દાતાર, પંડિત ડી. કે.

March, 2016

દાતાર, પંડિત ડી. કે. (જ. 24 ઑક્ટોબર 1924, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના વિખ્યાત બેલાવાદક. આખું નામ દામોદર કેશવ દાતાર. પિતા પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના શિષ્ય હતા. દામોદરના બાલ્યકાળમાં પિતાનું અવસાન થયું, પરંતુ મોટા ભાઈ પાસેથી પ્રોત્સાહન મળતું રહ્યું. શાસ્ત્રીય સંગીતની વિધિસરની તાલીમ માટે તેઓ મુંબઈની જાણીતી સંસ્થા દેવધર સ્કૂલ ઑવ્ ઇન્ડિયન મ્યૂઝિકમાં દાખલ થયા જ્યાં ગાયન અને વાદન બંનેનું શિક્ષણ અપાતું. તે સંસ્થાના સંગીતના શિક્ષક વિઘ્નેશ્વર શાસ્ત્રી સારા બેલાવાદક હતા, તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી. ત્યારપછી તે વિખ્યાત સંગીતકાર ડી. વી. પલુસ્કરના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી દાતારે ગાયકી-શૈલીની તલસ્પર્શી જાણકારી મેળવી.

પ્રત્યેક રાગને શુદ્ધ સ્વરૂપે અને આહલાદક રીતે રજૂ કરવાનું કૌશલ્ય  બેલાના આ વાદકમાં વિશેષ રૂપમાં દેખાઈ આવે છે. અતિ વિકટ દ્રુત તાનો તથા લયકારી પર તો તેમનું અદભુત પ્રભુત્વ છે. ઠૂમરી, દાદરા, કજરી જેવી ઉપ-શાસ્ત્રીય સંગીતરચનાઓ પણ તે બેલા પર કુશળતાપૂર્વક રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે. શુદ્ધ કલ્યાણ, અહીર ભૈરવ, દરબારી કાનડા, તોડી અને ચંદ્રકૌંસ તેમના પ્રિય રાગો છે. મિશ્ર ખમાજ, કાફી, પીલુ તથા ભૈરવી રાગોમાં તેમણે વગાડેલી રચનાઓ અત્યંત શ્રવણીય છે.

મુંબઈ આકાશવાણી તથા દૂરદર્શનના તે ઊંચી ગ્રેડના કલાકાર છે. એમણે ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ કંપનીમાં તથા ફિલ્મક્ષેત્રે પણ કામગીરી કરી છે. તેમના બહોળા શિષ્યવૃંદમાં મિલિંદ રાયકર તથા અરુણ ડહાણુકર વિશેષ ઉલ્લેખનીય છે. 1995માં સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ અને 1998માં મહારાષ્ટ્ર સરકારના ઍવૉર્ડથી સન્માનિત થયા છે. 2004માં પદ્મશ્રી એનાયત થયો. તેમણે મુંબઈ યુનિવર્સિટી, એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી, એમ.અસ. યુનિવર્સિટી વડોદરા, બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાઘર યુનિવર્સિટીમાં મુલાકાત પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેમણે સંગીતસંમેલનોમાં પણ ભાગ લીધો અને અનેક દેશોનો પ્રવાસ કર્યો છે.

બટુક દીવાનજી