દાસ્તાન, વી અદબ

March, 2016

દાસ્તાન, વી અદબ : અરબી-ફારસી-ઉર્દૂમાં રચાયેલ કથાસાહિત્યનો લોકપ્રિય પ્રકાર. જગતની લગભગ દરેક ભાષામાં કથાસાહિત્ય જોવા મળે છે. અરબી-ફારસી અને ઉર્દૂમાં તે દાસ્તાન તરીકે ઓળખાય છે. મોટે ભાગે તે કાલ્પનિક હોય છે અને તેની રચના ગદ્ય તેમજ પદ્યમાં થયેલી હોય છે. પશ્ચિમ એશિયાની સંસ્કૃતિઓમાં તેનાં મૂળ જોઈ શકાય છે. ઈ. સ. પૂ. 3500માં રચાયેલી મનાતી સૌથી પ્રાચીન કથા ઇજિપ્તમાં સચવાયેલી હોવાનું મનાય છે. ગ્રીક, રોમ ઉપરાંત ઇંગ્લડ, જર્મની, ફ્રાન્સ, સ્પેન વગેરે દેશોમાં પુષ્કળ કથાસાહિત્ય રચાયું છે. ભારતની મહાભારત, રામાયણની કથાઓ તથા બૌદ્ધ જાતક કથાઓ પણ ખૂબ ખ્યાતિ પામી છે. અરબી ભાષાની જાણીતી દાસ્તાન ‘અલિફ લૈલા’નો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે.

ભારતમાં મૂળે ફારસી ભાષામાં દાસ્તાનો લખાતી હતી; તેના પરથી તે પ્રકાર ઉર્દૂમાં ઊતરી આવ્યો. ખલજી વંશથી માંડીને ઔરંગઝેબના સમય પછી પણ દાસ્તાનો કે કથાઓ લખાતી રહી. ચૌદમી સદીમાં લખાયેલ દ્બીર તાજની ‘બસાતીનુલ ઉન્સ’ ખૂબ લોકપ્રિય નીવડી. ફૈઝીરચિત ‘નળદમન’ (નળદમયંતી) તથા મહાભારતનો અનુવાદ ખાસ ઉલ્લેખનીય છે. હિંદી ભાષાનાં કેટલાંક કાવ્યો અને રૂપકકથાઓના પણ આ દરમિયાન ફારસી અનુવાદ થયા. ગુજરાત તેમજ દક્ષિણ ભારતમાં પણ દાસ્તાન સાહિત્ય જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તો અનેક રચનાઓ લોકપ્રિય નીવડી. તે પૈકી સત્તરમી સદીની ‘સબરસ’ નામની કૃતિ તેના વિષય તથા ભાષાવૈવિધ્યને કારણે બેહદ ખ્યાતિ પામી. ઉત્તર ભારતમાં લખાયેલી કેટલીક જાણીતી પદ્યકથાઓના હિંદી-અંગ્રેજીમાં પણ અનુવાદ થયા છે. અઢારમી સદીથી ફારસી દાસ્તાનોના ઉર્દૂ અનુવાદ થવા માંડ્યા હતા; તેની સાથોસાથ સાંસ્કૃતિક પરંપરાના પ્રભાવ હેઠળ મૂળ ઉર્દૂમાં પણ કિસ્સાકથા લખાવાની શરૂઆત થયાનું નોંધાયું છે. આવી કેટલીક મૌલિક ઉર્દૂ રચનાઓ પૈકી મહત્ત્વની ગણાતી ‘કિસ્સા એ મહર અફરોઝ વ દિલબર’ની મળી આવેલી એકમાત્ર હસ્તપ્રત પરથી જાણીતા ભાષાવિદ મસૂદ હુસેને ટીકા-ટિપ્પણ સાથેની આવૃત્તિનું જહેમતપૂર્વક સંપાદન કરી પ્રગટ કરી છે.

