દયાનંદ સ્વામી (જ. 1789, રેથળ, તા. સાણંદ; અ. 1866, વિસનગર) : સ્વામિનારાયણ સંપ્રદાયના – મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને દયાનંદ સ્વામી – અષ્ટ સંતકવિઓ પૈકીના એક. પૂર્વાશ્રમનું નામ લાલજી. પિતા સુંદરજી. માતા અમૃતબાઈ. જ્ઞાતિ લોહાણા. 21 વર્ષના લાલજીને ભગવાન સ્વામિનારાયણે મહાદીક્ષા આપી ‘ઉત્તમાનંદ’ નામ આપ્યું. પછીથી કાવ્યાનુકૂળ ‘દયાનંદ’ નામ આપેલું. તેઓ નિત્યાનંદ સ્વામી પાસે સંસ્કૃત ભણ્યા, અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોના સંગે ઉત્તમ કવિ બન્યા. તેઓ વાદમાં  શાસ્ત્રાર્થમાં પણ કુશળ હતા.

દયાનંદ સ્વામી

તેમણે રચેલો ‘રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે’ ટેકવાળો સાંજનો થાળ આજે પણ હરિભક્તોના ઘેર ઘેર અને સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરોમાં નિત્ય ગવાય છે. તેમણે બે ગ્રંથોની રચના કરી છે : 1. ‘હરિચરિત્રચિંતામણિ’ – આ ગ્રંથમાં દયાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનાં પ્રાગટ્યથી અંતર્ધાન સુધીનાં દિવ્ય ચરિત્રો વર્ણવ્યાં છે. આ ગ્રંથમાં 204 કડવાં, 51 પદ અને 1650 ચરણ છે. 2. ‘પ્રશ્નોત્તરપ્રદીપિકા’ – સંસ્કૃતમાં રચાયેલા આ ગ્રંથમાં ગુરુશિષ્યના સંવાદમાં સુંદર આધ્યાત્મિક વિમર્શ પ્રાપ્ત થાય છે.

સાધુ રસિકવિહારીદાસ