દાસ, કમલ

March, 2016

દાસ, કમલ (જ. 2 ઑક્ટોબર 1921, કૉલકાતા; અ. 1994) : બંગાળી લેખિકા. કૉલકાતામાં શિક્ષણ. દેવેશ દાસ સાથે લગ્ન. એમણે આઈ.એ.એસ. થઈને સરકારી ઉચ્ચ અમલદાર તરીકે નોકરી સ્વીકારી. એમણે પુષ્કળ પ્રવાસ ખેડ્યો છે. ઉત્તરે મેરુ દક્ષિણે બરણ (1980), કૅક, ચૉકલેટ ઓર રૂપકથા (1981), પ્રવાસના પુસ્તકો છે. ‘જાના અંજાના’ (1977), ‘અમૃતસ્ય પુત્રી’ (1980), ‘ત્વમસિ મોચો’ (1983), ‘અમતમ્ બિભાતિ’ (1984) એમની નવલકથાઓ છે. 1982માં એમની નવલકથા ‘અમૃતસ્ય પુત્રી’ માટે એમને સાહિત્ય એકૅડેમીનો પુરસ્કાર મળ્યો હતો. એ પુસ્તકની રૉયલ્ટી રૂપે મળેલી તમામ રકમ તેમણે રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કલ્ચરને આપી દીધી હતી અને તેમાંથી ભારતીય નારીની પરિસ્થિતિ વિશે સંશોધન તથા વ્યાખ્યાનશ્રેણી યોજવા માટે ‘અમૃતસ્ય પુત્રી એન્ડાઉમેન્ટ’ રચવામાં આવ્યું હતું. તેઓ બંગાળી ઉપરાંત અંગ્રેજી, હિંદી અને આસમી ભાષા પણ જાણતાં હતાં.

ચન્દ્રકાન્ત મહેતા