દારાસિંગ

March, 2016

દારાસિંગ (જ. 19 નવેમ્બર 1928, પંજાબના અમૃતસર જિલ્લાનું ધરમૂજગ ગામ; અ. 12 જુલાઈ 2012, મુંબઈ) : ‘રુસ્તમે હિંદ’ અને ‘રુસ્તમે જહાં’નો ખિતાબ મેળવનાર, વિશ્વના નામાંકિત ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ, ફિલ્મ-અભિનેતા અને ફિલ્મનિર્માતા.

હનુમાનની ભૂમિકામાં દારાસિંગ

એમના દાદાની પ્રેરણાથી ગામમાં ખેલાતી કુસ્તીમાં વિજેતાને મળતું આઠ આનાનું ઇનામ મેળવવા સદાય આતુર દારાસિંગ હરનામસિંહ પાસે ફ્રીસ્ટાઇલ અને ભારતીય કુસ્તી બંનેની તાલીમ પામ્યા.

એમણે સમય જતાં ભારતીય કુસ્તીને છોડીને ફ્રીસ્ટાઇલ કુસ્તી પર વિશેષ ધ્યાન આપ્યું. પચીસમા વર્ષે ભારતીય ફ્રીસ્ટાઇલ કુસ્તીવિજેતા, ઓગણત્રીસમા વર્ષે રાષ્ટ્રસમૂહના વિજેતા અને ઓગણચાલીસમા વર્ષે વિશ્વના ફ્રીસ્ટાઇલ કુસ્તીવિજેતા બન્યા. 1982 સુધી વિશ્વમાં ફ્રીસ્ટાઇલના વિશ્વવિજેતા રહ્યા. 1948માં લાઉ-ટેથઝને હરાવીને ભારતમાં જાણીતા બનેલા દારાસિંગે 1949માં સિંગાપોર અને 1957માં વિશ્વભ્રમણ કરીને અનેક ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજોને હરાવ્યા. મૂળ હંગેરીના કિંગકૉંગ સાથેની દારાસિંગની કુસ્તી ઘણી જાણીતી બની. પહેલવાન ગામાની પાછલી અવસ્થાની આર્થિક વિટંબણાઓ જોઈને દારાસિંગે દ્રવ્યોપાર્જન માટે ફિલ્મક્ષેત્રે ઝંપલાવ્યું અને ફિલ્મોની એમની લોકપ્રિયતાને કારણે ફ્રીસ્ટાઇલ કુસ્તીના દંગલમાં વિશાળ જનમેદની એકઠી થતી. દૂરદર્શન પર રજૂ થયેલી ધારાવાહિક ‘રામાયણ’માં દારાસિંગે હનુમાનની ભૂમિકા ભજવી હતી.

કુમારપાળ દેસાઈ