દરવેશ : બંગાળમાં થઈ ગયેલા ચૈતન્ય સંપ્રદાયનો એક પેટાસંપ્રદાય. ચૈતન્યની ભક્તિ રસરૂપા હતી, જે શ્રીકૃષ્ણની આસપાસ વિસ્તરેલી છે. સનાતન ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને મળવા મુસ્લિમ ફકીરનો વેશ લઈને નીકળ્યા, તે સમયે તેમના જે અનુયાયીઓ હતા તેમાંથી આ પંથ નીકળ્યો એવી અનુશ્રુતિ છે. આ પંથના સિદ્ધાન્તોમાં ઇસ્લામની અસર સ્પષ્ટ દેખાય છે. તેઓ વર્ણપ્રથા કે મૂર્તિપૂજામાં માનતા નથી. તેમનો પહેરવેશ અને રહેણીકરણી બંગાળના બાઉલ સંતોને મળતી આવે છે. બાઉલ એટલે પ્રભુપ્રેમમાં ઘેલા બનેલા. બાઉલો પણ ચૈતન્ય મહાપ્રભુને પોતાના સંપ્રદાયના આદ્યસ્થાપક માને છે. ચૈતન્ય બંગાળમાં પંદરમા સૈકામાં થઈ ગયા એટલે દરવેશ પેટાપંથનો સમય પણ પંદરમા સૈકાનો ગણાવી શકાય. દરવેશ સંપ્રદાયના ફકીરો દીન દરવેશ તરીકે ઓળખાતા હતા. દીન દરવેશના ઉપદેશની અસર ગુજરાતમાં પણ થયેલી જોવા મળે છે. ગુજરાતના લોકનાટ્ય ભવાઈ વેશોમાં દીન દરવેશના રેખતા અને દુહાઓ જોવા મળે છે.
વળી દીન દરવેશના ઉપદેશમાં રહસ્યવાદી સંત કબીરના વિચારોની સ્પષ્ટ છાપ જોવા મળે છે. આમ દરવેશ પંથમાં કૃષ્ણભક્તિ, સૂફી મત અને કબીરની નિર્ગુણ પરંપરાનું મિશ્રણ કોઈને દેખાય તો નવાઈ નહિ.
ચીનુભાઈ નાયક