દાલ સરોવર : જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરના ઈશાન છેડે આવેલું સરોવર. કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે.
અગાઉ જેલમ નદીમાં આવતા પૂરથી શ્રીનગર શહેરને નુકસાન થયા કરતું હતું તે સંકટમાંથી બચવા 1904માં નદીમાંથી સરોવરને જોડતી નહેર બનાવવામાં આવેલી. જ્યારે પણ પૂર આવે ત્યારે સરોવર છલોછલ ભરાઈ જાય છે. શ્રીનગરના છેડે આવેલો દાલગેટ જેલમ સાથે જોડતા તેના જળપ્રવાહનું નિયંત્રણ કરે છે.

દાલ સરોવર
તેની લંબાઈ 8.4 કિમી. અને પહોળાઈ 4 કિમી. છે. શ્રીનગરમાં વહેતી જેલમ નદી સાથે તે નહેરથી જોડાયેલું છે. 33.6 ચો.કિમી.નું ક્ષેત્રફળ ધરાવતું આ વિશાળ સરોવર ગગરી દાલ, લોકુટ દાલ અને બોડ દાલ નામે ઓળખાતા ત્રણ જુદા જુદા જળમાર્ગ વિભાગોમાં વહેંચાયેલું છે. સરોવરના ઉત્તર ભાગમાં સોનાલંક અને પૂર્વ ભાગમાં રૂપાલંક નામના બે રમણીય બેટ આવેલા છે. આ બેટ ઉપર આવેલાં ચિનારનાં અને આજુબાજુમાં આવેલાં ગગનચુંબી પૉપલરનાં વૃક્ષો તેની શોભામાં વધારો કરે છે. એક બાજુએ તખ્તે-સુલેમાન ટેકરી અને બીજી બાજુએ હરિ પર્વતથી ઘેરાયેલું આ સરોવર પહાડો પરથી જોતાં મનોહારી ર્દશ્ય ખડું કરે છે. શંકરાચાર્ય ટેકરીના તળેટીભાગવાળા આ સરોવરના દક્ષિણ કાંઠા પર નેહરુ પાર્ક વિકસાવવામાં આવેલો છે. અહીંથી શિકારામાં બેસી પ્રવાસીઓ સરોવરની સહેલ માણે છે.
સરોવરના વાયવ્ય કાંઠા પર હઝરતબાલ્દરગાહ આવેલી છે, તેમાં મહંમદ પયગંબર સાહેબનો પવિત્ર વાળ રાખવામાં આવેલો છે, જેના વર્ષમાં એક જ વાર દીદાર (દર્શન) કરી શકાય છે. મુઘલોના શાસનકાળ દરમિયાન આ સરોવરની નજીક સુંદર બગીચાઓનાં નિર્માણ કરવામાં આવેલાં છે : અકબરના સમયમાં તે જમાનાના શ્રેષ્ઠ ગણાતા સ્થપતિ અને રાણી નૂરજહાંના ભાઈ આસફખાન દ્વારા તૈયાર કરવામાં આવેલો નિશાત બાગ, જહાંગીરે તૈયાર કરાવેલો શાલીમાર બાગ અને શાહજહાંએ તૈયાર કરાવેલો ચશ્મેશાહી ઉદ્યાન સહેલાણીઓ માટે આકર્ષણનાં સ્થાનો બની રહેલાં છે. ચશ્મેશાહીની બાજુમાં નેહરુ મેમોરિયલ આવેલું છે.
ગિરીશ ભટ્ટ