દશાપદ્ધતિ : જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાતક એટલે જન્મેલા માણસને જીવનનાં ચોક્કસ વર્ષોમાં ચોક્કસ ગ્રહની અસરોથી સારું કે ખરાબ ફળ મળે તેની ગણતરી માટેની રીત.

હજારો વર્ષો પૂર્વેથી ભારતમાં ખગોળવિજ્ઞાનનો વિકાસ અને અધ્યયન થતાં આવ્યાં છે. તેના પાયાના સિદ્ધાંતોને જ્યોતિષશાસ્ત્ર અનુસરે છે. તે મુજબ ગ્રહો, નક્ષત્રો અને એની કક્ષા, પરિભ્રમણના અંશો વગેરેની અસર પૃથ્વી ઉપરના મનુષ્યો અનુભવે છે. એના પ્રત્યક્ષ ગણિતના આધારે ફળકથનના નિયમો અને વિવરણસહિત જ્યોતિષશાસ્ત્ર આપે છે. આમ, આ અસરોને આધારે તારણો–ફલિત–આપવામાં આવે છે.

માનવીનાં જન્મ, મૃત્યુ, આયુષ્ય; લાભ, હાનિ, સ્વભાવ, ઉત્કર્ષ વગેરેને તે વર્ણવે છે. પરાશર મુનિએ ‘હોરા’ પદ્ધતિ સ્થાપિત કરી, ફલાદેશની અટપટી અને કઠિન પ્રક્રિયાનો અંત આણી સરલ દશાપદ્ધતિને વિકસાવી. માનવીને સારું કે ખરાબ ફળ ક્યારે મળશે, જીવનના કયા સમયગાળા દરમિયાન મળશે એ નક્કી કરી આપવા માટે દશાપદ્ધતિઓનો વિકાસ થયો.

એમાં માણસની આયુષ્યમર્યાદાનો આદર્શ માપદંડ નક્કી કરી તે આયુષ્યના સમયને નક્ષત્રો અને ગ્રહોમાં વિભાજિત કરવામાં આવે છે. તેને ‘દશા’ કહેવામાં આવે છે. ટૂંકામાં ટૂંકા સમયગાળાના ફળકથન માટે દશાને વિભાજિત કરી અંતર્દશા-પ્રત્યન્તર દશા એવા સૂક્ષ્મ ભાગ પાડવામાં આવે છે. વધુ વર્ષોની દશાને મહાદશા કહે છે અને પ્રત્યેક ગ્રહની મહાદશાની અંદર આવતી તે ગ્રહની પોતાની કે બીજા ગ્રહની ઓછા સમય સુધી ચાલતી દશાને અંતર્દશા અને એથી ઓછા સમય સુધી ચાલતી દશાને પ્રત્યન્તર દશા કહે છે. આ પછી તેના વિભાગ સૂક્ષ્મદશા અને પ્રાણદશા તરીકે થાય છે. તેથી વિવિધ પ્રકારની દશાઓ અસ્તિત્વમાં આવી. તેથી પ્રશ્ર્ન એ ઉદ્ભવ્યો કે ચોક્કસ ફલાદેશ માટે કઈ દશા લેવી. તેનું નિવારણ પરાશર હોરાસિદ્ધાંતમાં આપવામાં આવ્યું છે તે મુજબ, “ફળકર્તા ગ્રહની દશા–અંતર્દશા અને પ્રત્યન્તર દશા લેવી.” પરાશર વિંશોત્તરી દશાને ગ્રાહ્ય ગણે છે.

જ્યોતિષવિજ્ઞાનમાં મુખ્યત્વે ત્રણ દશાઓ ખૂબ જ પ્રચલિત બની છે :

(1) વિંશોત્તરી મહાદશા : આયુષ્ય માપદંડ – 120 વર્ષ.

(2) અષ્ટોત્તરી મહાદશા : આયુષ્ય માપદંડ – 108 વર્ષ

(3) યોગિની મહાદશા : આયુષ્ય માપદંડ – 36 વર્ષની ચક્ર અનુક્રમ ગતિ.

કોઈ પણ દશામાં આયુષ્ય દરમિયાન જ દશાઓ ક્રમાનુસાર ભોગવાય છે; પરંતુ વિંશોત્તરી મહાદશા ખાસ કરીને દક્ષિણ ભારતમાં માન્ય બની ને હાલમાં સર્વત્ર પ્રચલિત બની છે. પરાશરે કહ્યું છે કે दशा विंशोतरी ग्राह्यी જ્યારે અષ્ટોત્તરી દશા ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, પાંચાલ, સિન્ધ વગેરે પ્રદેશોમાં પરંપરાગત રીતે લેવામાં આવતી હતી. યોગિની મહાદશા ઉત્તર ભારત તરફ ખાસ પ્રચલિત બની છે જ્યારે ગુજરાતમાં હાલ અપ્રચલિત છે.

