દાસ, જગન્નાથ

March, 2016

દાસ, જગન્નાથ (આશરે 1487–1550) : ઊડિયા ભાષાના મધ્યકાલીન કવિ. તેમનો જન્મ જગન્નાથપુરી નજીકના એક ગામમાં થયો હતો. તેમણે તેમના જીવનનો મોટાભાગનો સમય ચિંતન અને ભક્તિમાં જગન્નાથપુરી ખાતે વિતાવ્યો હતો. તેઓ સંન્યાસીનું જીવન જીવ્યા હતા. તેઓ મહાન પંડિત અને ભક્ત હતા. વૈષ્ણવ સંપ્રદાયમાંની ‘અતિવાદી સંપ્રદાય’ શાખાના તેઓ સંસ્થાપક હતા. આ સંપ્રદાયમાં મહાન ભક્તો થઈ ગયા છે. જ્ઞાન આધ્યાત્મિકતાને અવરોધક નહિ પરંતુ પૂરક હોય છે તેવો આ સંપ્રદાયનો ર્દઢ વિશ્વાસ છે. ભગવાન જગન્નાથ એ સર્વ દેવોના દેવ છે અને ઈશ્વરના અન્ય અવતારો જગન્નાથનાં જ પ્રતીકો છે એવી માન્યતા છે.

તેમણે ઊડિયા તથા સંસ્કૃતમાં ઘણા ગ્રંથો લખ્યા છે, પરંતુ તે સર્વ ગ્રંથોમાં ઊડિયા ભાષામાં તેમણે લખેલ ભાગવત તેમનું સર્વોચ્ચ સર્જન ગણાય છે. તેમાં નવ અક્ષરો ધરાવતી છંદરચના છે. તે સંસ્કૃત ભાષામાં લખેલ ભાગવતનું ભાષાંતર નથી, પરંતુ મૌલિક કૃતિ જેવી રચના છે. સ્પષ્ટતા, સાદાઈ તથા નૈસર્ગિક શૈલી ધરાવતી આ રચનામાં કવિએ જે કુશળતાથી ઉચ્ચ કોટિના ધાર્મિક તથા દાર્શનિક વિચારો રજૂ કર્યા છે તે અપ્રતિમ છે. સંસ્કૃતમાં લખેલ ભાગવતના શ્લોકોમાં જે ભાવ વ્યક્ત થાય છે તેને ભાવાત્મક રીતે સંપૂર્ણ વફાદાર રહીને તેમણે તે શ્લોકોના ભાવ લયબદ્ધ, સહજ, સરળ ઊડિયા ભાષામાં ઉતાર્યા છે. તેમની આ કૃતિ ઓરિસાના દરેક ઘરમાં સ્થાન પામી છે અને દરરોજ સાંજે દરેક કુટુંબમાં સંપૂર્ણ ભક્તિભાવ સાથે તેનું પઠન થાય છે. ઓરિસાના લગભગ દરેક ગામમાં ભાગવત ઘર બાંધવામાં આવ્યું હોય છે. ત્યાં આ કૃતિનું પારાયણ થાય છે તથા તેના પર પ્રવચનો ગોઠવાતાં હોય છે. તેમની આ રચનાની ઘણી પંક્તિઓ ઊડિયા ભાષામાં લોકોક્તિ કે કહેવતો બની છે.

ઊડિયા ભાષામાં તેમણે લખેલી અન્ય કૃતિઓમાં ‘દાસબ્રહ્મગીતા’, ‘અંતકોઈલી’, ‘તુલાવીણા’ તથા કેટલાંક ભક્તિગીતો લોકપ્રિય બન્યાં છે. ઉપરાંત, સંસ્કૃત ભાષામાં તેમની જાણીતી કૃતિઓમાં ‘કૃષ્ણભક્તિ-કલ્પલતા’, ‘પ્રેમસુધામ્બુધિ’, ‘નિત્યગુપ્તલીલા’, ‘ઉપાસનાશતકમ્’, ‘નિત્યાચાર’, ‘નીલાદ્રિશતકમ્’ અને ‘જગન્નાથચરિતમ્’ વિશેષ ઉલ્લેખનીય છે.

જાનકીવલ્લભ મોહન્તી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે