દાહકો (incendiaries) : યુદ્ધમાં ઉપયોગમાં લેવાતાં આગ લગાડવા માટેનાં વિનાશકારી સાધનો. તે મુખ્યત્વે યુદ્ધ દરમિયાન અને ક્યારેક આગ લગાડવા અથવા ભાંગફોડ માટે કામમાં લેવાય છે. વિવિધ ઘટકોનો ઉપયોગ કરી તે બનાવવામાં આવે છે. કેટલાંક દાહકો હવાના સંપર્કને કારણે આપોઆપ સળગી ઊઠે છે, જ્યારે બીજાં કેટલાંક દાહકો જુદા જુદા ઘટકો ભેગા થવાથી સળગી ઊઠે છે. કેટલાંક દાહકો એવાં પણ હોય છે જે ફ્યૂઝને કારણે સળગતાં હોય છે, વળી બીજાં કેટલાંકને સળગાવવા માટે અમુક મિશ્રણોને અમુક તાપમાન સુધી ગરમ કરવાં પડે છે. અમુક દાહકો સળગતાં હોય ત્યારે તેમના પર રેતી અથવા ધૂળનો છંટકાવ થતાં ઓલવાઈ જાય છે.

સાદાં દાહકોનાં મિશ્રણો પ્રાચીન કાળથી માણસની જાણમાં હતાં. રોમનો ઘટ્ટ ડામર (pitch), ગંધક તથા અન્ય જ્વલનશીલ પદાર્થોનું મિશ્રણ કરી પાત્રોમાં ભરતા અને તે પાત્રો શત્રુનાં મકાનો, થાણાં, જહાજ વગેરે પર આગ લગાડવા માટે ઝીંકતા.

કેટલાંક પ્રચલિત દાહકોમાં (1) ઘટ્ટ ગૅસોલિન (2) ફૉસ્ફરસ તથા (3) ધાતુનાં મિશ્રણો નોંધપાત્ર છે. રબર, પ્લાસ્ટિક તથા સાબુ જેવા પદાર્થોનું મિશ્રણ કરવાથી ગૅસોલિન ઘટ્ટ થાય છે. ગૅસોલિનને ઘટ્ટ કરવાની આ પ્રક્રિયાથી પ્રવાહી ગૅસોલિન જેલી જેવું ચીકણું બને છે. ફૉસ્ફરસ પદાર્થોના દ્રાવણના મિશ્રણ દ્વારા બનતાં દાહકો પ્રાચીન કાળથી પ્રચલિત છે. કાર્બન ડાયસલ્ફાઇડ એ સૌથી સામાન્ય દ્રાવક છે, જેનું ત્વરિત બાષ્પીભવન થતાં અવશિષ્ટ ફૉસ્ફરસ આપમેળે સળગી ઊઠે છે. થર્માઇટ પ્રકારનાં મિશ્રણોમાં ધાતુ તથા અન્ય કોઈ ધાતુનું ઑક્સાઇડ હોય છે. ધાતુઓ અને ઑક્સાઇડના મિશ્રણ વડે અનેક પ્રકારના દાહકો બને છે તેમાં આયર્ન ઑક્સાઇડની અને દાણાદાર ઍલ્યુમિનિયમની ભૂકીનું મિશ્રણ સૌથી વધારે પ્રચલિત છે, જે વેલ્ડિંગ માટે વપરાતા દાહકને મળતું હોય છે.

હસમુખ માણેકલાલ પટેલ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે