દવે, રવીન્દ્રભાઈ હરગોવિંદદાસ

March, 2016

દવે, રવીન્દ્રભાઈ હરગોવિંદદાસ (જ. 6 જાન્યુઆરી 1929, વીરમગામ) : વિશ્વમાન્ય શિક્ષણવિદ અને શિક્ષણજગતના ઘણા ઉચ્ચ હોદ્દાઓ ભોગવી ચૂકેલા સન્નિષ્ઠ કેળવણીકાર. વતન ગામ પીંપળ, જિ. પાટણ. માતા મંગળાબહેન, પિતા હરગોવિંદદાસ. 1954માં વિમળાબહેન સાથે લગ્ન થયાં. પ્રાથમિક માધ્યમિક, સ્નાતક (બી.એસસી. ઑનર્સ) તથા એમ. એડ. સુધીનું શિક્ષણ અમદાવાદમાં લીધું. પ્રોફેસર બૅન્જામિન બ્લૂમની રાહબરી નીચે યુ.એસ. શિકાગો યુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી. સતત પચાસ વર્ષ સુધી આચાર્ય, અધ્યાપક, પ્રોફેસર, ડીન, તજ્જ્ઞ, ડિરેક્ટર તેમજ માનાર્હ સલાહકાર રહી શિક્ષણજગતની ઉમદા અને અનન્ય સેવા કરી છે.

તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી અને તે પછી એન.સી.ઇ.આર.ટી. ન્યૂ દિલ્હીમાં દસ વર્ષ પ્રોફેસર, ડીન અને અધ્યક્ષ તરીકે; જાપાનમાં ત્રણ વર્ષ એશિયન એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ડિરેક્ટર તરીકે; પૅરિસમાં ચાર વર્ષ યુનેસ્કોના સિનિયર સ્પેશિયાલિસ્ટ તરીકે; હેમ્બર્ગ, જર્મનીમાં ચૌદ વર્ષ ડિરેક્ટર તરીકે; ‘ચાઇલ્ડ-ટુ-ચાઇલ્ડ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ’ – લંડનના માનાર્હ સલાહકાર તરીકે; ‘યુનાઇટેડ નૅશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ – ન્યૂયૉર્ક; વર્લ્ડ બૅંક, વૉશિંગ્ટન, અમેરિકા, યુનેસ્કો, પૅરિસ, ફ્રાન્સના તેમજ યુનિસેફના માનાર્હ સલાહકાર તરીકે; ‘ઑલ ઇન્ડિયા કમિટી ઑન ક્વૉલિટેટિવ રિફૉર્મ ઑવ્ પ્રાઇમરી એજ્યુકેશન’ના ચૅરમૅન તરીકે; ‘ફેડરેશન ઑવ્ સેકન્ડરી ઍન્ડ હાયર સેક્ધડરી સ્કૂલ કાઉન્સિલ’ના મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર તરીકે; ‘એન.સી.ઇ.આર.ટી.’ના માનાર્હ સલાહકાર તરીકે અને બીજી કેટલીય શૈક્ષણિક સમિતિઓ દ્વારા આજે પણ તેઓ કાર્યરત છે.

વળી ઇમ્પ્રૂવમેન્ટ ઑવ્ સેકન્ડરી, યુનિવર્સિટી ઍન્ડ વૉકેશનલ એજ્યુકેશન’ની ભારત સરકારની સબ-કમિટીના ચૅરમૅન સ્વરૂપે તેમજ ભારત સરકારના ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનિઝેશન’(ઇસરો)ના દેશવ્યાપી સૌને ઉપયોગી રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યક્રમને કાર્યાન્વિત કરવામાં સલાહકાર તરીકે રવીન્દ્રભાઈનો સહયોગ સાંપડી રહ્યો છે.

