દશાવતારી નાટક : મહારાષ્ટ્રના પારંપરિક નાટ્યસાહિત્યનો પ્રકાર. તેને દશાવતારી ખેળે કહે છે. આ પ્રકારનાં નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં લોકપ્રિય છે. નવો પાક ઊતર્યા પછી હોળી સુધી વિવિધ ગામોમાં યોજાતી મંદિરોની યાત્રામાં દશાવતારી નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં ભજવાતાં. આ પ્રકારનાં નાટકોમાં વિષ્ણુના દશ અવતારોની રજૂઆત થાય છે અને એ કારણે એનું ‘દશાવતારી’ નામ પડ્યું છે. આ નાટ્યપરંપરા સાતમી સદીથી ચાલતી આવી છે એવી એક માન્યતા છે. સત્તરમી સદીમાં સંત રામદાસ એમના ’દાસબોધ’માં દશાવતારી રમતોનો નિર્દેશ કરે છે, પરંતુ એ વખતે પ્રચલિત સ્વરૂપ વિશે કશી માહિતી મળતી નથી. એક ર્દષ્ટિએ આ નાટ્યપ્રકારનું મૂળ કર્ણાટકમાં છે. કર્ણાટકમાં યક્ષગાનની શૈલીમાં દશાવતારની કથાની રજૂઆત થતી, અને હજીય થાય છે. મહારાષ્ટ્રમાં આ નાટ્યપરંપરા અઢારમી સદીથી શરૂ થઈ. દશ અવતારોમાં મત્સ્યાવતારથી કૃષ્ણાવતાર સુધીના અવતારોની રજૂઆત હોય છે. પણ કૂર્મ, વરાહ અને પરશુરામના અવતારોનો નિર્દેશ માત્ર ગીતો દ્વારા કરવામાં આવે છે. બુદ્ધ અને કલ્કિ અવતારો દર્શાવવામાં આવતા નથી. મત્સ્યાવતારમાં સંકાસુરવધની વાત આવે છે. પણ સંકાસુરનું પાત્ર ભયાનક દર્શાવવાને બદલે વિદૂષક જેવું રમૂજ ઉપજાવે એવું દર્શાવવામાં આવે છે. રામ અને કૃષ્ણના અવતારોની અનેક ઘટનાઓ નિરૂપિત થાય છે. કૃષ્ણાવતારની રજૂઆતમાં રાધાનું પાત્ર મહત્વનું હોય છે. નાટકની શરૂઆત મધરાતે થાય છે અને સવાર સુધી એ ચાલ્યાં કરે છે.

દશાવતારમાં પૂજારી, દાસી, ગણપતિ અને સંકાસુરનાં પાત્રો

ઘણાં કોંકણી કુટુંબોમાં દશાવતારીનો પાઠ ભજવવાની પરંપરા ચાલતી આવી છે. અભિનેતાઓ તથા પ્રેક્ષકો બંને નાટક ભજવાતું હોય છે ત્યારે પોતપોતાની રીતે ભગવાનની આરાધના કરતા હોય છે. આ નાટકની પ્રારંભિક વિધિ મંદિરના પૂજારીના ઘરમાં થાય છે. ત્યાં ધાર્મિક વિધિ કરી, રંગભૂષા અને વેષભૂષા કરી, સરઘસ કાઢી મૃદંગમંજીરા વગાડતા, નાચતાગાતા, મંદિરના સભામંડપમાં તૈયાર કરેલા મંચ પર આવે છે. પ્રેક્ષકો ભેગા થાય ત્યાં સુધી મૃદંગની જુગલબંધી ચાલે છે. તે સમયે મંજીરાવાદકો અર્ધચન્દ્રાકારમાં રંગમંચ પર ઊભા રહે છે, સૂત્રધાર બરાબર મધ્યમાં ઊભો રહે છે. મૃદંગની જુગલબંધી પછી ગણપતિ અને  સરસ્વતીની સ્તુતિ કરવામાં આવે છે. તે પછી વિવિધ અવતારોની કથાની રજૂઆત થાય છે. બધી જ અવતારકથાઓમાં વિદૂષકનું પાત્ર અત્યંત મહત્વનું હોય છે. એ પ્રેક્ષકો જોડે સતત સંપર્ક રાખતો હોય છે અને પ્રસંગો પર ભાષ્ય કર્યા કરતો હોય છે. નાટકની ભજવણીમાં કેટલાક પ્રદેશાનુરૂપ ફેરફાર કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે નાટકની રજૂઆતના પૂર્વરંગમાં દશાવતારના પ્રસંગો રજૂ કરી ઉત્તરરંગમાં એકાદ પૌરાણિક કથાનકની રજૂઆત કરાય છે. ગણપતિ, સંકાસુર, અન્ય દેવો અને રાક્ષસો જેવાં પાત્રો મહોરાં પહેરે છે. કથાઓની રજૂઆતમાં શરૂઆતમાં સૂત્રધાર ગીતોના માધ્યમથી કથાનિરૂપણ કરે છે અને કથાનાં વિવિધ પાત્રો તત્કાળ એમને જે સ્ફુરે તે રીતે  ઉત્સ્ફુર્ત શૈલીમાં રજૂ કરે છે. એમાં સંવાદોની જોડે ભાવાનુકૂળ નૃત્ય પણ થતું હોય છે. આ પ્રકારની રજૂઆતને કારણે પૌરાણિક કથાનકમાં સમકાલીન તત્વ ઉમેરીને વ્યંગ્ય તથા ભાષ્ય દ્વારા પ્રેક્ષકોના ચિત્તને આકર્ષવાની તક નટોને સાંપડે છે.

દશાવતારીના મૂળ પ્રયોગમાં સફેદ વસ્ત્રનો પાર્શ્વપટ લટકાવ્યો હોય, એવો સાદો રંગમંચ હોય છે. યક્ષગાનની જેમ જ એમાં ખાસ પ્રકારની સજાવટ અને વેશભૂષાનો ઉપયોગ થાય છે. પાત્રોની ગતિવિધિ લોકનાટ્યોની જેમ વેગીલી હોય છે અને નટોએ જ વાતાવરણ, કાર્યવ્યાપાર વગેરેનું સૂચન કરવાનું હોય છે. સાંપ્રતકાળમાં રંગમંચનું આધુનિકીકરણ થતું જાય છે અને સફેદને બદલે રંગબેરંગી પડદા તથા સજાવટની નવી તરકીબોનો ઉપયોગ થવા લાગ્યો છે. વિજય તેંડુલકરલિખિત અને જબ્બર પટેલ દિગ્દર્શિત ‘ઘાસીરામ કોતવાલ’ દશાવતારી શૈલીમાં લખાયેલું અને ભજવાયેલું આધુનિક નાટક છે.

યશવંત કેળકર