દાભોળકર, નરેન્દ્ર

March, 2016

દાભોળકર, નરેન્દ્ર (જ. 01 નવેમ્બર 1945; અ. 20 ઑગસ્ટ 2013, પુણે) : મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર તથા અંધશ્રદ્ધા ઉન્મૂલન ઝુંબેશના અગ્રણી નેતા. પિતાનું નામ અચ્યુત અને માતાનું નામ તારાબાઈ. માતા-પિતાનાં દસ સંતાનોમાં સૌથી મોટા દેવદત્ત કેળવણીકાર, ગાંધીવાદી જીવનશૈલી અને સમાજવાદી વિચારસરણીને વરેલા હતા, જ્યારે ભાઈ-બહેનોમાં સૌથી નાના નરેન્દ્ર દાભોળકર હતા. નરેન્દ્રનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્રમશ: સાતારા અને સાંગલી ખાતેના નેલિંગ્ડન ખાતે થયું હતું. ત્યાર બાદ તેમણે મિરજ ખાતેની મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને તરત જ વતનમાં મેડિકલ પ્રૅક્ટિસ શરૂ કરી હતી. કૉલેજના શિક્ષણ દરમિયાન તેઓને કબડ્ડી રમત પ્રત્યે આકર્ષણ થયું હતું અને તે રમતના એક સારા ખેલાડી તરીકે તેમણે નામના મેળવી હતી. બાંગ્લાદેશની કબડ્ડી ટીમ સામેની હરીફાઈમાં તેમણે કોલ્હાપુર ખાતેની શિવાજી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ મેળવ્યું હતું અને તેમાં તેમણે કરેલ નોંધપાત્ર દેખાવને કારણે તેમને મહારાષ્ટ્ર રાજ્યનો ‘છત્રપતિ યુવા-ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.

નરેન્દ્ર દાભોળકર નાનપણથી જ પ્રગતિશીલ વિચારસરણીને વરેલા હતા. તેઓ કટ્ટર નાસ્તિક હતા. તેમણે જ્યારે સાતારા ખાતે પોતાનું મકાન બંધાવ્યું ત્યારે તેમણે વાસ્તુશાસ્ત્રના નિયમોની સંપૂર્ણ અવગણના કરી હતી. બીજું, તેમનાં બે સંતાનો – એક પુત્ર અને એક પુત્રી-માંથી પુત્રનું નામ ભારતના જાણીતા સમાજસુધારક હમીદ દળવાઈના નામ પરથી ‘હમીદ’ પાડ્યું હતું. સામાન્ય રીતે લગ્નસમારંભ જેવા પ્રસંગો પર મોટા ભાગના પરિવારો ખોટા ખર્ચા કરતા હોય છે જે દભોળકરને પસંદ ન હતું. તેમણે તેમનાં બંને સંતાનો – હમીદ અને મુક્તાનાં લગ્ન તદ્દન સાદાઈથી સંપન્ન કર્યાં હતાં.

બાર વર્ષ સુધી ડૉક્ટરનો વ્યવસાય કર્યા પછી ડૉ. દાભોળકર સામાજિક સેવાનાં કાર્યો તરફ વળ્યા હતા, જેની શરૂઆતમાં તેમણે મહારાષ્ટ્રના પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા બાબા આઢ્ય દ્વારા શરૂ કરેલ કાર્યક્રમોનો અંગીકાર કર્યો હતો; દા. ત., ‘એક ગામ, એક કૂવો’ ઝુંબેશ આ બતાવે છે કે દાભોળકર સમાનતા અને સામાજિક ન્યાયના પુરસ્કર્તા હતા. સમયાંતરે તેઓ અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિમાં પણ સક્રિય બન્યા હતા. વર્ષ 1984માં તેમણે ‘મહારાષ્ટ્ર રાજ્ય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ’ની રચના કરી હતી, જેના નેજા હેઠળ તેમણે જ્યાં જ્યાં અંધશ્રદ્ધાનો અમલ તેમને દેખાયો ત્યાં ત્યાં તેમણે તેને વખોડી કાઢવાની શરૂઆત કરી. તેમણે બાવાઓ (godmen), જોગીઓ કે જાદુકપટ કરનારાઓના ચમત્કારો (blackmagic) દ્વારા નિરક્ષર અને અણસમજુ લોકોની દિશાભૂલ કરનારાં તત્વોને ખુલ્લાં પાડવાની શરૂઆત કરી; એટલું જ નહિ, પરંતુ આવી પ્રવૃત્તિઓ કરનાર લોકોને ડામવા માટે મહારાષ્ટ્ર રાજ્યમાં કાયદો કરવાની ઝુંબેશ પણ તેમણે ઉપાડી હતી. મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં ‘પરિવર્તન’ નામની સંસ્થાના દાભોળકર સંસ્થાપક-સભ્ય હતા. ઉપરોક્ત સંસ્થા સમાજના તરછોડાયેલા સભ્યોને પૂરતું રક્ષણ મળે, તેમના સામાજિક ગૌરવમાં વધારો થાય તથા તેમની આર્થિક પરિસ્થિતિ સુધરે – આ ધ્યેયો માટે કાર્યરત હોય છે.

