દાસ, દીનકૃષ્ણ

March, 2016

દાસ, દીનકૃષ્ણ (અંદાજે 1686–1713) : ઊડિયા ભાષાના મધ્યકાલીન કવિ. પુરીનિવાસી દીનકૃષ્ણ દાસનું જીવન અત્યંત ગરીબીમાં વીત્યું હતું. જીવનના મધ્યકાળમાં તેઓ રક્તપિત્તના ભોગ બન્યા હતા, પરિણામે દુ:ખ પરાકાષ્ઠાએ પહોંચી ગયું. આ કવિના બાર ગ્રંથો છે અને તેમાંના છ આજે પણ લોકપ્રિય છે. સૌથી પ્રસિદ્ધ ગ્રંથ છે ‘રસકલ્લોલ’. આ કાવ્યની દરેક કડીનો પહેલો અક્ષર ‘ક’ છે. યમક અને અનુપ્રાસનો પણ છૂટથી ઉપયોગ કર્યો છે. અમુક અંશે ઉપેન્દ્ર ભંજનું અનુકરણ હોવા છતાં ‘રસકલ્લોલ’ વધુ સરળ અને ધ્વનિની ર્દષ્ટિએ વધુ મધુર છે. કૃષ્ણભક્ત કવિના ‘ચૌતીસા’માં માનવનું માહાત્મ્ય દર્શાવ્યું છે. કહેવાય છે કે આ કાવ્યો એમણે પોતે ભગવાન જગન્નાથની સામે ગાયાં હતાં. ભગવાનની સામે ફરિયાદ કરતાં આ કાવ્યો ‘જણાણ’ તરીકે ઓળખાય છે.

જાનકીવલ્લભ મોહન્તી