દશાર્ણ દેશ : પ્રાચીન સોળ મોટાં જનપદો પૈકીનું એક જનપદ. કાલિદાસે મેઘદૂત(શ્લો. 24)માં આનું વર્ણન કર્યું છે. અગ્નિમિત્રના સમય સુધી વિદિશા દશાર્ણ દેશની રાજધાની હતી.
મહાભારતમાં દશાર્ણ નામના બે પ્રદેશ કહ્યા છે – નકુલે વિજયયાત્રામાં જીત્યો તે પશ્ચિમ વિભાગ. તેમાં ભોપાલ રાજ્ય સહિત પૂર્વ માળવાનો સમાવેશ થાય છે. પૂર્વ દશાર્ણ ‘ડોરસન’ નામે ઓળખાય છે. પટણાનું દેશી રાજ્ય એમાં ગણાતું હતું. રામાયણમાં સીતાની શોધ માટે અંગદને દશાર્ણમાં શોધ કરવાનું સુગ્રીવે કહ્યું હતું.
વિંધ્યનો પ્રદેશ નર્મદાની બંને બાજુના ભાગને ગુજરાતથી ગયાજી સુધીની હારમાળાને લાગુ પડે, પરંતુ વિંધ્યના ઋક્ષવાન પર્વતના પ્રદેશને લાગુ પડે તેટલો પ્રદેશ આમાં આવેલો કહ્યો છે. સાહિત્યમાં નર્મદાની ખીણના મુખ્ય ભાગને નિમાડ જિલ્લો, ‘માંધાતા’ – માહિષ્મતી (ઇન્દોર રાજ્ય) નગરીને પ્રદેશની મુખ્ય નગરી અને દશાર્ણ મુખ્ય નદી કહી છે.
ભારતનો આ મહત્વનો ઐતિહાસિક ભાગ છે. સૌવીરની પશ્ચિમે 10 નદીઓવાળો દશાર્ણ મુલક છે. અવન્તિના પૂર્વ ભાગને દશાર્ણ અથવા આકર કહેતા. તેની રાજધાની વિદિશા એ જ ભેલસા. આ પ્રદેશમાં પાંચ સ્તૂપો આવેલા છે. દશાર્ણની રાજધાની બેસનગર(ભેલસા)માં બહુ ચૈત્યો હોવાથી એને ચેતીય ચૈત્યગિરિ કે ચેતીયનગર કહેતા. ગ્રીક એલચી હેમિયોડોરસે વિષ્ણુનું મંદિર બંધાવી ત્યાં ગરુડસ્તંભ ઊભો કરાવ્યો હતો. અશોકના સમયે દશાર્ણ રાજધાની હતી.
છત્તીસગઢ જિલ્લામાં આવેલો ભાગ દશાર્ણ તરીકે ઓળખાતો, જે વાકાટકની હકૂમતમાં હતો. કુમારપાલે ચેદિ, દશાર્ણ, માળવા વગેરે જીત્યાનો ઉલ્લેખ છે.
વિભૂતી વિ. ભટ્ટ