દયાબાઈ (18મી સદી) : સંત કવયિત્રી. દિલ્હીના સંત ચરણદાસની શિષ્યા અને સંત સહજોબાઈની ગુરુભગિની. જન્મ મેવાત(રાજસ્થાન)ના ડેહરા ગામમાં થયો હતો અને ગુરુ સાથે દિલ્હી જઈ ત્યાં સંતજીવન વ્યતીત કરવા લાગ્યાં. ‘દયાબોધ’ (રચના 1761) અને ‘વિનયમાલિકા’ એમની મુખ્ય હિંદી રચનાઓ છે. આ રચનાઓમાં ‘દયા’, ‘દયાકુંવર’ તો ક્યાંક ‘દયાદાસ’ નામ-છાપ પણ મળે છે. એમની વાણી સહજોબાઈ અને અન્ય સંતોની વાણીને મળતી આવે છે. તેઓ પરમતત્વને ‘અજર’, ‘અમર’, ‘અવિગત’, ‘અવિનાશી’, ‘અભય’, ‘અલખ’ અને ‘આનંદમય’ છે એમ કહીને માળાના મણકાની જેમ એકસૂત્રમાં સમગ્ર જડ-ચેતનમાં વ્યાપી રહેલું હોવાનું કહે છે. ‘વિનયમાલિકા’માં તેમની ભક્તિ દૈન્યભાવથી પરિપૂર્ણ હોઈને અન્ય સગુણ કવિઓની મનોભૂમિને સ્પર્શ કરે છે. એમને કાવ્યાત્મક અભિવ્યક્તિ સહજ, સરળ અને પ્રવાહી છે.
પ્રવીણચંદ્ર પરીખ