દવે, વજુભાઈ જટાશંકર

March, 2016

દવે, વજુભાઈ જટાશંકર (જ. 12 મે 1899, વઢવાણ; અ. 30 માર્ચ 1972, અમદાવાદ) : કેળવણીકાર. વજુભાઈના પિતાનું નામ જટાશંકર. માતા ચંચળબા. પિતાનું એમના જન્મવર્ષમાં જ મૃત્યુ. એમનો ઉછેર એમના નાના કાળિદાસને ત્યાં થયો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણમાં થયું. 1914માં લગ્ન થયું અને 1916માં હળવદની શાળામાં શિક્ષક બન્યા. ચાર વર્ષ બાદ વઢવાણની રાષ્ટ્રીય શાળામાં જોડાયા. ગિજુભાઈ પાસે બાળકેળવણીની તાલીમ લીધી અને 1924માં શારદામંદિરની સ્થાપના થતાં એમાં જોડાયા અને પછી નિવૃત્તિ લગી ત્યાં જ રહ્યા. વચ્ચે સ્વાતંત્ર્ય-લડતમાં ભાગ લઈને જેલવાસ પણ ભોગવ્યો. 1942માં શારદામંદિરના આચાર્ય બન્યા. શિક્ષક અને આચાર્ય તરીકે એમણે શિક્ષણક્ષેત્રે પ્રયોગો કર્યા તો અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને શારદામંદિરનું નામ ગાજતું કર્યું. શાળાનો બહુવિધ વિકાસ થયો તેમાં વજુભાઈનાં નિષ્ઠા અને પરિશ્રમ અગ્રસ્થાને હતાં. એમના હૃદયમાં બાળક સતત રહેતું. એની રુચિને અનુલક્ષીને શિક્ષણકાર્ય કર્યું. તેઓ કળાપારખુ હતા. શાળામાં નાટ્યપ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવામાં માનતા હતા.

વજુભાઈ જટાશંકર દવે

શારદામંદિરનું મકાન તો બનાવ્યું પણ શિક્ષકો માટેની શારદા સોસાયટીના નિર્માણમાં પણ એમનું યોગદાન હતું. શાળાકીય પ્રવૃત્તિઓ સાથે વિદ્યાર્થીઓને સામાજિક-સેવાકીય પ્રવૃત્તિ કરવા પણ પ્રેરણા આપતા રહ્યા. એમની સઘળી પ્રવૃત્તિમાં એમનાં પત્ની રેખાબહેનનો સહયોગ સતત મળતો રહ્યો હતો. ધર્મપરાયણ વજુભાઈએ શારદામંદિરમાં શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીની ભાગવત-પારાયણ બેસાડીને વિદ્યાર્થીઓને ધર્માભિમુખ કરવા પ્રયત્ન કર્યો હતો. 1965માં એમણે શારદામંદિરમાંથી વિદાય લીધી. 1969માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એમનું સન્માન થયું. જે શારદા સોસાયટીનું નિર્માણ એમણે કર્યું હતું ત્યાંના કૉમન પ્લૉટને ‘વજુભાઈ ચોક’ નામ અપાયું. તે એમના પ્રત્યેની લાગણીનું દર્શન કરાવે છે.

1972માં વજુભાઈનું અવસાન થયું. જ્યાં એમણે જીવનનાં ઘણાં વર્ષો ગાળ્યાં એ શારદામંદિરના માર્ગ સાથે એમનું નામ જોડાયું છે. શાળામાં એમનું તૈલચિત્ર મુકાયું છે અને એમની સ્મૃતિ અર્થે ‘આચાર્યશ્રી વજુભાઈ દવે મેમોરિયલ ટ્રસ્ટ’ની સ્થાપના કરાઈ છે. તેમાં એક શિક્ષક પ્રત્યેની માનની લાગણી સમાયેલી છે.

પ્રફુલ્લ રાવલ