ફ્રેન્ચ, જર્મન, સ્પૅનિશ, ઍરબિક, રશિયન, ચાઇનીઝ, હંગેરિયન વગેરે વિશ્વની ઘણી ભાષાઓમાં તેમનાં શૈક્ષણિક પુસ્તકોના અનુવાદ થયા છે. પાંત્રીસથી વધુ તેમનાં શૈક્ષણિક પુસ્તકો વિવિધ દેશોમાંથી પ્રગટ થયેલાં છે. સુવિકસિત તેમજ વિકાસશીલ અન્ય દેશોની સેંકડો યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તકો તેમજ સંદર્ભ ગ્રંથો તરીકે રવીન્દ્રભાઈનાં પુસ્તકો ઉપયોગમાં લેવાય છે. તે પૈકી ‘ફાઉન્ડેશન્સ ઑવ્ લાઇફલૉન્ગ એજ્યુકેશન’ (ત્રણ ગ્રંથમાં), ‘લાઇફલૉન્ગ એજ્યુકેશન ઍન્ડ સ્કૂલ કરિક્યુલમ’ (ત્રણ મૉનોગ્રાફ), ‘લર્નિંગ સ્ટ્રેટેઝિઝ ફૉર પોસ્ટલિટરસી ઍન્ડ કન્ટિન્યૂઇંગ એજ્યુકેશન’ના છ ગ્રંથો ત્રણ ભાષાઓમાં પ્રગટ થયેલા છે.

જર્મનીમાંથી પ્રગટ થતા, વૈશ્ર્વિક ફેલાવો ધરાવતા ‘ઇન્ટરનેશનલ રિવ્યૂ ઑવ્ એજ્યુકેશન’ના ઇન્ટરનેશનલ ઍડિટૉરિયલ કમિટીના દસ વર્ષ સુધી તેઓ ચૅરમૅન રહ્યા હતા. યુનોના સભ્ય દેશોમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપવાના કાર્યક્રમોમાં હાજર રહી તેઓ માનદ સેવાઓ આપે છે.

‘ફ્રૉમ અવેરનેસ-ટુ-ઍકશન’ વૈશ્ર્વિક સાક્ષરતાની ભાવિ યોજના માટેનું રવીન્દ્રભાઈનું પુસ્તક તાજેતરમાં પ્રગટ થયું છે. તેણે વિશ્વના વિચારશીલ કેળવણીકારોનું ધ્યાન ખેંચ્યું છે. શિક્ષણજગતના મહત્વના પ્રશ્નો પરની તેમની પચાસ જેટલી ‘વીડિયો’ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.

1958થી રવીન્દ્રભાઈની આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક કારકિર્દી આરંભાઈ. તે દરમિયાન અમેરિકા, ઇંગ્લૅન્ડ, સ્વીડન અને જાપાનમાં શૈક્ષણિક કામગીરી બજાવ્યા બાદ 1971થી 1990 સુધીનાં વીસ વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુનેસ્કો – સંચાલિત સર્વોત્તમ સંસ્થા ‘યુનેસ્કો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એજ્યુકેશન’ હેમ્બર્ગ, જર્મનીમાં ડિરેક્ટર તરીકે સફળ કામગીરી બજાવી શૈક્ષણિક ક્ષેત્રે ભારતનું નામ ઉજ્જ્વળ કર્યું છે. 1990માં નિવૃત્ત થયા પછી પણ જર્મનીમાં રહીને આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય શિક્ષણક્ષેત્રે તેમનું પ્રદાન ચાલુ છે.

શૈક્ષણિક હેતુઓ માટે સતત મુસાફરી કરતા રહેવા છતાં સતત શૈક્ષણિક ચિંતનમાંથી પાંત્રીસ જેટલાં કેળવણીને લગતાં વિશ્વમાન્ય ઉત્તમ પુસ્તકોના કર્તૃત્વનો ભાર ક્યારેય તેમને લક્ષ્યચ્યુત કરી શક્યો નથી. શિક્ષણજગતના આટલાં ઉચ્ચ હોદ્દાઓ અને સ્થાનો પર સફળ કામગીરી બજાવ્યા છતાં તેમના જીવનવ્યવહારમાં જે સરળતા, નિખાલસતા, સાદાઈ અને પારદર્શક સચ્ચાઈ જોવા-અનુભવવા મળે છે તે પ્રશંસનીય છે.

ધર્મ અને ફરજ પ્રત્યેની ઊંડી સૂઝ, અનેક ધર્મોનો તુલનાત્મક અભ્યાસ અને તેમાંથી ફલિત થતી સનાતન ધર્મ માટેની તેમની અવિચળ શ્રદ્ધા ખૂબ જ માન પ્રેરે તેવી છે. સાચા અર્થમાં વિશ્વમાનવ રવીન્દ્રભાઈ અર્વાચીન ઋષિ છે. આજે પંચાશી વર્ષે પણ યુવાનને છાજે તેવું સંનિષ્ઠ કામ તેઓ કરે છે.

શંકરલાલ વ્યાસ