દાલેન, નીલ ગુસ્તાવ

March, 2016

દાલેન, નીલ ગુસ્તાવ (Dalen Nils Gustaf) (જ. 30 નવેમ્બર 1869, સ્ટેમસ્ટૉર્પ, સ્વીડન; અ. 9 ડિસેમ્બર 1937, સ્ટૉકહોમ) : દીવાદાંડી તથા જહાજને પ્રદીપ્ત કરવા, સ્વયંસંચાલિત નિયંત્રક(automatic regulators)ની શોધ માટે, ઈ. સ. 1912ના ભૌતિકશાસ્ત્ર વિષયમાં નોબેલ પુરસ્કાર વિજેતા. ખેડૂતપુત્ર હોવાથી ડેરીઉદ્યોગનો અભ્યાસ કરવા માટે ‘સ્કૂલ ઑવ્ ઍગ્રિકલ્ચર’માં જોડાયા, પરંતુ પાછળથી ગુસ્તાવ દ લાવલની સલાહથી 1892માં ગૉટબોર્ગની ‘ચામર્સ ઇન્સ્ટિટ્યૂટ’માં જોડાયા અને ઇજનેરી વિદ્યાશાખાના સ્નાતક બન્યા. સ્વિટ્ઝર્લૅન્ડની Eidgenossiches Polytechnikumમાં પ્રો. સ્ટોદોલા(Stodola)ના હાથ નીચે અભ્યાસ કર્યા બાદ, એક વર્ષ પછી, સ્વીડન પાછા ફર્યા અને સલાહકાર ઇજનેર તરીકે કામ કર્યું. 1901માં ‘સ્વીડિશ કાર્બાઇડ ઍન્ડ એસિટિલિન લિમિટેડ કંપની’ના વડા બન્યા. ત્યાર બાદ એસેટિલિન ગૅસનો વ્યાપાર કરતી ‘ગૅસ ઍક્યુમલેટર’ કંપનીમાં જોડાયા અને 1906માં તેના મુખ્ય ઇજનેર બન્યા. આ કંપનીને ‘સ્વીડિશ ગૅસ ઍક્યુમલેટર લિમિટેડ’ તરીકે માન્યતા મળી અને દાલેન તેના મૅનેજિંગ ડિરેક્ટર બન્યા.

નીલ ગુસ્તાવ દાલેન

1901 માં દાલેને, એલ્મા પર્સન સાથે લગ્ન કર્યું હતું. તેમને બે પુત્રો અને બે પુત્રીઓ હતાં.

દાલેને એક સ્વયંસંચાલિત સૂર્ય વાલ્વ ’સૉલ્વેન્તિલ’(Solventil)ની શોધ કરી જેના દ્વારા સૂર્યપ્રકાશની અસરથી, ગૅસ-પ્રકાશિત સ્રોતનું એ પ્રમાણે નિયંત્રણ કરી શકાય કે મળસકે તેને બંધ કરી શકાય તથા સંધ્યાકાળે અથવા ધુમ્મસવાળા વાતાવરણ દરમિયાન જ્યારે ર્દશ્યતામાં ઘટાડો થતો હોય, ત્યારે તેને ચાલુ કરી શકાય. આ શોધ માટે દાલેનને ઇનામ મળ્યું હતું; ખૂબ ઝડપથી તેનો ઉપયોગ આખા વિશ્વમાં, દરિયાઈ જહાજ અને માનવરહિત દીવાદાંડીઓમાં થવા લાગ્યો. દાલેને વાયુઓ તથા ટર્બાઇન ઉપર ઘણુંબધું સંશોધન કર્યું હતું. ઉષ્ણ-હવા ટર્બાઇન એન્જિન તથા સ્વીડનના ગુસ્તાવ લાવાલે બનાવેલા વરાળસંચાલિત ટર્બાઇનમાં પણ ઘણા સુધારા-વધારા કર્યા. તદુપરાંત તેમણે ‘આગામાસન’ (agamassan) નામના પદાર્થની પણ શોધ કરી, જે એસેટિલીન વાયુનું શોષણ કરી તેની સ્ફોટકતાને ઘટાડે છે. 1913માં એક પ્રયોગ દરમિયાન થયેલા વિસ્ફોટથી તેમણે ચક્ષુ ગુમાવ્યાં અને પ્રજ્ઞાચક્ષુ બન્યા. પરંતુ તેમણે તેમના મૃત્યુ પર્યંત (1937 સુધી) પ્રાયોગિક કાર્ય ચાલુ જ રાખ્યું. પનામા કૅનાલને પ્રકાશિત કરવાનો કૉન્ટ્રેક્ટ પણ તેમને મળ્યો હતો. વળી તેમણે એક બહોળા વપરાશવાળા સ્ટવની પણ શોધ કરી જેમાં ફક્ત આઠ રતલ કોલસો વાપરવાથી ખોરાક રાંધી શકાય તેટલી ગરમી, 24 કલાક સુધી ઉપલબ્ધ થતી હતી.

એરચ મા. બલસારા