દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી)

March, 2016

દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી) (જ. 3 નવેમ્બર 1952, ઉપલેટા, જિલ્લો રાજકોટ) : પ્રાચીન સંતવાણીના જાણીતા ભજનિક. મૂળ વતન જેતપુર તાલુકાનું અમરનગર ગામ. શિક્ષણ એમ.એ., બીએડ્. સુધીનું. વ્યવસાયે શિક્ષક. વર્ષ 1972માં આકાશવાણી, રાજકોટ દ્વારા પ્રાચીન ભજનિક તરીકે માન્યતા મળી. અત્યાર સુધીની 35 વર્ષની ભજનયાત્રામાં અમદાવાદ, રાજકોટ અને ભુજના આકાશવાણી કેન્દ્ર પરથી તેમના ભજનગાયનના 500 ઉપરાંત કાર્યક્રમો પ્રસારિત થયા છે. આ ઉપરાંત તેમણે આશરે 3000 જેટલાં પ્રાચીન ભજનોનો સંગ્રહ કરી રાજ્યની યુવાન-પેઢીમાં ભજન પ્રત્યે રુચિ પેદા કરી. પશ્ચિમ ધરામાં પીર ‘તમને રામદેવ પરણાવે’, ‘જપ લે હરિકા નામ’, ‘કાના નાના છાના માના’ જેવાં ઘણાં ભજનોનું તેમણે સંશોધન કર્યું છે.

ભજનગાયકીના જાહેરકાર્યક્રમોના સંદર્ભમાં તેમણે દુબઈ, મસ્કત, અબુધાબી, કૅન્યા તથા લંડનનો પ્રવાસ ખેડ્યો છે. તેઓ રવિભાણ પરંપરાના તેમજ કબીર મતના ઊંડા અભ્યાસુ છે. તેમણે પોતે ઘણાંબધાં ગુરુમુખી ભજનો-પદો લખ્યાં છે. આધ્યાત્મિક રસથી ભરપૂર ભજનગાયકીમાં તેઓ ગુજરાતમાં અગ્રણી ગણાય છે. તેમણે ગૌશાળા માટે જીવનભર નિ:શુલ્ક રીતે ભજનો ગાવાની પ્રતિજ્ઞા લીધી છે.

તેમના પુત્ર પ્રશાંત દવે પણ લોકસંગીતના જાણીતા કલાકાર છે.

વર્ષ 2006–07 માટે આ પિતા-પુત્રને ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી સંયુક્ત રીતે સન્માન્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે