દાંતોં, ઝોર્ઝ ઝાક (જ. 21 ઑક્ટોબર 1759, આર્સી સ્યુર ઓબ; અ. 5 એપ્રિલ 1794) : ફ્રાન્સની ક્રાંતિના અગ્રણી નેતા અને પ્રતિભાશાળી વક્તા. તેમણે 1784માં કાયદાનો અભ્યાસ પૂરો કર્યો અને કાનૂની વ્યવસાય માટે પૅરિસ આવ્યા. 1789માં દાંતોં એસ્ટેટ્સ-જનરલમાં ચૂંટાયા. પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સશક્ત નેતૃત્વ અને વાક્છટાને લીધે થોડા સમયમાં તે પૅરિસની ક્રાંતિકારી કૉર્ડેલ્યે ક્લબના આગળ પડતા નેતા બન્યા. 1791માં તે જ રીતે તે પૅરિસની બીજી ક્રાંતિકારી ક્લબ, જેકોબીન ક્લબ સાથે પણ સંકળાયેલા હતા.
દાંતોં રાજાશાહીના વિરોધી હતા. તેઓ ફ્રાંસમાં પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા સ્થાપવા માગતા હતા; તેથી જ્યારે ફ્રાંસનો રાજવી લૂઈ સોળમો તેના કુટુંબ સાથે ફ્રાંસમાંથી નાસવાનો પ્રયાસ કરતાં વેરેને પાસે પકડાઈ ગયો તે વખતે દાંતોંએ જોરદાર માગણી કરી કે રાજવીએ ગાદીત્યાગ કરવો જોઈએ. 9-10 ઑગસ્ટ, 1792માં પૅરિસના લૂઈ 16માના નિવાસસ્થાન ત્વીલરી મહેલ પર ટોળાં દ્વારા જે હુમલા કરવામાં આવ્યા તેની પાછળ દાંતોંનો હાથ હતો. એ રીતે ફ્રાન્સમાંથી રાજાશાહી નાબૂદ કરવા માટેની ઝુંબેશની આગેવાની દાંતોંએ લીધી હતી. પરિણામે ફ્રાન્સમાંથી રાજાશાહી નાબૂદ થઈ.
સપ્ટેમ્બર, 1792માં ધારાસભા દ્વારા પ્રથમ ફ્રેન્ચ પ્રજાસત્તાકની જે કામચલાઉ સરકાર સ્થાપવામાં આવી તેમાં ન્યાયમંત્રી તરીકે દાંતોંએ મહત્વની ભૂમિકા ભજવી. રાજાશાહીની નાબૂદી પછી જ્યારે પ્રશિયન લશ્કરે ફ્રાન્સની સરહદે આક્રમણ કર્યું (સપ્ટેમ્બર, 1792), તે વખતે રાષ્ટ્રની સુરક્ષા માટે અને દુશ્મનોને કચડી નાખવા માટે દાંતોંએ ધારાસભામાં પ્રભાવક ભાષણ કર્યું અને ફ્રાન્સને તે માટે માનસિક રીતે તૈયાર કર્યું. તે ફ્રાન્સના અતિ લોકપ્રિય નેતા બન્યા. ‘જાહેર સુરક્ષા સમિતિ’ (committee of public safety) તરીકે પ્રચલિત એવી ક્રાંતિકારી પ્રજાસત્તાક સરકારની કારોબારી(એપ્રિલ, 1793)ના મહત્વના સભ્ય તરીકે દાંતોંએ રોબેસ્પિયેર, દેમૂલાં, ઝાં પૉલ મારા વગેરે નેતાઓ સાથે મળીને ક્રાંતિકારી અદાલતની રચના કરી અને ક્રાંતિવિરોધીઓ પર ઝડપી મુકદ્દમો ચલાવીને તેમને દેહાંતદંડ અપાયો. આમ ફ્રાન્સમાં ત્રાસનું શાસન શરૂ થયું. માત્ર શંકાને આધારે નિર્દોષ વ્યક્તિઓને પણ દેહાંતની શિક્ષા કરવામાં આવતી હતી, પરંતુ થોડા સમયમાં રોબેસ્પિયેર અને સેંટ જસ્ટ જેવા બીજા નેતાઓને દાંતોં પ્રત્યે દુશ્મનાવટ થઈ. તે માટેનું કારણ એ હતું કે દાંતોંએ વધારે લોક્પ્રિયતા પ્રાપ્ત કરી હતી. દાંતોં પર એ આરોપ મૂકવામાં આવ્યો કે તેમણે રાજાશાહીતરફી તત્વો, સટોડિયાઓ અને બીજી શંકાસ્પદ વ્યક્તિઓ સાથે મળીને સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમને 10 જુલાઈ, 1793ના રોજ ‘જાહેર સુરક્ષા સમિતિ’માંથી દૂર કરવામાં આવ્યા. થોડો સમય દાંતોં સક્રિય રાજકારણથી દૂર રહ્યા. 1793ના અંતમાં તેઓ પૅરિસ પાછા આવ્યા. તેમણે રોબેસ્પિયેરના નેતૃત્વ હેઠળના ‘ત્રાસના શાસન’ને નરમ પાડવા માટે પ્રયાસ કર્યા; પરંતુ તેમાં તેમને નિષ્ફળતા મળી; એટલું જ નહિ, બલકે ‘જાહેર સુરક્ષા સમિતિ’ સમક્ષ દાંતોંની ભૂમિકાની ઝાટકણી કાઢવામાં આવી. 30 માર્ચ, 1794ને દિવસે તેમના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો, પરંતુ સ્વબચાવ માટે તેમની વાક્છટાની પ્રબળ અસર પ્રજા પર પડશે એવી બીકથી તે સમયની લોકપ્રતિનિધિસભાએ આ મુકદ્દમો ઝડપી બનાવીને તેમની સાથે તેમના 14 જેટલા સાથીઓને દેહાંતની શિક્ષા જાહેર કરી. 5 એપ્રિલ, 1794ને દિવસે તેમને ફાંસી આપવામાં આવી તે સમયે તે સંપૂર્ણ શાંત અને સ્વસ્થ રહ્યા હતા.
ર. લ. રાવળ