દાલમેશિયન ટાપુઓ

March, 2016

દાલમેશિયન ટાપુઓ : એડ્રિયાટિક સમુદ્રના પૂર્વકિનારે આવેલા ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 43° ઉ. અ. અને 17° પૂ. રે.. તે 320 કિમી. કરતાં વધારે લાંબી પણ સાંકડી ભૂમિપટ્ટી પર પથરાયેલા છે. તેનો કુલ વિસ્તાર 4,524 ચોકિ.મી. છે. દાલમેશિયા ક્રોએશિયન પ્રજાસત્તાકનો પ્રદેશ છે. તેમાં મધ્યસાગરકિનારાની પટ્ટી તથા એડ્રિયાટિકના સરહદી ટાપુઓનો સમાવેશ થાય છે. મુખ્ય ભૂમિ પરના ટાપુઓની સૌથી વધારે પહોળાઈ 45 કિમી. જેટલી છે. ઉત્તરથી દક્ષિણે  મુખ્ય દસ ટાપુઓ છે. દિનારીક આલ્પ્સની પર્વતમાળા દાલમેશિયાને બોસ્નિયા-હર્સગોવિનાથી અલગ પાડે છે. 450 મી.થી 1,860 મી. સુધીંનાં ઊંચાં શિખરો ધરાવતી આ પર્વતમાળામાં આવાગમન માટેના માત્ર બે માર્ગો છે. આ ટાપુઓની વસ્તી 4.7 લાખ (2010) છે.

દાલમેશિયાનો સાગરકાંઠો પોતાના પ્રાકૃતિક સૌન્દર્ય માટે જાણીતાં એવાં અનેક ઉપસાગરો અને બંદરો ધરાવે છે. અંતરિયાળની અમુક આછી વસ્તી ધરાવતા વસવાટને બાદ કરીએ તો કાંઠા પરની અને ટાપુઓ પરની વસ્તી ગીચ, શહેરી, વ્યાપારી અને સુવિકસિત પ્રવાસી કેન્દ્રો ધરાવતી જોવા મળે છે. દાલમેશિયન ટાપુપ્રદેશોનાં મુખ્ય ચાર શહેરોમાં સ્પ્લિટ સૌથી મોટું શહેર છે.

પૂર્વીય એડ્રિયાટિક વિસ્તારનો શિયાળો સામાન્યત: સમધાત સ્વરૂપનો અને ઉનાળો હૂંફાળો અને સૂકો હોય છે. શિયાળામાં ભારે વર્ષા થાય છે. જોકે હિમવર્ષા જૂજ જોવા મળે છે.

આ પ્રદેશનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિલક્ષી છે. ધાન્યની ઊપજ માટે જમીન ફળદ્રૂપ નથી, પરંતુ દ્રાક્ષની વાડીઓ, શાકભાજી અને ઑલિવ વૃક્ષો માટે જમીન માફક છે. ભૂતપૂર્વ યુગોસ્લાવિયાના દારૂના કુલ ઉત્પાદનમાં 67 ટકા જેટલું ઉત્પાદન આ પ્રદેશમાં થાય છે. અંજીર, ઑલિવ, ચેરી તથા ખાટાં ફળોની ઊપજ પણ લેવાય છે. તમાકુની ખેતી શરૂ થાય છે. અહીંયાં બૉક્સાઇટ અને  લિગ્નાઇટ કોલસાની ખાણો આવેલી છે. સ્પ્લિટ નગરની આસપાસ ચૂનાના ખડકોના ભંડારો છે. યુગોસ્લાવિયાનું આ મુખ્ય સિમેન્ટઉત્પાદન કેન્દ્ર છે. રાસાયણિક કારખાનાં અને ખાદ્યસામગ્રી ઉત્પન્ન કરનાર કારખાનાં પણ અહીંયાં વિકસ્યાં છે. જહાજવાડો અને દરિયાઈ વેપારનો પણ વિકાસ થયો છે. ત્યાં જળવિદ્યુત ઉત્પન્ન કરનાર કેન્દ્રો બાંધવામાં આવ્યાં છે. મત્સ્ય-ઉદ્યોગ તથા પશુપાલનની પ્રવૃત્તિ પણ ત્યાં થાય છે. પ્રવાસ-ઉદ્યોગ આ ટાપુઓનો મુખ્ય આર્થિક ઘટક બની રહ્યો છે.

ઇતિહાસ : છેક રોમન સમયથી શરૂ કરીને પ્રથમ વિશ્વયુદ્ધ સુધી દાલમેશિયામાં જમીન ધારણ કરવાની પ્રથાનું સ્વરૂપ કૉલોનેટ સ્વરૂપનું હતું. વેનિસના શાસન દરમિયાન દરેક સિન્યોર અથવા જમીનમાલિક લશ્કરી સલામતીની બાંયધરી સામે ખેતીવિષયક જવાબદારીઓ ધરાવતા ખેડૂતોની વસાહતો સ્વીકારતો. 1919 સુધી આ કૉલોનેટ પ્રથા તથા ગુલામી અવસ્થા જોવા મળે છે. ઑસ્ટ્રિયાના કબજામાંથી આ પ્રદેશ નીકળીને યુગોસ્લાવિયાનો ભાગ બન્યો, ત્યારે આ પ્રથાનો અંત આવ્યો.

ત્યાંના શરૂઆતના રહેવાસીઓ ઇલીરિયન હતા. આ ઇન્ડોયુરોપિયન કુળના લોકોએ ઈ. સ. પૂ. 1000 આસપાસ બાલ્કન પ્રદેશના ઉત્તરપશ્ચિમી વિસ્તારો પર કબજો જમાવ્યો હતો. ચોથી સદીથી ગ્રીકોએ અહીંયાં વસાહતો સ્થાપી. આ વસાહતોમાં મુખ્ય વસાહત ઈસાફારોસ અને કોર્સીરા મેલાઈના હતી. વળી મુખ્યભૂમિ પરનાં કેટલાંક નગરો  સાગરકાંઠે વિકસ્યાં હતાં. આધુનિક સ્પ્લિટ નજીકનું સલોના આમાં મુખ્ય હતું. ઈ. સ. 229માં ઇલીરિયન-રોમન યુદ્ધ થયું જેમાં ઇલીરિયનોનો પરાજય થતાં દાલમેશિયાનું પાટનગર દેલમિનિયમ રોમન વર્ચસ નીચે આવ્યું. ત્યારથી દાલમેશિયામાં રોમન સંસ્કૃતિની અસર દાખલ થઈ. 481ની આસપાસ પશ્ચિમી રોમન સામ્રાજ્યના પતનની સાથે દાલમેશિયા ઓડોસર અને પાછળથી થિયૉડોરિક વર્ચસ નીચે મુકાયું. 1420માં દાલમેશિયા કાયમી ધોરણે વેનિસિયન શાસન નીચે મુકાયું ત્યાં સુધી તે 30 જેટલી સાર્વભૌમ સત્તાઓના વર્ચસ નીચે રહ્યું. રાજ્યપાલોની સંધિ (1920) અન્વયે દાલમેશિયન ટાપુઓનો વિસ્તાર યુગોસ્લાવિયાનો ભાગ બન્યો. યુગોસ્લાવિયાના વિઘટન પછી દાલમેશિયન ટાપુઓ ક્રોએશિયન પ્રજાસત્તાકનો ભાગ છે.

નવનીત દવે