દવે, રવીન્દ્ર (જ. 16 એપ્રિલ 1919, કરાંચી; અ. 21 જુલાઈ 1992, મુંબઈ) : ગુજરાતી અને હિંદી ચલચિત્રોના પટકથાલેખક તથા દિગ્દર્શક. દલસુખ પંચોલીના વિશાળ ચિત્રસંકુલમાં છબીઘરના સંચાલક તરીકે જોડાયા. શૌકતહુસેન પાસે ચિત્રસંકલન શીખ્યા. 1941 સુધી પટકથાલેખન કર્યું. પ્રારંભે પંચોલીએ તેમનાં ચિત્રો ઉતાર્યાં. પચાસના દસકાનાં ચિત્રો પોલીસ ફાઈલનાં કથાનકો જેવાં હતાં; દા. ત., મોતીમહલ, સી.આઈ.ડી. ગર્લ, ગેસ્ટહાઉસ. અંગ્રેજી ‘કૉલ નૉર્થ સાઇડ 777’ (1947) ઉપરથી ‘પોસ્ટ બૉક્સ 999’ બનાવ્યું. 1971માં ગુજરાતી ચલચિત્રક્ષેત્રે પદાર્પણ કર્યું. પહેલું જ ચલચિત્ર ‘જેસલતોરલ’ સફળ થયું. ત્યારથી ગુજરાતીમાં આ પ્રકારનાં ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું. વચ્ચે 1969માં મોહન સહેગલના ‘સાજન’ની પટકથા લખી. તેમનાં મુખ્ય ચલચિત્રો છે : પૂંજી (1943), ચૂનરિયા (1948), સાવનભાદો (1949), મીનાબાજાર (1950), નગીના (1951), પોસ્ટ બૉક્સ 999 (1958), ગેસ્ટ હાઉસ (1958), સટ્ટાબજાર (1958), પુનર્મિલન (1964), જેસલતોરલ (1971), રાજા ભર્તૃહરિ (1973), કુંવરબાઈનું મામેરું (1974), શેતલને કાંઠે (1975), માલવપતિ મુંજ (1976), સોન કંસારી (1977), કોઈનો લાડકવાયો (1980), પાલવડે બાંધી પ્રીત (1983) વગેરે.

બંસીધર શુક્લ