દર્શનસાર (ઈ. સ. 853) : જૈનાભાસો વિશે ચર્ચા કરતો પ્રાકૃતમાં લખાયેલો ગ્રંથ. એમાંની એકાવન ગાથામાં મુખ્યત્વે મિથ્યા મતોનું અને જૈનાભાસોનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. તેના સંગ્રહકર્તા દિગંબરાચાર્ય દેવસેનસૂરિ છે. અંતિમ પ્રશસ્તિગાથાઓના આધારે કૃતિની રચના 853માં થયેલી નિર્ણીત છે.

આ ગ્રંથમાં વિવિધ દસ મતોની ઉત્પત્તિ દર્શાવવામાં આવી છે, જેમાં બૌદ્ધ, શ્વેતાંબર જૈન, બ્રાહ્મણ મત, વૈનયિક મત, મંખલિપૂરણ મત, દ્રાવિડ સંઘ, પાપનીય સંઘ, કાષ્ઠા સંઘ, માથુર સંઘ અને ભિલ્લક સંઘનો સમાવેશ થાય છે. આમાંથી પહેલા પાંચને ક્રમાનુસાર એકાન્ત, સંશય, વિપરીત, વિનયજ અને અજ્ઞાન – એ પાંચ મિથ્યાત્વની અંતર્ગત બતાવ્યા છે. પ્રારંભમાં મંગલવંદના કરી તરત જ વિષયસ્થાપન કરવામાં આવ્યું છે. ભગવાન ઋષભદેવના મહામોહી અને મિથ્યાત્વી પૌત્ર મરીચિને તમામ મિથ્યામતપ્રવર્તકોમાં મુખ્ય ગણવામાં આવ્યા છે. તેમણે એક વિચિત્ર મતની સ્થાપના કરી હતી. તેમના મત પ્રમાણે બૌદ્ધ ધર્મની સ્થાપના બુદ્ધિકીર્તિ મુનિએ કરી હતી કે જેઓ પહેલાં પાર્શ્વનાથની પરંપરાના પિહિતાસ્રવ નામના ગુરુના શિષ્ય હતા. તેઓ એકાંત મતના પ્રવર્તક હતા. ‘માંસમાં જીવ નથી અને તેના ભક્ષણમાં દોષ નથી’, ‘એક પાપ કરે અને અન્ય તેનું ફળ ભોગવે’ વગેરે સિદ્ધાંતોની તેમણે કલ્પના કરી હતી.

શ્વેતાંબર મતની ઉત્પત્તિ દર્શાવતાં કર્તા જણાવે છે કે ઈ. સ. 80માં ભદ્રબાહુના શિષ્ય શાંતિ આચાર્યના દુષ્ટ, શિથિલાચારી શિષ્ય જિનચંદ્રે શ્વેતાંબર મત સ્થાપ્યો હતો. તેઓના મતાનુસાર સ્ત્રીમુક્તિ અને કેવલભુક્તિ યથાર્થ છે. તીર્થંકર મુનિ સુવ્રતસ્વામીના સમયમાં સમ્યગર્દષ્ટિ ક્ષીરકદમ્બ નામના ઉપાધ્યાયના બે શિષ્યો હતા : પર્વત નામનો તેમનો જ પુત્ર અને રાજા વસુ, જેમણે જીવદયા નષ્ટ કરી હતી.

વિનય કરવાથી મુક્તિ મળે છે એવો વૈનયિક મત મૂર્ખાઓએ શરૂ કર્યો હતો, જે બધા તીર્થંકરોના સમયમાં પ્રવર્તતો હતો. ભગવાન મહાવીરના સમયમાં પાર્શ્વનાથના સંઘના કોઈક ગણિનો મસ્કરીપૂરણ નામનો શિષ્ય હતો, જેણે અજ્ઞાનથી મોક્ષ મળે છે, મુક્ત જીવોને જ્ઞાન નથી હોતું અને જીવોનું પુનરાગમન કે ભ્રમણ નથી એવો પોતાનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. અહીં તેને અજ્ઞાનમત તરીકે ઓળખાવાયો છે, પરંતુ બૌદ્ધ અને જૈન સાહિત્યમાં સ્પષ્ટ રીતે મસ્કરી (મંખલિ-ગોશાલ) અને પૂરન (પૂરણ કશ્યપ) અલગ હતા તેવાં પ્રમાણો મળે છે.

તે પછી જૈન ધર્મના ચાર સંઘની ઉત્પત્તિ અને તેના સિદ્ધાંતની વાત કરવામાં આવી છે.  દ્રાવિડ સંઘની સ્થાપના દેવનંદિ આચાર્યના શિષ્ય વજ્રનંદિએ ઈ. સ. 470માં મથુરાનગરીમાં કરી હતી. યાપનીય સંઘની સ્થાપના શ્રીકલશ નામના શ્વેતાંબર સાધુએ ઈ. સ. 649માં કરી હતી. કુમારસેને કાષ્ઠા સંઘનું પ્રવર્તન ઈ. સ. 697માં નંદીતટ ગ્રામમાં કર્યું હતું. ઈ. સ. 897માં માથુર સંઘની  સ્થાપના રામસેન ગુરુએ કરી. અંતમાં ભવિષ્યવાણી કરતાં લેખક જણાવે છે કે વિ. સં. 1800 વીત્યા પછી શ્રવણબેળગુડા પાસેના એક ગામમાં વીરચન્દ્રમુનિ ભિલ્લક નામનો સંઘ સ્થાપશે, પરંતુ ભિલ્લક સંઘનો કોઈ પણ ઉલ્લેખ અન્ય ક્યાંય મળતો નથી માટે તે કેવળ કલ્પના જણાય છે.

આ કૃતિમાં દર્શાવેલ મિથ્યા મતો કાલક્રમાનુસાર પ્રયોજાયા નથી.

સલોની નટવરલાલ જોશી