ડૉક્ટર નરેન્દ્ર દાભોળકર પ્રામાણ્યવાદ(rationalism)ની વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા હતા. મહારાષ્ટ્રના અગ્રણી સામાજિક કાર્યકર તથા લેખક સાને ગુરુજીએ શરૂ કરેલા ‘સાધના’ સામયિકના તંત્રી-પદે પણ દાભોળકરે પોતાની માનદ સેવાઓ આપી હતી. વર્ષ 1990–2010 દરમિયાન તેઓ દલિતોના ઉદ્ધારની પ્રવૃત્તિઓમાં ખૂબ સક્રિય બન્યા હતા. ભારતની પરંપરાગત જ્ઞાતિપ્રથા તથા અસ્પૃશ્યતાના પ્રખર વિરોધી તરીકે દાભોળકરની છબી સર્વત્ર ઊપસી આવી હતી. મહારાષ્ટ્રની મરાઠાવાડા યુનિવર્સિટીનું ફરી નામકરણ કરી તેને ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી’ આ નવું નામ આપવાની ઝુંબેશમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા.

તાજેતરના સમયગાળા દરમિયાન વિદર્ભના નાગપુર શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ હતી, તેમ છતાં વર્ષ 2013માં હોળીના પર્વ નિમિત્તે આસારામ બાપુના અનુયાયીઓએ તે વિસ્તારમાં પીવાના પાણીનો વ્યાપક બગાડ કર્યો હતો જેની સખત નિંદા નરેન્દ્ર દાભોળકરે જાહેરમાં કરી હતી. આ બધાને પરિણામે એક તરફ દાભોળકરના પ્રશંસકો તથા અનુયાયીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો તો બીજી તરફ તેમના દુશ્મનો અને વિરોધકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો હતો. 20 ઑગસ્ટ, 2013ના રોજ વહેલી સવારે ડૉ. નરેન્દ્ર દાભોળકર પુણે ખાતેના એક જાહેર પુલ ઉપર લટાર મારતા હતા ત્યારે નિર્જનતાનો લાભ લઈ બે અજાણ્યા માણસોએ તેમના પર રિવૉલ્વર દ્વારા હુમલો કરી તેમની કરપીણ હત્યા કરી હતી.

સમયની બલિહારી કહો કે વિધિની વક્રતા, જાદુમંતર કે તત્સમ ચમત્કારોને ગેરકાયદેસર ગણવા અંગેના જે પ્રકારના કાયદા માટે ડૉ. નરેન્દ્ર દાભોળકરે મહારાષ્ટ્રમાં સતત ઝુંબેશ ઉપાડી હતી તે પ્રકારનો કાયદો તેમના અવસાન બાદ લગભગ તરત જ મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાએ મંજૂર કર્યો હતો (Anti-Superstition and Black Magic Act).

ભારત સરકારે તેમને વર્ષ 2014માં ‘પદ્મશ્રી’નો ખિતાબ મરણોત્તર એનાયત કર્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે