દયારામ (જ. 16 ઑગસ્ટ 1777, ચાણોદ; અ. 28 ફેબ્રુઆરી 1853, ડભોઈ) : મધ્યકાલીન ગુજરાતના ભક્ત-કવિ. જ્ઞાતિએ સાઠોદરા નાગર, પિતા પ્રભુરામ ભટ્ટ અને માતા રાજકોર. નાની વયમાં જ માતાનું અવસાન થવાથી વતન ચાણોદમાં કાકાની પુત્રી પાસે અને પછી મોસાળ ડભોઈમાં માસી પાસે ઉછેર થયો. જ્ઞાતિધર્મની રીતે ઇષ્ટદેવ હાટકેશ્વર, પણ પિતાના સમયથી કુલધર્મ વૈષ્ણવ પુષ્ટિમાર્ગ. બાળપણમાં સગપણ થયેલું, પરંતુ લગ્ન ન કરતાં સમગ્ર જીવન પુષ્ટિમાર્ગીય મરજાદી વૈષ્ણવ તરીકે વિતાવ્યું.

નાનપણમાં ડાકોરના પુષ્ટિમાર્ગીય વિદ્વાન ઇચ્છારામ ભટ્ટનો સંપર્ક ડભોઈ અને ચાણોદ વચ્ચે આવેલા તેન તળાવ પર થયો. દયારામનાં જોડકણાં સાંભળીને ભટ્ટજીએ આશીર્વાદ આપ્યા અને તેમની પ્રેરણાથી યાત્રાએ નીકળ્યા. 1803–04માં નાથદ્વારામાં આવેલા વનમાળીજીના મંદિરવાળા ગો. શ્રી વલ્લભજી મહારાજ પાસે બ્રહ્મસંબંધ લીધો અને ત્રણ વાર ભારતયાત્રા તથા સાત વાર શ્રીનાથજીની યાત્રા કરી.

ઇચ્છારામ ભટ્ટજીના સતત સંપર્કને લીધે પુષ્ટિભક્તિ ર્દઢ બનેલી અને શુદ્ધાદ્વૈત વેદાંતના સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવાનો સબળ યોગ મળ્યો. દયારામનું ઔપચારિક શિક્ષણ વધુ ન હોવા છતાં તેમણે ભાગવત, ગીતા ઉપરાંત સાંપ્રદાયિક સાહિત્ય તથા ભક્તિસાહિત્યનો પરિચય મેળવ્યો હશે એવી ધારણા એમના સાહિત્ય પરથી કરી શકાય.

દયારામને મન કવિતા તો સાધન છે જ્યારે સાધ્ય તો શ્રીકૃષ્ણભક્તિ છે. શુદ્ધાદ્વૈતના ભક્તિસિદ્ધાન્તનું નિરૂપણ અને માયાવાદનું ખંડન કરીને પુષ્ટિભક્તિનો મહિમા ગાતો ‘રસિકવલ્લભ’ (1828) ગ્રંથ સૌથી વધુ નોંધપાત્ર છે. પદ નામે ઓળખાવાયેલાં 109 કડવાંમાં ગુરુ-શિષ્ય-સંવાદ દ્વારા કવિએ પોતાનો સાંપ્રદાયિક તત્વવિચાર રજૂ કર્યો છે. આ ઉત્તમ કૃતિમાં બ્રહ્મ સત્ય છે તો જગત પણ સત્ય છે અને બ્રહ્મ સાથે જીવનો સંબંધ અંશી-અંશનો છે એમ કહી જ્ઞાનથી ભક્તિ શ્રેષ્ઠ અને દસ પ્રકારની ભક્તિમાં પણ પ્રેમભક્તિ જ ચડે એવું પ્રતિપાદન કર્યું છે. ‘પુષ્ટિપથરહસ્ય’માં દયારામે વલ્લભાચાર્ય અને તેમના કુળની સેવાપૂજાનો મહિમા ગાયો છે. ‘ભક્તિપોષણ’માં શ્રીકૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિનું નિરૂપણ છે. ‘પ્રબોધબાવની’ (1814) રસપ્રદ લોકોક્તિઓ સાથે ભક્તિ અને વૈરાગ્યનો સચોટ બોધ આપે છે.

