દાદાવાદ : સાહિત્ય અને કલાની નાસ્તિવાદી ઝુંબેશ. પ્રથમ વિશ્વયુદ્ધના શરણાર્થી તરીકે સ્વિટ્ઝર્લૅન્ડ આવેલા કેટલાક લેખકો-કલાકારોએ ઝુરિકમાં આશરે 1916માં તેનો પ્રારંભ કર્યાનું મનાય છે. તેના અગ્રણી પ્રણેતા હતા રુમાનિયાના કવિ ટ્રિશ્ટન ઝારા, અલાસ્કાના શિલ્પી હૅન્સ આર્પ તેમજ ચિત્રકાર અર્ન્સ્ટ અને ડૂશાં. પોતાની ઝુંબેશનું નામ શોધવા તેમણે શબ્દકોશનું પાનું અડસટ્ટે ઉઘાડ્યું અને પહેલવહેલો હાથે ચડ્યો તે શબ્દ ‘dada’. આ ફ્રેન્ચ શબ્દનો અર્થ છે બાળકને રમવાનો ઘોડો. પરંતુ આ ઝુંબેશના સંદર્ભમાં તેનો અર્થ ઘટાવાયો છે સંપૂર્ણ સ્વચ્છંદતા અથવા નિરકુંશતાનો. તેમના શબ્દકોશનો પાયાનો શબ્દ તે વ્યર્થતા (nothing) એટલે કે નાસ્તિવાદ. તેમનું વલણ કલા-પ્રતિવાદી (anti-art) તથા અર્થ-પ્રતિવાદી (anti-sense) હતું. નિયમો, આદર્શો, પરંપરા એ તમામનો, હકીકતમાં તમામ વિચારસરણી, વાદ અને વ્યવસ્થાનો – તાર્કિક રીતે ‘દાદા’ સ્વયંનો પ્રતિવાદ તથા અસ્વીકાર એ તેમની મુખ્ય નેમ હતી.

કલા અને સાહિત્યમાં તેની અભિવ્યક્તિ કૉલાજ રૂપે થઈ. એમાં અસંબદ્ધ તથા અસંગત પદાર્થો તથા શબ્દોનું તદ્દન મનસ્વી સહ-આયોજન પ્રયોજાતું. તેનો મુખ્ય ઉદ્દેશ હતો આઘાત અને લાગણીક્ષોભ જન્માવવાનો. તેનું અત્યંત લાક્ષણિક ઉદાહરણ તે ડૂશાંએ તૈયાર કરેલું મોના લીઝાનું દાઢીમૂછ તથા અશિષ્ટ શીર્ષક ધરાવતું ચિત્ર.

બીજો નોંધપાત્ર આવિષ્કાર થયો ‘રેડિમેડ’ રૂપે. જે કોઈ પૂર્વનિર્મિત કે તૈયાર વસ્તુ હાથે ચઢે તેનો તરંગી ઢબે ઉપયોગ કરવાની આ પદ્ધતિ ‘રેડિ-મેડ’ નામે ઓળખાઈ. સાઇકલનું પૈડું, શીશી સૂકવવાનું સાધન, રંગીન કાગળના ટુકડાનું બેઢંગું આયોજન, છૂટા યંત્રભાગોનું રેખાંકન તથા અસંબદ્ધ શીર્ષકો તેનાં કેટલાંક ઉદાહરણ છે.

દાદાવાદ સરરિયાલિઝમનું પુરોગામી તરીકે લેખાય છે. 1916થી 1922 દરમિયાન તેનો પ્રભાવ વિશેષ રહ્યો તથા પૅરિસ, કોલોન અને ન્યૂયૉર્કમાં તેનો પ્રસાર થયો. દાદાવાદના જૂથમાંથી છૂટા પડીને આંદ્રે બ્રેટને 1924માં સરરિયાલિઝમ અંગે ઢંઢેરો બહાર પાડ્યો. આ નવા વાદના આગમન પછી દાદાવાદની ઝુંબેશ ક્રમશ: મોળી પડી, જોકે તેની અસર ઘણાં વર્ષો રહી. ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં એઝરા પાઉન્ડ તથા ટી. એસ. એલિયટની કવિતામાં તેમજ અર્ન્સ્ટ અને મૅરિટની ચિત્રકલામાં તેની અસર જોવાય છે.

મહેશ ચોકસી