દાતા, ગંજબખ્શ હુજવેરી

March, 2016

દાતા, ગંજબખ્શ હુજવેરી (જ. –; અ. 1064, લાહોર) : સૂફી સંત. શેખ ગંજબખ્શ હુજવેરી હજરત શેખ પીરઅલી હુજવેરી તરીકે પ્રખ્યાત છે. તેમના પિતાનું નામ ઉસ્માન બિન અબી અબલ જલાબિલ ગઝનવી હતું અને તેઓ ગઝનાના રહેવાસી હતા. ગંજબખ્શ શેખ અબુલફઝલ બિન હસન અલ ખતલી અને શેખ શિબ્લી(રહેમતુલ્લાહ)ના મુરીદ એટલે કે શિષ્ય હતા. તેમનું આખું કુટુંબ પવિત્રતા અને પરહેજગારી માટે પ્રખ્યાત થયેલું છે. સૂફીમતમાં શેખ ગંજબખ્શ હુજવેરીનું નામ ઘણું રોશન થયેલું છે. એમની અનેક કૃતિઓ પૈકી ‘કશફુલ મહજુલ’  નોંધપાત્ર છે. વસવ્વુફ એટલે કે સૂફી પરંપરામાં તે અનન્ય માર્ગદર્શક રચના ગણાય છે. તે આધ્યાત્મિક ગુરુની ગરજ સારે છે. ગંજબખ્શે અનેક પ્રવાસો કરીને સૂફીમતનો પ્રચાર કર્યો હતો. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં તે લાહોર આવી સ્થિર થયા હતા. તેમની કબર લાહોરમાં આવેલી છે જ્યાં દર વર્ષે હજારો લોકો જિયારત કરવા આવે છે.

ચીનુભાઈ નાયક