર્વ બંગાળમાં પ્રાકૃતિક સૌંદર્યના વાતાવરણમાં બાલ્ય વિતાવ્યું. માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ કૉલકાતામાં લીધું અને ત્યાં જ કાયમી વસવાટ કર્યો. એમનું સાહિત્યિક ઘડતર ત્યાં જ થયું. એમણે પોતાની આસપાસના જનજીવનનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. સ્વભાવે અન્તર્મુખ હોવા છતાં બહારના જગતના જ પોતે એક અંશ છે એમ માનતા હોવાથી, એમણે શરૂઆતમાં વાર્તાઓ તથા નવલકથાઓ પણ લખેલી. પણ એમણે સાહિત્યમાં જે ગૌરવપ્રદ સ્થાન મેળવ્યું તે તો એમના કાવ્યસર્જન દ્વારા. એમણે કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી સાહિત્યનો વિષય લઈને એમ. એ.ની પદવી પ્રાપ્ત કરી અને પછી કૉલકાતાની બે ત્રણ કૉલેજોમાં અંગ્રેજીનું અધ્યાપન કર્યું. ‘સ્વરાજ’ દૈનિકના તંત્રીપદે પણ કામ કર્યું. જીવનના અંત સુધી એમની કવિતામાં જે આધુનિકતા હતી તે વિશે આકરી ટીકા થતી રહી; એટલું જ નહિ પણ, જેઓ પોતાને આધુનિક કહેવડાવતા હતા તેમણે પણ એ ટીકામાં સૂર પુરાવ્યો. 1954માં એ કૉલકાતામાં રસ્તે જતા હતા ત્યારે માર્ગદુર્ઘટનામાં તેમનું અવસાન થયું. બીજે જ વર્ષે એમના કાવ્યસંગ્રહ ‘જીવનાનંદ દાસેર શ્રેષ્ઠ કવિતા’ને સાહિત્ય અકાદમી તરફથી મરણોત્તર પારિતોષિક આપવામાં આવ્યું.

જીવનાનંદ દાસ

કાવ્યવિષય અને નિરૂપણરીતિની એમની વિશિષ્ટતા એમને આધુનિક બંગાળી કવિઓમાં અગ્રસ્થાનના અધિકારી બનાવે છે. એમની કવિતામાં મુખ્ય સૂર એકાકિતાનો છે. રવીન્દ્રોત્તર કવિઓમાં કવિતાને નવો વળાંક આપનાર તરીકે એ પ્રથમ છે. વીસમી સદીના માનવીના વ્યક્તિત્વનો હ્રાસ થઈ રહ્યો છે એ વિષય પર લખનાર એ પ્રથમ કવિ છે. જે રિક્તતા છે તેને અસરકારક રીતે એમણે વાચા આપી છે. એમના કાવ્યસંગ્રહો છે : ‘ઝરા પાલક’ (1927); ‘ધુસર પાંડુલિપિ’ (1936), ‘મહાપૃથિવી’ (1944), ‘સત્તિ તારાર તિમિર’ (1948), ‘વનલતા સેન’ (1942),  ‘જીવનાનંદ દાસેર શ્રેષ્ઠ કવિતા’ (1954), ‘રૂપસી બાંગ્લા’ (1957), ‘બેલા અબેલા કાલબેલા’ (1961). એમણે કવિતા વિશે પણ વિવેચન કર્યું છે જે ’કવિતાર કથા’ (1955) પુસ્તકમાં સંગૃહીત થયું છે. ભોળાભાઈ પટેલે ‘વનલતા સેના’ ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે.

ચન્દ્રકાન્ત મહેતા