પારાશરી હોરા પ્રમાણે રાજયોગો અને મારકનો નિર્ણય સરલ પદ્ધતિથી અધિપતિ ગ્રહોના આધારે થઈ શકે છે. તેથી રાજયોગકર્તા અને મારક ગ્રહોની દશાઓ દરમિયાન અંતર્દશાઓમાં મનુષ્યનું આયુષ્ય નિશ્ચિત થઈ જતું હોઈને વિંશોત્તરી મહાદશા પ્રચલિત બની છે.

સર્વમાન્ય જાતકસિદ્ધાંતોના આધારે ગ્રહ-બલાબલ, સ્થાનબળ વગેરેને આધારે અષ્ટોત્તરી દશામાં વિશ્વસનીય ફલકથન કરી શકાય છે.

તેથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે, ચોક્કસ સિદ્ધાંતોને આધારે ફળકથન કરવું હોય તો વિંશોત્તરી દશાનો ઉપયોગ કરવો. અન્ય વિવિધ જાતક ગ્રંથોના સર્વસામાન્ય નિયમોને આધારે ફળકથન કરવા માટે અષ્ટોત્તરી દશા લેવી.

વિંશોત્તરી મહાદશા : જાતકનું પૂર્ણ આયુષ્ય 120 વર્ષ માની આ દશાની ગણતરી કરવામાં આવે છે. આ વર્ષોને 9 ગ્રહ અને 27 નક્ષત્ર વચ્ચે વધતાં-ઓછાં ફાળવી આપવામાં આવેલ છે. જાતકનો જન્મ જે ચંદ્રના નક્ષત્રમાં થયો હોય, તે નક્ષત્રમાંના માલિક ધારવામાં આવેલા ગ્રહથી દશાચક્ર શરૂ થાય છે. જાતકનું જન્મલગ્ન 20° કરતાં વધુ હોય તો વિંશોત્તરી પ્રમાણે ફળકથન કરવાનું પ્રચલિત છે.

વિંશોત્તરી દશા : કુલ 120 વર્ષ

ગ્રહ સૂર્ય ચંદ્ર મંગળ રાહુ ગુરુ શનિ બુધ કેતુ શુક્ર
વર્ષ 6 10 7 18 16 19 17 7 20
નક્ષત્રો કૃત્તિકા

ઉ. ફાલ્ગુની

ઉ. આષાઢા

રોહિણી

હસ્ત

શ્રવણ

મૃગશીર્ષ

ચિત્રા

ધનિષ્ઠા

આર્દ્રા

સ્વાતિ

શતભિષા

પુનર્વસુ

વિશાખા

પૂ. ભાદ્રપદ

પુષ્ય

અનુરાધા

ઉ. ભાદ્રપદ

આશ્લેષા

જ્યેષ્ઠા

રેવતી

મઘા

મૂળ

અશ્વિની

પૂ. ફાલ્ગુની

પૂ. આષાઢા

ભરણી

કોષ્ટક 1

અષ્ટોત્તરી મહાદશા : જાતકનું પૂર્ણ આયુષ્ય 108 વર્ષ ધારીને આ દશાની ગણતરી કરવામાં આવે છે. અહીં 28 નક્ષત્ર ને આઠ ગ્રહો વચ્ચે 108 વર્ષની વહેંચણી કરવામાં આવે છે. અહીં અભિજિત નક્ષત્ર ઉમેરવામાં આવ્યું છે. વળી સૂર્ય, મંગળ, શનિ અને રાહુને ચાર ચાર નક્ષત્રો આપવામાં આવેલ છે, જ્યારે અન્ય ગ્રહોને ત્રણ ત્રણ નક્ષત્રો ફાળવવામાં આવેલ છે. જાતકનો જન્મ જે ચંદ્રના નક્ષત્રમાં થયો હોય તે નક્ષત્રના ગ્રહથી દશાચક્ર શરૂ કરવામાં આવે છે. જાતકનું જન્મલગ્ન 20° કરતાં ઓછું હોય તો આ (અષ્ટોત્તરી) દશા પ્રમાણે ફળકથન કરવાનું પ્રચલિત છે. અષ્ટોત્તરીમાં કેતુને દશા માટે વર્ષ ફાળવેલાં નથી.

