દાસ, જગન્નાથપ્રસાદ

March, 2016

દાસ, જગન્નાથપ્રસાદ (જ. 1936, પુરી, ઓરિસા) : ઓરિસાના જાણીતા કવિ અને નાટ્યકાર. તેમને તેમના જાણીતા ઊડિયા કાવ્યસંગ્રહ ‘આહનિક’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

જગન્નાથપ્રસાદ દાસ

તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી રાજનીતિશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી મેળવી. કળાના ઇતિહાસ પર મહાનિબંધ લખીને એમણે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. પછી ભારતીય વહીવટી સેવામાં પૂર્વ-સેવાનિવૃત્તિ સુધી કાર્યરત રહ્યા. ત્યારબાદ લેખન અને સંશોધનકાર્યમાં જીવન સમર્પિત કર્યું.

તેમનો કાવ્યસંગ્રહ ‘પ્રથમ પુરુષ’ 1971માં પ્રગટ થયો, જેને વ્યાપક પ્રશંસા મળી અને તેના હિંદી તથા અંગ્રેજીમાં અનુવાદ પણ થયા. આ ઉપરાંત બીજા 2 કાવ્યસંગ્રહો – ‘અન્ય સબુ મૃત્યુ એવમ્ અનન્ય કવિતા’ 1975માં અને ‘જે જાહાર નિર્જનતા’ 1979માં પ્રગટ થયા છે. ‘પરિક્રમા’ અને ‘પૂર્વાપાર’ એમના અન્ય કાવ્યસંગ્રહો છે. ‘પરિક્રમા’ને 2006નો સરસ્વતી સન્માન ઍવૉર્ડ મળ્યો હતો. તેમનાં ત્રણ નાટકોમાં ‘સૂર્યાસ્ત પૂર્બરુ’ (સૂર્યાસ્ત પહેલાં, 1972), ‘સબ શેષા લોકા’ (1976) અને ‘ઉદ્ભટ નાટક’ (ઍબ્સર્ડ પ્લે, 1980)નો સમાવેશ થાય છે. આ નાટકો આકાશવાણી અને દૂરદર્શન પરથી પ્રસારિત કરાયાં હતાં. એમના અંગ્રેજી કાવ્યસંગ્રહોમાં ‘ફર્સ્ટ પર્સન’ (1976), ‘લવ ઇઝ એ સીઝન’ (1978), ‘ટાઇમસ્કેપ્સ’ (1980), ‘બિફોર ધ સનસેટ’ અને ‘ધી અંડર ડૉગ’ મુખ્ય છે. ‘દેશકાળ પત્ર’ એમની ઐતિહાસિક નવલકથા છે. એમણે ઊડિયા ભાષાની ટૂંકી વાર્તાઓનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. એ જ રીતે ‘Kavita 93’ એ પણ કાવ્યના અનુવાદનો સંગ્રહ છે. બાળસાહિત્યમાં તેમણે કામ કર્યું છે.

તેઓ કલા-ઇતિહાસવિદ પણ છે. તેમને હોમી ભાભા ફેલોશિપ પ્રાપ્ત થઈ છે. ઓરિસાની કલા પર પણ તેમણે 2 પુસ્તકો આપ્યાં છે. એમણે ઓરિસાની ચિત્રકલા પર સંશોધન કર્યું. ખાસ લઘુચિત્રની પરંપરાનો અભ્યાસ કર્યો. ‘પુરીનાં ચિત્રો’ ને ‘ચિત્રપોથી’ એમના એ અભ્યાસનાં પુસ્તકો છે.

તેમની પુરસ્કૃત કૃતિમાં 30 કાવ્યો છે. આ કાવ્યોમાં જીવનનાં સૂક્ષ્મ નિરીક્ષણ અને વિવિધ કક્ષાની જટિલતાઓની પ્રતિક્રિયાઓનું નિરૂપણ છે. આધુનિક ચેતનાને જાગ્રત કરતી સંવેદના, ભાષાની તાજગી અને બૌદ્ધિક ઓજસ્વિતાને કારણે ભારતીય સાહિત્યમાં આ કૃતિનું વિશિષ્ટ સ્થાન છે.

જનસામાન્યમાં બોલાતી ભાષાનો એમણે સાર્થ વિનિયોગ કર્યો છે.

બળદેવભાઈ કનીજિયા