દાભાડે, ખંડેરાવ

March, 2016

દાભાડે, ખંડેરાવ (જ. 1670 આશરે; અ. 28 નવેમ્બર 1729) : ગુજરાતમાં મરાઠી સત્તા વિસ્તારનાર સરદાર. બાગલાણ જિલ્લાના તળેગાંવના દાભાડે કુટુંબનો ખંડેરાવ સતારાના છત્રપતિ શાહુનો વિશ્વાસુ સરદાર હતો. તેણે તથા અન્ય સરદારોએ નર્મદા ઓળંગી ગુજરાતમાં કર ઉઘરાવવા જેવી પ્રવૃત્તિઓ કરી, મુઘલ સત્તાના પાયા હચમચાવી મૂક્યા હતા. છત્રપતિ રાજારામે ખંડેરાવને બાગલાણમાંથી ચોથ અને સરદેશમુખી ઉઘરાવવા નિમણૂક કરી હતી (1699). ઈ. સ. 1700થી 1704 દરમિયાન ખંડેરાવે સૂરત જિલ્લામાં કરેલાં બે આક્રમણો નિષ્ફળ નીવડ્યાં હતાં. બીજા મરાઠા સરદાર ધનાજી જાધવને સાથે રાખીને નર્મદાકાંઠે તે રતનપુરની લડાઈ લડ્યો હતો (1706). ખંડેરાવ દાભાડેનું મથક બાગલાણ જિલ્લામાં સાલ્હેરનો કિલ્લો હતું.

1706થી 1716ના સમયમાં ખંડેરાવે ગુજરાતમાં ચડાઈઓ કરી, બુરહાનપુરથી સૂરત સુધીના વ્યાપારીમાર્ગ પર અંકુશ સ્થાપી, ઠેકઠેકાણે લશ્કરી ટુકડીવાળાં કરવસૂલાતનાં મથકો સ્થાપ્યાં અને તેની સેના તેના સહાયક દામાજી (પહેલો) ગાયકવાડની સરદારી નીચે અમદાવાદ પહોંચી, કાઠિયાવાડમાં પ્રવેશ કરી છેક સોરઠ પ્રદેશ પર અંકુશ સ્થાપ્યો. મરાઠાઓ એ પ્રદેશને ‘કાઠેવાડ’ તરીકે ઓળખાવતા. સમય જતાં એ આખો દ્વીપકલ્પ ‘કાઠિયાવાડ’ તરીકે ઓળખાયો. ખંડેરાવે સૂરતથી ઔરંગાબાદ જતાં ધનસમૃદ્ધિવાળા ખજાનાને લૂંટ્યો (1712) અને તેનો ઉપયોગ પોતાનાં ગુજરાત અને કાઠિયાવાડનાં લશ્કરોના નિભાવખર્ચ માટે કર્યો હતો એમ કહેવાય છે.

દખ્ખણની સરકારનો હવાલો સંભાળવા આવી રહેલા દિલ્હીના અમીર સૈયદ હુસેનઅલીએ, ખંડેરાવને હરાવવા પોતાના સરદાર ઝુલ્ફિકારઅલીને બાગલાણમાં મોકલ્યો, પણ ખંડેરાવે તેને હરાવ્યો (1716). તેની શૂરવીરતાની કદર રૂપે રાજા શાહુએ ખંડેરાવને સમગ્ર મરાઠા લશ્કરનો સેનાપતિ નીમ્યો (1716). સેનાપતિ ખંડેરાવ દાભાડે પેશવા સાથે દખ્ખણમાં હુસેનઅલીખાનની તરફેણમાં ટેકો પ્રાપ્ત કરવા દિલ્હી ગયો (1718). બે વર્ષના રોકાણ બાદ મુઘલ રાજા મોહમ્મદશાહે મરાઠાઓને ખંડણી ઉઘરાવવા સનદો આપી હતી. રાજા શાહુએ સેનાપતિ દાભાડેને ગુજરાત અને બાગલાણમાંથી રાબેતા મુજબની ખંડણી ઉઘરાવવા અધિકાર આપ્યો હતો.

દખ્ખણમાં સૂબા તરીકે નિમાયેલા નિઝામ-ઉલ-મુલ્ક (આસફઝા) અને દખ્ખણના નાયબ સેનાપતિ આલમઅલીખાન વચ્ચે બાલાપુર(વરાડ)ની લડાઈ થઈ (10 ઑગસ્ટ, 1721). એ લડાઈમાં સેનાપતિ દાભાડે અને અન્ય મરાઠા સરદારોએ મરાઠી સેના સાથે આલમઅલી પક્ષે ભાગ લીધો. જોકે એ લડાઈમાં આલમઅલીખાન હાર્યો અને માર્યો ગયો, પણ મરાઠી સેનાની ટુકડીઓએ નિઝામની છાવણીમાં છાપો મારી ઘણો મોટો કીમતી ખજાનો લૂંટ્યો હતો. બાલાપુરની લડાઈમાં દામાજી ગાયકવાડે મોટું પરાક્રમ કર્યું હતું. તેથી સેનાપતિ દાભાડેએ તેની સેવાની કદર કરવા રાજા શાહુને ભલામણ કરતાં, રાજા શાહુએ તેને ‘સમશેરબહાદુર’નો ખિતાબ આપ્યો જે વડોદરાના ગાયકવાડ મહારાજાઓ પાસે છેવટ સુધી રહ્યો.

બાલાપુરની લડાઈ પછી થોડા સમયમાં દામાજી ગાયકવાડનું અવસાન થતાં, પ્રણાલિકા મુજબ, તેના દત્તક પુત્ર પિલાજીરાવને સેનાપતિ દાભાડેનો નાયબ બનાવવામાં આવ્યો. સેનાપતિ દાભાડે, પિલાજીરાવ અને કંથાજી કદમબાંડેએ ભેગા મળીને સૂરત અઠ્ઠાવીસી પર સત્તા સ્થાપી. 1723 પછી સેનાપતિ દાભાડેએ પોતાની નબળી તબિયતના કારણે લશ્કરી બાબતોમાં સક્રિય ભાગ લેવાનું છોડી દીધું. તેનું અવસાન થતાં, પ્રણાલિકા મુજબ તેના પુત્ર ત્ર્યંબકરાવને સેનાપતિ બનાવવામાં આવ્યો (1730).

રમેશકાન્ત ગો. પરીખ