ઉર્દૂ-હિંદી ભાષાના શિક્ષણ-પ્રસાર માટે અંગ્રેજોએ 1800માં કૉલકાતા ખાતે ફૉર્ટ વિલિયમ કૉલેજ સ્થાપી; ત્યાં મુસ્લિમ લેખકો-મોલવીઓ તથા હિંદુ પંડિતોએ ફારસી, અરબી તથા સંસ્કૃતમાંથી જે અનુવાદ કર્યા તેમાં મોટાભાગે કથાસાહિત્યનો સમાવેશ થાય છે. મૂળ ફારસીકૃતિ ઉર્દૂમાં અનુવાદ પામે ત્યારે મૂળ રચના કરતાં અનૂદિત કૃતિનો વ્યાપ અનેક રીતે વધી જતો. મૂળ કૃતિનાં 400થી 500 પાનાંના સ્થાને અનુવાદમાં 12,000થી 20,000 પાનાં થઈ જતાં કારણ કે ભારતીય સંસ્કૃતિ, લોકવૈવિધ્ય, રહેણીકરણી, સ્થળવર્ણન, પ્રકૃતિનિરૂપણ, વિચારચિંતન વગેરે નિમિત્તે અનુવાદકના હાથે અનેક પ્રકારનું ઉમેરણ તેમાં થતું રહેતું. કહેવાય છે કે હજારો પાનાંમાં પથરાયેલી આવી કેટલીક કથાઓ અપ્રગટ રહી છે અને કેટલીક નાશ પામી છે. પ્રકાશક નવલકિશોર મુનશીએ આવી દાસ્તાનોનું પ્રકાશન એક સાહસ રૂપે હાથ ધરી પાર પાડ્યું હતું.

આવી કલ્પનારંગી વિસ્તૃત દાસ્તાનોને દાસ્તાનગો એટલે કે દાસ્તાન કહેનાર કલાકારો પણ પોતપોતાની આવડત મુજબ સવિશેષ બહેલાવીને તેનો પ્રસ્તાર વધાર્યે જ જતા. કોઈ એકાદ ચોક્કસ પ્રસંગ, ખાસ કરીને શૃંગાર કે શૌર્યનો પ્રસંગ પસંદ કરી કથક-કલાકાર પોતાની શૅર-શાયરી, વર્ણનકલા, વક્તૃત્વછટા, રસનિષ્પત્તિની આવડત વગેરે જેવા કવિસહજ કૌશલ્યથી પ્રસંગને બહેલાવીને દિવસો અને મહિનાઓ સુધી દાસ્તાન લંબાવી શકતા અને કૌતુકરસિક શ્રોતાવર્ગ ઊલટભેર તે સાંભળવા ઊમટતો જ રહેતો. આ લોકભોગ્યતા દાસ્તાનના પ્રકારની વિશેષતા લેખાય છે.

તેની બીજી પણ કેટલીક વિશેષતા છે. દાસ્તાનનાં નાયક-નાયિકા સામાન્ય રીતે શાહી ખાનદાનનાં કે અમીર-ઉમરાવ વર્ગનાં હોય છે તથા તે કોઈ ને કોઈ ચમત્કારિક ગુણ ધરાવતાં હોય છે. વળી પૂર્વજોની કોઈ ભૂલોના કારણે તે એક યા બીજા પ્રકારનો શાપ ભોગવતાં હોય છે. શાહી મિજાજની જીવનઢબ આલેખતી આ કલ્પનારંગી સૃષ્ટિમાં અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા નાયકને સંકટના સમયે દિવ્યશક્તિ અવશ્ય મદદ કરતી હોય છે. આ નાયક શૂરવીર, પરાક્રમી અને બહાદુર હોવાની સાથોસાથ પરદુખભંજક અને ગરીબોનો બેલી બની રહેતો. દાસ્તાનનું મુખ્ય આકર્ષણ હોય છે જાદુ, જિન, અપ્સરા વગેરે જેવી અલૌકિક સામગ્રી અને તેનાથી રચાતું પરીસ્તાન જેવું તિલસ્મી વાતાવરણ.

આજના જેવા વૈજ્ઞાનિક ર્દષ્ટિકોણથી નહિ ટેવાયેલા કે કેળવાયેલા એ યુગના વિશાળ વાચક-શ્રોતાના સમૂહને આવા જાદુઈ જગતમાં ઘણો વિશ્વાસ પડતો, અને એ કલ્પનાપ્રચુર ઘટનાસૃષ્ટિમાં પોતાનાં દુ:ખદર્દ ભૂલી જઈ શકતો. એ રીતે આ દાસ્તાનના કથાસાહિત્યમાં વાસ્તવજીવન કરતાં તદ્દન જુદું ઉપજાવી કાઢેલું જગત, જુદા જ અકલ્પનીય અનુભવો તેમજ કૃત્રિમ આશ્વાસનોનું નિરૂપણ થયેલું જણાય છે. એ ર્દષ્ટિએ ભાવકની પલાયનવાદી મનોવૃત્તિને તે પંપાળતું હોય એમ લાગે, પરંતુ તેનો અંતિમ સૂર વાચક કે શ્રોતાને જીવનમાં આશાવાદી મનોબળ પૂરું પાડવાનો રહ્યો જણાય છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા