દવે, શાંતિ સોમનાથ

March, 2016

દવે, શાંતિ સોમનાથ (જ. 25 સપ્ટેમ્બર 1931, બાદપુરા, ઉત્તર ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ગુજરાતના ચિત્રકાર. મૅટ્રિક થતાં અગાઉ જાહેરાતનાં પાટિયાં તથા બૅનરનાં ચિત્રકામ વડે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ચિત્રકળાનો અનુસ્નાતક ડિપ્લોમા (1956) મેળવ્યો. એ જ સંસ્થામાં અધ્યાપક તરીકે જોડાયા.

1957માં ભારત સરકારની સાંસ્કૃતિક શિષ્યવૃત્તિ મેળવી. એન.એસ. બ્રેન્દ્રે પાસે અભ્યાસ કર્યો. તેમનાં વ્યક્તિગત પ્રદર્શનો મુંબઈ (1957, 59, 62, 66, 68, 70, 72, 74, 79, 84, 87), નવી દિલ્હી (1960, 61, 62, 64, 65, 66, 71, 74, 76, 78, 81, 84, 87), લંડન (1961), સાન ડિયેગો (1961), રોમ (1963), સિડની (1964), ન્યૂ ઑર્લિયન્ઝ (1965), ન્યૂયૉર્ક (1967), દમાસ્કસ (1979), બૅંગકૉક જેવાં સ્થળોએ યોજાયાં. તેમનાં સમૂહ-પ્રદર્શનો પણ બહુધા વિદેશોમાં યોજાયાં છે. તેમાં મનીલા (1957); ‘મૉડર્ન ઇન્ડિયન આર્ટ’ સ્વિટ્ઝર્લૅન્ડ; પશ્ચિમ જર્મની, ઇજિપ્ત અને દક્ષિણ અમેરિકા (1959); ઇન્ટરનેશનલ ગ્રાફિક એક્ઝિબિશન, સ્વિટ્ઝર્લૅન્ડ (1960); પૅરિસ બાયેનિયલ (1961); વેનિસ બાયેનિયલ (1964); ટ્રાવેલિંગ ઇન્ડિયન આર્ટ એક્ઝિબિશન ટુ સાઉથ આફ્રિકા (1965); સાઉ પાઉલો બાયેનિયલ, બ્રાઝિલ (1965); ટોકિયો બાયેનિયલ (1965); ધ કૉમનવેલ્થ ફેસ્ટિવલ એક્ઝિબિશન, લંડન (1965); ઇન્ડિયન કન્ટેમ્પરરી આર્ટ એક્ઝિબિશન, સોફિયા, પ્રાગ, તહેરાન, વૉર્સો તથા દમાસ્કસ (1978–79); એશિયન આર્ટિસ્ટ એક્ઝિબિશન, જાપાન (1979–80); કન્ટેમ્પરરી ઇન્ડિયન આર્ટ, હૉંગકૉંગ; ઇન્ડિયા ફેસ્ટિવલ, ડેલ્ફી તથા ઍથેન્સ (1984) જેવાં પ્રદર્શનો ગણનાપાત્ર છે.

શાંતિ સોમનાથ દવે

1956માં બૉમ્બે આર્ટ સોસાયટીનો કાંસ્ય ચંદ્રક તથા નવલ તાતા પારિતોષિક મેળવ્યા પછી બીજે વર્ષે એ જ સંસ્થાનો રજત ચંદ્રક તથા રાજ્યપાલનું પારિતોષિક તેમજ રાષ્ટ્રીય કલા એકૅડેમીના પુરસ્કાર મેળવ્યાં. એકૅડેમીનો એ જ પુરસ્કાર 1957માં બીજી વાર તથા 1958માં ત્રીજી વાર તેમજ મુંબઈ, કૉલકાતાનાં કલાપ્રદર્શનોમાં પારિતોષિકો મેળવ્યા પછી 27 વર્ષની વયે તેમણે એવાં તમામ રાષ્ટ્રીય કલાપ્રદર્શનમાં ભાગ લેવાનું મુલતવી રાખ્યું (1959). 1964માં ‘ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ’ દૈનિકે પ્રથમ પાને જ તેમનું ભીંતચિત્ર પ્રગટ કર્યું. 1965માં જાપાનનો મૅનિકી પુરસ્કાર મળ્યો. અમેરિકાની આઈ.ટી.ટી. સંસ્થાએ ‘ટાઇમ’, ‘લાઇફ’ તથા ‘ન્યૂઝવીક’ સામયિકોની જાહેરાતોમાં તેમનાં ચિત્રોનો ઉપયોગ કર્યો (1970). રાષ્ટ્રીય લલિત કલા અકાદમીની નવરચના અંગે તેમના સભ્યપદે રચાયેલી સમિતિની મોટા ભાગની ભલામણો સરકારે સ્વીકારી (1971). 1975માં ભારતના ત્રિવાર્ષિક પ્રદર્શનમાં સુવર્ણચન્દ્રક મેળવ્યો તથા રાષ્ટ્રીય લલિત કલા એકૅડેમીના કાર્યવાહક બોર્ડના સભ્ય નિમાયા. આ ઉપરાંત અનેક રાજ્યોનાં કલાપ્રદર્શનો તથા ‘શંકર્સ વીકલી’ માટે નિર્ણાયક તરીકે કામગીરી બજાવી. 1985માં તેમને ‘પદ્મશ્રી’નું બહુમાન સાંપડ્યું અને 1986માં નવી દિલ્હીની લલિત કલા પરિષદે લલિત કલા ક્ષેત્રે તેમના આજીવન યોગદાન બદલ સન્માન કર્યું.

તેમનાં કેટલાંક જાહેર ભીંતચિત્રોમાં સંસદ ભવન તથા મુંબઈ, નવી દિલ્હી, ફ્રૅન્કફર્ટ, ન્યૂયૉર્ક, લૉસ ઍન્જિલીઝ, સિડની અને પર્થની ભારતીય એમ્બેસીની કચેરીઓ તથા ન્યૂ યૉર્કના જૉન એફ. કૅનેડી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ખાતે ઍર ઇન્ડિયા માટેનાં મ્યૂરલ, નવી દિલ્હીની ઑબેરોય ઇન્ટરકૉન્ટિનેન્ટલ, મૉન્ટ્રિયલ ખાતેના એક્સ્પો–67માં ભારતીય પૅવિલિયન અને ગાંધી શતાબ્દી ઉજવણી, નવી દિલ્હી માટેનાં મ્યૂરલ નોંધપાત્ર છે.

રમેશભાઈ પરમાર