દસ્તૂર-ઉલ્-અમલ : મુઘલકાળનાં વહીવટી અને હિસાબી દફતરો. ફારસીમાં લખાયેલ દફતરોની સાધન-સામગ્રી 16મીથી 18મી સદીઓના ગાળાના દેશના સામાજિક-આર્થિક જીવન વિશેની આપણી જાણકારીને સમૃદ્ધ કરે છે. જોકે મુઘલ ફરમાનો, સનદો અને મદ્રદ્-ઇ. મઆશ(ધર્માદા જમીનનાં દાનો)ને લગતા દસ્તાવેજો સંખ્યાબંધ જગ્યાઓએ મળી આવ્યા છે, પરંતુ આ કીમતી સંગ્રહોનો જથ્થો ભારતમાં ત્રણ દફતર-કેન્દ્રો – બિકાનેરમાં આવેલો રાજસ્થાન રાજ્ય દફતર-ભંડાર, હૈદરાબાદનો આંધ્રપ્રદેશ-તેલંગાણા દફતર-ભંડાર અને નવી દિલ્હીનો રાષ્ટ્રીય દફતર-ભંડારમાં કેન્દ્રિત થયો છે. રાજસ્થાન દફતર-ભંડાર સાધનસામગ્રીની ખાણ ગણાય છે. તે વિવિધ મુઘલ ફરમાનો, સનદો, મુઘલ દરબારનાં ખતપત્રો (કાગઝાત-અખબારાત્-ઇ-દરબાર-ઇ-મુઅલ્લા), પરગણાના દસ્તાવેજો, પ્રાંતીય અને પરગણાના અધિરારીઓના પરચુરણ પત્રવ્યવહારો તેમજ મહારાજાઓના વકીલોના હેવાલો ધરાવે છે. આ દસ્તાવેજો મુઘલ કાળ દરમિયાન ઉત્તર ભારતના કેટલાક સૂબાઓને લગતા છે એવી રીતે દખ્ખણના સૂબાઓ માટે હૈદરાબાદ ભંડારનો કેટલોક અગત્યનો અંશ શાહજહાંના સમય(1627-1656)થી માંડીને આશફશાહી રાજ્ય સુધીના મુઘલ દસ્તાવેજો(દફતર-ઇ-મુઘલિયહ)ને લગતો છે. મુઘલ દફતરોના કેટલાક ટુકડાઓને ભારતીય બ્રિટિશ સરકારે એકત્ર કર્યા હતા તે હવે 1857ના બળવાને લગતા પત્રોની સાથે નવી દિલ્હીના રાષ્ટ્રીય દફતર-ભંડારમાં સુરક્ષિત રખાયા છે. દિલ્હીના રાષ્ટ્રીય દફતર-ભંડારે તેના પૂરા દફતરસંગ્રહમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વાકાઈનવીસે ગવર્નર જનરલ-ઇન-કાઉન્સિલને પાઠવેલ અખબારાત (ખબરપત્રો) પણ સાચવ્યા છે. આ દસ્તાવેજો 18મી-19મી સદીનો સમય આવરે છે.

પ્રવીણચંદ્ર પરીખ