દસ્યુ : એક પ્રાચીન આર્યવિરોધી પ્રજા. ઋગ્વેદ(1-51-8, 1-103-3, 1-117-21; 2-11-18 ને 19; 3-34-9, 6-18-3, 7-5-6, 10-83-6)માં દસ્યુઓને આર્ય (સંસ્કારી) ભારતીયોના શત્રુઓ કહેવામાં આવ્યા છે; અન્યત્ર (5-70-3, 10-83-6) એમને ચોક્કસ પ્રકારની પ્રજા કહેવામાં આવ્યા છે. આ દસ્યુઓને ‘અકર્મા’ (કર્મકાંડ ન કરનારા, 10-22-8), ‘અદેવયુ, (દેવોના વિષયમાં ઉપેક્ષાવૃત્તિવાળા, 8-70-11), ‘અબ્રહ્મન્ (બેવફા કે ભક્તિહીન, 4-16-9), ‘અયજ્વા’ (યજ્ઞો ન કરનાર, 8-70-11)’ ‘અયજ્યુ’ (યજ્ઞ ન કરનાર, 7-6-3) ‘અવ્રત’ (અનીતિમય, 1-51-8, 1-175-3, 6-14-3. 9-41-2), ‘અન્યવ્રત’ (અજાણ્યા નિયમોને અનુસરનાર, 8-70-11), ‘દેવ-પિયુ’ (દેવોને ગાળો આપનાર, અથર્વ 12-1-37) કહેવામાં આવ્યા છે. આમાં સંસ્કારી ભારતીયોથી એમનું પાર્થક્ય બતાવ્યું હોય એમ સમજાય છે. ઇંદ્રને જ્યાં ‘દસ્યુઓની હત્યા કરનારો’ (ઋ. 1-10-12. 6-45-24, 8-76-11, 8-77-3, 10-47-4) કહેલ છે ત્યાં ક્યાંય પણ ‘દાસો’નો હત્યારો કહ્યો નથી, એટલે ‘દસ્યુ’ અને ‘દાસ’ એક ન હોય, તો ‘દાસ’ એ જુદો જ સમાજ હોય, જે પણ સંસ્કારી ભારતીયોનો શત્રુવર્ગ ગણાયો છે. (ઋ. 5-34-6, 6-22-10, 6-33-3, 6-50-6, 7-83-1, 10-38-3, 10-69-6), (અથર્વ 5-11-3). ઋગ્વેદ(5-29-10)માં ‘અનાસ્’ કહેલ છે, જેનો ભાષ્યકાર ‘ચીબાં નાકવાળા’ એવો અર્થ આપે છે. આ હકીકતે કાળી પ્રજા(ઑસ્ટ્રેલૉઈડ-દાનવો)નો કોઈ વર્ગ હોવાનો સંભવ છે. દસ્યુઓને ‘મૃધ્રવાક્’ (અસ્પષ્ટ વાણી બોલનારા, ઋ. 5-29-10) કહ્યા છે, ‘અનાસ્’ સાથે તેનો ઉલ્લેખ છે. આનો અર્થ ‘શત્રુની વાણી’ પણ શક્ય છે. ‘દેવ’ અને ‘દસ્યુ’ શબ્દો પ્રાચીન ઈરાની ભાષામાં પણ મળે છે (‘દએવ’ અને ‘દક્યુ’ રૂપે). ઐતરેય બ્રાહ્મણ (7-18) અને મનુસ્મૃતિ (5-131, 10-32-45)માં તો ‘અસંસ્કારી પ્રજા’ એવો અર્થ જોવા મળે છે.

ઋગ્વેદમાં પણ જે વૃત્તાંતો આવે છે તે પૂર્વના દીર્ઘકાલની અનુશ્રુતિઓનાં છે અને એમાંથી જ ઐતિહાસિક તત્વ તારવવાનું રહે છે. ઋગ્વેદની પણ સેંકડો યા હજારો વર્ષ પૂર્વે હિમાલયના પશ્ચિમી અર્ધ ભાગથી પશ્ચિમ તરફ વધતી ગિરિમાળાના કૉકેસસ ગિરિ સુધીના ભાગમાં ગૌરાંગ પ્રજા (કૉકેસૉઇડ, ચંદ્રવંશીય) વિસ્તરેલી હતી તો પ્રશાંત મહાસાગર સુધીના હિમાલય ગિરિમાળાના પૂર્વીય ભાગમાં પીતાંગ પ્રજા (મૉન્ગોલૉઇડ, સૂર્યવંશીય)નો વિકાસ થયેલો  હતો, જ્યારે વિષુવવૃત્તની બંને બાજુના પ્રદેશો અને દ્વીપોમાં શ્યામાંગ પ્રજા (ઑસ્ટ્રેલૉઇડ–પછીથી કહેવાયેલ ‘દિતિ’ અને ‘દનુ’ની વંશજ પ્રજા)નો વિકાસ થયેલો હતો. ઋગ્વેદમાં આ ત્રણે પ્રજાના સંઘર્ષ માનવ-પ્રકારના તેમજ અતિમાનવ-પ્રકારના પણ નોંધાયા છે. આમાં તારવવાનું તો એ જ રહે છે કે સંઘર્ષ ભારતીય ઉપખંડના ઉત્તર ભાગની સંસ્કારી પ્રજા અને દક્ષિણ ભાગની અસંસ્કારી પ્રજા વચ્ચે હતો, જેમાં અસંસ્કારી (અનાર્ય ભારતીયો) એ દસ્યુઓ ગણાયા.

કે. કા. શાસ્ત્રી