દારા શિકોહ (જ. 20 માર્ચ 1615; અ. 30 ઑગસ્ટ 1659) : મુઘલ સમ્રાટ શાહજહાં (1627–1657) અને બેગમ મુમતાજ મહલનો જ્યેષ્ઠ પુત્ર તથા ગાદીવારસ. પિતા શાહજહાંએ તેને 1633માં પોતાનો અનુગામી જાહેર કર્યો હતો તથા 1645માં અલ્લાહાબાદનો, 1647માં પંજાબનો, 1649માં ગુજરાતનો અને 1652માં મુલતાન તથા બિહારનો સૂબો પણ બનાવ્યો હતો. દારા શિકોહે ઇસ્લામ ધર્મની સાથે હિન્દુ ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તે વેદાંતથી ઘણો પ્રભાવિત હતો. હિન્દના યોગીઓ તથા સંન્યાસીઓ સાથેના સંપર્કને લઈને તેનું વલણ સમાધાનલક્ષી અને સર્વધર્મસમભાવવાળું બની ગયું હતું; પરંતુ તેનામાં રાજકીય દૂરંદેશી તથા સૈનિક-કુનેહનો અભાવ હતો. આને લઈને જ તે રાજકીય ક્ષેત્રે નિષ્ફળ રહ્યો હતો. શાહજહાંના અવસાનના એક વર્ષ પહેલાં 1658માં તે પોતાના મહત્વાકાંક્ષી ભાઈ ઔરંગઝેબના હાથે સમૂહગઢમાં પરાજય પામીને હિન્દની રાજગાદી મેળવવાની બાજી ગુમાવી બેઠો હતો. ઔરંગઝેબે સત્તા ઉપર આવતાંની સાથે જ અધર્મના આરોપ હેઠળ કામ ચલાવીને, મુસ્લિમ આલિમોના ફતવા મુજબ તેને મોતની સજા કરી હતી અને તેને દિલ્હીમાં હુમાયૂંના મકબરામાં દફનાવવામાં આવ્યો હતો. દારા શિકોહ વિદ્વાન અને અભ્યાસી હતો. તે મીયાંમીર (અ. 1635) અને મુલ્લાશાહ બદખ્શી (અ. 1661) જેવા સૂફીઓ તથા સર્મદ જેવા ફકીર કવિ અને બાબાલાલ દાસ બૈરાગી તથા સંત કબીરથી ઘણો પ્રભાવિત હતો. તેણે ફારસી ભાષામાં સૂફીવાદલક્ષી સાત કૃતિઓ આપી છે :
(1) સફીનતુલ અવલીયા (1640), (2) સકીનતુલ અવલીયા (1642), (3) રિસાલએ હકનુમા (1646), (4) હસ્નાતુલ આરેફિન (1652), (5) મુકાલિમએ બાબાલાલ વ દારા શુકુહ, (6) મજમઉલ બેહરીન (1665) – આ કૃતિમાં વેદાંત અને તસવ્વુફનો તુલનાત્મક અભ્યાસ રજૂ થયો છે. (7) સિર્રે અકબર (1657) – આમાં 50 ઉપનિષદોનો ફારસી અનુવાદ છે.
આ ઉપરાંત દારા શિકોહે પોતાના આશ્રય હેઠળ ‘યોગવાસિષ્ઠગીતા’ તથા ‘પ્રબોધચંદ્રવિદ્યા’ જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી