દાસ, એસ. આર.

March, 2016

દાસ, એસ. આર. (સુધીરરંજન) (જ. 1 ઑક્ટોબર 1894; અ. 18 સપ્ટેમ્બર 1977) : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. તેમનું શિક્ષણ શાંતિનિકેતન ખાતે સંપન્ન થયું (1905–11) હતું. ઉચ્ચશિક્ષણ બંગબાસી કૉલેજ, કૉલકાતા તથા યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં મેળવ્યું હતું. ત્યાંથી તેમણે કાયદાના સ્નાતકની (એલએલ.બી) ઉપાધિ હાંસલ કરી (1918). તથા બૅરિસ્ટર થઈને 1919માં કૉલકાતામાં વકીલાત શરૂ કરી. તેમણે યુનિવર્સિટી લૉ કૉલેજમાં કાયદાના અધ્યાપક તરીકે સેવાઓ આપી. ત્યારબાદ 27 વર્ષ સુધી કૉલકાતાની વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે કાર્ય કર્યું. તેઓ 1949માં પૂર્વ પંજાબની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તથા 1950માં ફેડરલ કોર્ટના ન્યાયાધીશ હતા. ત્યાર બાદ 1950–55 સુધી તેમણે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તથા 1956 –59 સુધી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સેવાઓ આપી. તેઓ વિશ્વભારતી યુનિવર્સિટીના ઉપકુલપતિ (1959) અને યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશનના સભ્ય હતા. પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રતાપસિંહ કેરોન સામે થયેલા આક્ષેપોની તપાસ કરવા માટે તેમની ‘એક વ્યક્તિ-કમિશન’ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

નવનીત દવે