દાદૂ દયાલ

March, 2016

દાદૂ દયાલ (જ. 1544, અમદાવાદ, ગુજરાત; અ. 1603, નરાના, રાજસ્થાન) : ભારતના સમાજસુધારક, ધર્મસુધારક અને રહસ્યવાદી સંતકવિ.  નિર્ગુણોપાસક સંત. તેમનો જન્મ બ્રાહ્મણ કે પીંજારા કુટુંબમાં થયો હોવાના બે મત છે. તેમના શિષ્યો રજ્જબ તથા સુંદરદાસે તેમને પીંજારા જ્ઞાતિના કહ્યા છે. તેમના પિતાનું નામ લોધિરામ હતું. તેઓ 18 વર્ષના હતા ત્યારે બાબા બુઢ્ઢન (વૃદ્ધાનંદ) પાસેથી દીક્ષા લીધી. આશરે 6 વર્ષે તેમણે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બંગાળ, બિહારનાં વિવિધ સ્થળોનો પ્રવાસ કર્યો. તે દરમિયાન સંતો, સાધુઓને મળ્યા તથા તે પ્રાંતોના લોકોના જીવનનો અભ્યાસ કર્યો. તેઓ 30 વર્ષની વયે સાંભર (રાજસ્થાન) જઈને રહ્યા. ત્યાં તેમના પુત્રો ગરીબદાસ, મિસ્કીનદાસ તથા બે પુત્રીનો જન્મ થયો. તેઓ કબીર પંથના અનુગામી હતા. 1573માં તેમણે ‘બ્રહ્મ સંપ્રદાય’ સ્થાપ્યો જે સમય જતાં ‘દાદૂ પંથ’ નામે પ્રચલિત થયો. ત્યારબાદ આમેર જઈને ત્યાં 14 વર્ષ રહ્યા. તેમની ખ્યાતિથી પ્રેરાઈને ઈ. સ. 1586માં ફતેહપુર સિક્રીમાં સમ્રાટ અકબરે તેમને બોલાવીને 40 દિવસ સુધી તેમની સાથે આધ્યાત્મિક ચર્ચા કરી હતી. નરાના પાસેની ગુફામાં આશરે 58 વર્ષની વયે તેમનું અવસાન થયું. તે સ્થાન, તેમના પંથના લોકોનું તીર્થસ્થાન બન્યું છે. ત્યાં તેમની પાદુકા, વસ્ત્ર, ભિક્ષાપાત્ર વગેરે વસ્તુઓ છે. પ્રતિવર્ષ તેમની પુણ્યતિથિના દિવસે ત્યાં ધાર્મિક મેળો ભરાય છે. દાદૂ ઘણા નમ્ર, ક્ષમાશીલ સ્વભાવના હોવાથી લોકો તેમને ‘દાદૂ દયાલ’ નામથી સંબોધતા હતા.

દાદૂ દયાલ

દાદૂના 152 મુખ્ય શિષ્યોમાંથી 52 શિષ્યો આ પંથના આધારસ્તંભ સમાન હતા, જેમાં રજ્જબ, ગરીબદાસ, સુંદરદાસ, જનગોપાલ અને જગજીવન મુખ્ય છે. દાદૂના બાવન શિષ્યોએ બાવન દાદૂ દ્વાર (પૂજાનાં સ્થાન) સ્થાપ્યાં, તે સિદ્ધપીઠ કે અખાડા નામથી પ્રસિદ્ધ છે. તેમના બે કાવ્યસંગ્રહો ‘અનભૈવાણી’ અને ‘કાયાબેલી’માં તેમના વિચારો તથા અનુભવો વર્ણવ્યા છે. તેમના બે શિષ્યો સંતદાસ અને જગન્નાથદાસે તેમનાં પદો અને સાખીઓનું સંકલન કરી ‘હરદેવાણી’ નામથી પ્રગટ કર્યાં છે. આ ઉપરાંત તેમની સેંકડો રચનાઓ સંકલિત થઈ નથી. તેમની રચનાઓ મોટા ભાગની વ્રજભાષામાં છે, જેમાં રાજસ્થાની અને ખડી બોલીનું મિશ્રણ છે. દાદૂનો ઉપદેશ ‘સબદ’ અને ‘બાની’માં પણ સંકલિત થયો છે. તેમણે સંસારની અસારતા બતાવીને પ્રભુની નિરાકાર, નિર્ગુણ સ્વરૂપે ભક્તિ કરવાનો બોધ આપ્યો. તેમના ઉપદેશમાં મધુર નમ્રતાનાં દર્શન થાય છે.

એમની વાણીમાં આત્મસમર્પણની ભાવના દેખાય છે. દાદૂએ હિંદુ અને મુસ્લિમોની એકતા માટે સક્રિય પ્રયાસો કર્યા. ઉત્તર ભારતના નિર્ગુણ ઉપાસકોની પરંપરામાં દાદૂનું સ્થાન કબીરની સમકક્ષ છે. એમણે મૂર્તિપૂજા, તીર્થયાત્રા તથા વ્રત કરવાનો વિરોધ કર્યો.

પ્રવીણચંદ્ર પરીખ

જયંત રેલવાણી