દાદૂપંથ : સંત દાદૂદયાળે સ્થાપેલો સંપ્રદાય. દાદૂ અકબર અને તુલસીદાસજીના સમકાલીન હતા. શરૂઆતમાં તેઓ કબીરપંથના અનુગામી હતા, પરંતુ પાછળથી તેમણે અલગ પંથ સ્થાપ્યો. તેમનો ઉપદેશ ‘શબદ’ અને ‘બાની’માં સંકલિત થયો છે. તેમણે સંસારની અસારતા બતાવીને પ્રભુની નિરાકાર, નિર્ગુણ સ્વરૂપે ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમના ઉપદેશમાં કબીર જેવી આક્રમક તીવ્રતાને સ્થાને મધુર નમ્રતા જોવા મળે છે. દાદૂ કબીરની જેમ હિંદુ અને મુસ્લિમો વચ્ચે કોઈ ભેદ માનતા ન હતા. મુસ્લિમો પણ તેમના તરફ આદર ધરાવતા હતા. દાદૂએ પોતાના પંથમાં પ્રવત્તિ અને નિવૃત્તિ બંને માર્ગોનો મેળ કર્યો હતો અને એને આધારે પોતાના પંથનું સંગઠન કર્યું હતું. તેમનો પંથ બે વિભાગમાં વહેંચાયેલો હતો. એક વિભાગમાં સંસારથી વિરક્ત થઈને ભગવાં વસ્ત્રો ધારણ કરનારા વૈરણીઓ હતા. બીજા વિભાગમાં સફેદ કપડાં પહેરીને ગુરુના આદેશ અનુસાર આજીવિકા કમાતા સેવકો હતા. દાદૂએ પોતાના અનુયાયીઓને સ્વાવલંબી જીવન જીવતાં શીખવ્યું. અભણ લોકોને તેમણે ખેતીકામમાં જોડ્યા, ભણેલામાંથી કેટલાકને વૈદ્ય બનાવી લોકસેવાનું કામ સોંપ્યું અને કેટલાકને ધર્મયુક્ત વેપાર-વાણિજ્યમાં પરોવ્યા. પ્રવૃત્તિમાર્ગી ગૃહસ્થોને આ પંથમાં ‘સેવક’ કહેવામાં આવે છે, જ્યારે વૈરાગીને ‘દાદૂપંથી’ કહેવામાં આવે છે. દાદૂપંથમાં આ વૈરાગીઓના પાંચ ભેદો છે : ખાલસા, નાગા, ઉત્તરાદી, વિરક્ત અને ખાખી. દાદૂના બાવન શિષ્યોએ બાવન દાદૂ-દ્વાર(પૂજનસ્થાન) સ્થાપ્યાં હતાં. આ સ્થાનો સિદ્ધપીઠ કે અખાડાને નામે ઓળખાય છે. દાદૂદ્વારમાં દાદૂની ‘બાની’ની પૂજા કરવામાં આવે છે. રાજસ્થાનમાં દાદૂપંથનો વિશેષ પ્રચાર થયેલો જોવામાં આવે છે. દાદૂપંથના પ્રસારમાં દાદૂના શિષ્ય સુંદરદાસનો ફાળો અગત્યનો છે. દાદૂના વિચારોને દાર્શનિક પદ્ધતિએ રજૂ કરવાનું શ્રેય સુંદરદાસને ફાળે જાય છે.
અહીં એક ખાસ બાબત નોંધનીય છે કે કબીર પોતાનું માથુ કાપી નાખતાં (કબીરમાંથી ક અક્ષર કાઢી નાખતાં) બીર(વીર) બની શક્યા હતા. દાદૂ કહેતા કે જે સાહસપૂર્વક મિથ્યાચારોનો વિરોધ કરી શકતા નથી તે સાચો વીર પણ નથી અને સાધક પણ નથી. દાદૂના કથનોનો લક્ષ્યાર્થ ચૂકી ગયેલા અનુયાયીઓમાંથી એક દળ (નાગા) કેવળ લડાયક દળ બની ગયું. દાદૂપંથના વૈરાગી નાગાઓની જમાતે રાજસ્થાનમાં એક લશ્કરી દળનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેઓ સ્વયંસૈનિકો હતા. તેઓ અવિવાહિત રહેતા અને દેશ તથા ધર્મનું રક્ષણ કરવું તેને પોતાનું પરમ કર્તવ્ય માનતા. રાજસ્થાનનાં દેશી રાજ્યોની સેનામાં આવા સૈનિકો હજારોની સંખ્યામાં ભરતી થયા હતા. રાજ્ય તરફથી તેમને કેવળ ખોરાક અને સાધારણ વસ્ત્રો આપવામાં આવતાં. શરૂઆતમાં તેઓ જમાત રૂપે સંગઠિત હતા પણ સમય જતાં આ જમાતો ‘નાગા-પલટનો’ કહેવાવા લાગી. 18મી સદીના અંત સુધી રાજસ્થાનના ઘણાં રાજ્યોમાં આવી નાગા-પલટનો હતી. તેઓ આવશ્યકતા સમયે વીરતાથી લડતા. નવરાશના સમયમાં તેઓ દાદૂ દયાળ અને બીજા નિર્ગુણી સંતોની વાણી ગાતા અને સાંભળતા. નાગોઓનું કાર્ય પણ શીખોની જેમ ધર્મ-રક્ષાનું હતું, ફરક એટલો હતો કે શીખ સૈનિક ગૃહસ્થ હતા, જ્યારે નાગા લોકો વૈરાગી હતા.
પ્રવીણચંદ્ર પરીખ