દર્શન અને ચિંતન, પુસ્તક 1–2

March, 2016

દર્શન અને ચિંતન, પુસ્તક 1–2 (1957) : સંસ્કૃત–પ્રાકૃત અને ભારતીય દર્શનોના પ્રકાંડ વિદ્વાન તેમજ સ્વતંત્ર ચિંતક પંડિત સુખલાલજીનાં ગુજરાતી લખાણોનો સંગ્રહ. તેના સંપાદકો, દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ) છે. તે સંગ્રહના સાત વિભાગો પૈકી સમાજ અને ધર્મ વિભાગના ધર્મવિષયક લેખોમાં વ્યાપક ધર્મભાવના, ધર્મનું હાર્દ, ધર્મનાં બાહ્ય અને આંતર રૂપો, ધર્મમાં પ્રવૃત્તિ-નિવૃત્તિનું સ્થાન, ધર્મ અને પંથનો ભેદ, ધર્મોનો સમન્વય, ધર્મર્દષ્ટિનું ઊર્ધ્વીકરણ, ધાર્મિક શિક્ષણ વગેરેની પ્રેરક ચર્ચાવિચારણા છે. આમાં ડૉ. રાધાકૃષ્ણનના ‘ધર્મોનું મિલન’ ગ્રંથની અને કિ. ઘ. મશરૂવાળાના ‘સંસાર અને ધર્મ’ ગ્રંથની ભૂમિકાઓનો સમાવેશ છે. સમાજલક્ષી લેખોમાં પણ વિવિધ સમસ્યાઓની તલસ્પર્શી વિચારણા છે. તેમાં વિદ્યાર્થીનાં, યુવકોનાં, ગૃહિણીનાં, સામાન્ય નાગરિકનાં, લોકસેવકનાં કર્તવ્યોની રોચક ચર્ચા છે. લોકતંત્ર, સત્તાબળ અને રાષ્ટ્રીય સદાચાર અંગે પણ વિસ્તૃત આલોચના છે. આ વિભાગમાં મૉન્ટેસોરી શિક્ષણપદ્ધતિ વિશે પણ લેખ છે. જૈન ધર્મ અને દર્શન વિભાગમાં તપ, પરિષહ, અહિંસા, પર્યુષણ, ધર્મપર્વ, જ્ઞાનપર્વ, બ્રહ્મચર્ય, કલ્પસૂત્ર, અસ્પૃશ્યો અને જૈનસંસ્કૃતિ, ભગવાન મહાવીર વગેરે વિષયોને આવરી લેતા લેખો છે. ત્રીજા પરિશીલન વિભાગમાં કેટલાક મહત્વના ગ્રંથોની સમીક્ષા કે ભૂમિકા છે. આ ગ્રંથો છે : ધર્માનંદ કોસંબીજીકૃત ‘હિન્દી સંસ્કૃતિ અને અહિંસા’, દર્શકકૃત, ‘આપણો વારસો અને વૈભવ’, વાસુદેવશરણ અગ્રવાલકૃત ‘હર્ષચરિત : એક સાંસ્કૃતિક અધ્યયન’, શ્રીમદ્ રાજચંદ્રકૃત ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’, નાનાભાઈ ભટ્ટની આત્મકથા ‘ઘડતર અને ચણતર’, ધીરુભાઈ ઠાકરકૃત ‘મણિલાલ નભુભાઈ: સાહિત્યસાધના’. ઉપરાંત, કેટલાંક મહત્વનાં અધ્યયનો અને સંશોધન-લેખો પણ તેમાં સમાવેશ પામ્યાં છે. ચોથા દાર્શનિક ચિંતન વિભાગમાં ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ, તેમની કાળસંબંધી માન્યતા, પ્રામાણ્ય સ્વત: કે પરત:, જૈન તત્વજ્ઞાન, સપ્તભંગી, જૈન ન્યાયનો ક્રમિક વિકાસ જેવા ગહન દાર્શનિક વિષયોનું પ્રમાણભૂત નિરૂપણ છે. પાંચમા અર્ઘ્ય વિભાગમાં મોટેભાગે ગાંધીજી, વિનોબા, ક્રાન્તપ્રજ્ઞ કિ. ઘ. મશરૂવાળા, આનંદશંકર ધ્રુવ, કોસંબીજી, દાદાસાહેબ માવળંકર, ઝવેરચંદ મેઘાણી, કવિ કાન્ત, આચાર્ય નરેન્દ્રદેવ, હેલન કેલર જેવી વિશિષ્ટ વ્યક્તિઓનાં સંભારણાં રજૂ થયાં છે. પ્રવાસવર્ણન અને આત્મનિવેદન બે બહુ જ નાના વિભાગો છે જેમાં અનુક્રમે પાંચ અને સાત લેખો છે.

‘દર્શન અને ચિંતન’માં પંડિતજીનું બહુશ્રુતપણું, વ્યાપક અને સમન્વયલક્ષી વલણ, ઐતિહાસિક અને સંશોધનાત્મક ર્દષ્ટિ, સમતોલ-સ્પષ્ટ નિર્ણયશક્તિ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્યબુદ્ધિ, સંવેદનશીલતા અને અસંદિગ્ધ-સચોટ અભિવ્યક્તિ પ્રગટ થાય છે.

નગીનભાઈ જીવણલાલ શાહ