અષ્ટોત્તરી દશા : કુલ 108 વર્ષ

ગ્રહ સૂર્ય ચંદ્ર મંગળ બુધ શનિ ગુરુ રાહુ શુક્ર
વર્ષ 6 15 8 17 10 19 12 21
નક્ષત્રો આર્દ્રા

પુનર્વસુ

પુષ્ય

આશ્લેષા

મઘા

પૂ. ફાલ્ગુની

ઉ. ફાલ્ગુની

હસ્ત

ચિત્રા

સ્વાતિ

વિશાખા

અનુરાધા

જ્યેષ્ઠા

મૂળ

પૂ. આષાઢા

ઉ. આષાઢા

અભિજિત

શ્રવણ

ધનિષ્ઠા

શતભિષા

પૂ.ભાદ્રપદ

ઉ. ભાદ્રપદ

રેવતી

અશ્વિની

ભરણી

કૃત્તિકા

રોહિણી

મૃગશીર્ષ

પ્રત્યેક નક્ષત્રનાં વર્ષ  

દોઢ વર્ષ

 

પાંચ વર્ષ

 

બે વર્ષ

 

પાંચવર્ષ

આઠ માસ

 

અઢી વર્ષ

 

છ વર્ષ

ચાર માસ

 

 

ત્રણ વર્ષ

 

સાત વર્ષ

કોષ્ટક 2

યોગિની મહાદશા : આ દશાપદ્ધતિ ખૂબ જ પ્રાચીન છે. હાલમાં તે ગુજરાતમાં અલ્પ પ્રમાણમાં ઉપયોગમાં છે. આ દશા ચંદ્રથી ગણવામાં આવે છે. કુલ આઠ ગ્રહ અને આઠ દશાના ક્રમશ: ચડતા ક્રમે દરેક દશાનાં વર્ષો ગણવામાં આવે છે. અહીં કુલ દશાઓનાં વર્ષ 36 ગણવામાં આવે છે. એટલે કે જન્મથી 36 વર્ષ અને 8 દશાઓ પૂર્ણ થતાં, દશાનું પ્રથમ ચક્ર પૂર્ણ થતાં તે અનુક્રમે પુનરાવર્તન પામે છે.

યોગિની દશા : 36 વર્ષ

અનુક્રમ ગ્રહ દશા દશાવર્ષ

ભોગ્ય દશાવર્ષ

1 ચંદ્ર મંગલા 1
2 સૂર્ય પિંગલા 2
3 ગુરુ ધાન્યા 3
4 મંગળ ભામરિકા 4
5 બુધ ભદ્રિકા 5
6 શનિ ઉલ્કા 6
7 શુક્ર સિદ્ધા 7
8 રાહુ સંકટા 8

કોષ્ટક 3

દશા કાઢવાની રીત : જન્મસમયના ચંદ્રના  નક્ષત્રના આધારે જાતકની જન્મદશા ક્યા ગ્રહથી શરૂ થાય છે અને કેટલાં વર્ષ જન્મ પૂર્વે ભોગવાઈ ગયાં તે નક્કી કરવા માટે ‘ભુક્ત’ અને ‘ભોગ્ય’ એવા બે પારિભાષિક શબ્દો વાપરવામાં આવે છે. ભોગવાઈ ગયેલાં વર્ષને ‘ભુક્ત’ કહેવામાં આવે છે. નક્ષત્ર જેટલું ભોગવવાનું બાકી હોય તેને ‘ભોગ્ય’ કહેવામાં આવે છે. તે પછી ક્રમ પ્રમાણે આવતાં વર્ષો ‘ભોગ્ય’ કહેવાય.

જન્મસમયના ચંદ્રના આધારે પ્રથમ ભુક્ત અને ભોગ્ય નક્ષત્ર નક્કી કરાય છે. પછી જન્મના ચંદ્રની કળાઓ કાઢી તેને 800થી ભાગતાં સૂક્ષ્મ ગણિત મૂકી ‘ભુક્ત’ અને ‘ભોગ્ય’ કાઢી, પ્રત્યેક ગ્રહની દશા કઢાય છે. જાતકના જન્મ પ્રમાણે દરેક જાતકની દશા જુદી જુદી આવશે. હાલમાં માન્ય પંચાંગ ગ્રંથોમાં તેની ગણતરીનાં કોષ્ટકો સૂક્ષ્મ ગણિત સહિત આપવામાં આવે છે. તે ઉપરથી જાતક પોતે જ પોતાની દશા, અંતર્દશા અને પ્રત્યંતર દશા સહેલાઈથી કાઢી શકે છે.

બટુક દલીચા