દાસ, કિશોરીચરણ

March, 2016

દાસ, કિશોરીચરણ (જ. 1 માર્ચ 1924, પુલબાની) : ઊડિયા લેખક.  પિતા કાલિન્દીચરણ અને માતા રાજમણિદેવી. પિતા કરિયાણાના વેપારી. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુલબાનીમાં. ત્યાંની કૉલેજમાંથી રાજ્યશાસ્ત્રનો વિષય લઈને બી.એ. ને પછી ઊડિયા વિષય લઈને 1964માં એમ.એ. થયા. તે પછી કટક આકાશવાણી કેન્દ્રમાં, કાર્યક્રમનું લખાણ તૈયાર કરવાના કામમાં જોડાયા.

એમણે સામયિકોમાં વાર્તા લખવી શરૂ કરેલી. સ્વાતંત્ર્યોત્તર વાર્તા-સાહિત્યમાં નવા પ્રયોગો કર્યા અને વાર્તાને આધુનિકતા તરફ વાળી. એમનાથી જ ઊડિયામાં મનોવૈજ્ઞાનિક વાર્તાઓ લખાવી શરૂ થઈ. એમણે વાર્તામાં શૈલીવિષયક અનેક પ્રયોગો કર્યા છે. અત્યારસુધી એેમના પાંચ વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. જેમાં એમના વાર્તાસંગ્રહ ‘ઠાકુરઘર’ને 1976માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. એમના ‘અગ્નિપરીક્ષા’ વાર્તાસંગ્રહને ઓરિસા સરકાર તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 1985માં સરલા પુરસ્કાર અને 1992માં બિશ્નુ પુરસ્કારથી સન્માનિત થયા. તેમણે તેમની જ નવલકથાનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. ઓરિયા સાહિત્યના બીજા લેખકોનાં પુસ્તકોના પણ તેમણે અનુવાદ કર્યા છે.

ચન્દ્રકાન્ત મહેતા