1830–34ના ગાળામાં દયારામે ભારતની ત્રીજી વખતની યાત્રા કરેલી. દરમિયાન નાનાંમોટાં આખ્યાનો રચેલાં. પદો-ગરબા-ગરબીની રચનાઓ તો સતત ચાલુ હતી. સિદ્ધાન્તગ્રંથો એમણે ઉત્તરવયમાં લખેલા. પ્રવાસના વિવિધ સંપર્કથી કેટલીક કૃતિઓ સંસ્કૃત, વ્રજ, મરાઠી, પંજાબી, ઉર્દૂ, મારવાડી, બિહારી અને સિંધીમાં પણ લખેલી છે. ‘રસિકરંજન’ અને ‘ભક્તિવિધાન’ વ્રજભાષામાં અનુક્રમે ‘રસિકવલ્લભ’ અને ‘ભક્તિ-પોષણ’ના અનુવાદ જેવી કૃતિઓ છે. ભાગવતના આધારે ‘રુક્મિણીવિવાહ’, ‘સત્યભામાવિવાહ’, ‘અજામિલ આખ્યાન’ જેવી રચનાઓ ભગવદગુણાનુવાદની છે; પરંતુ કવિને તેમાં આખ્યાન-સ્વરૂપની ફાવટ નથી. વ્રજભાષામાં આ જ પ્રકારનું, ભાગવતનો 131 પદમાં સ્કંધવાર સાર આપતું કાવ્ય ‘ભાગવતાનુક્રમણિકા’ તેમણે લખ્યું છે.

દયારામ

દયારામનું સાહિત્યસર્જન વિપુલ છે. પોણોસોથી વધુ કૃતિઓ અને સેંકડો પદોમાં તેમણે ભક્તિનો મહિમા ગાયો છે. ‘શ્રીકૃષ્ણનામ-માહાત્મ્ય મંજરી’ જેવી ગુજરાતી અને ‘શ્રીકૃષ્ણસ્તવનચંદ્રિકા’ તથા ‘નામપ્રભાવ-બત્રીશી’ જેવી વ્રજભાષાની રચનાઓમાં ભગવાનના નામનો મહિમા ગાયો છે. સંપ્રદાયના ભક્તોનું નામ-સંકીર્તન કરતી કૃતિઓમાં ‘ભક્તવેલ’ અને ‘ચોરાશી વૈષ્ણવનાં ધોળ’ – એ બે ગુજરાતી અને વ્રજભાષામાં ‘પુષ્ટિભક્તરૂપમાલિકા’ જેવી રચનાઓ મળે છે. ભક્તોની સંક્ષિપ્ત કથા સાથે તેમનાં લક્ષણો વર્ણવતી રચના ‘શ્રીહરિભક્તિચંદ્રિકા’, અભક્ત બ્રાહ્મણ કરતાં વૈષ્ણવ ચાંડાલ ચડે એવું પ્રતિપાદન કરતું સંવાદકાવ્ય ‘બ્રાહ્મણભક્ત વિવાદ’, ‘મીરાંચરિત્ર’, ‘કુંવરબાઈનું મામેરું’ વગેરે રચનાઓ ભક્તિનું ગૌરવ કરે છે. ‘શ્રીકૃષ્ણજન્મખંડ’, ‘સારાવલિ’, ‘બાળલીલા’, ‘પત્રલીલા’, ‘કમળલીલા’, ‘રાસલીલા’, ‘રૂપલીલા’, ‘મુરલીલીલા’, ‘દાણચાતુરી’ વગેરે કૃષ્ણવિષયક કાવ્યોમાં દયારામની રસિકતા અને કલ્પના જોવા મળે છે. ‘રાધાજીનો વિવાહખેલ’, ‘રાધિકાનાં વખાણ’ અને ‘રાધિકાનું સ્વપ્ન’ રાધાવિષયક કાવ્યો છે. ભાગવતના ‘ઉદ્ધવસંદેશ’ અને ‘ઉદ્ધવગોપીસંવાદ’ના વસ્તુને નિરૂપતી ‘પ્રેમરસ-ગીતા’ અને ‘પ્રેમપરીક્ષા’ પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા કરતી રચનાઓ કાવ્યત્વની ર્દષ્ટિએ મહત્વની છે. ‘હનુમાન-ગરુડસંવાદ’માં રામ અને કૃષ્ણની સ્તુતિ અને બંનેની એકતા સિદ્ધ કરી છે.

દયારામની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ એમની ગરબીઓમાં જણાય છે. જનહૃદયને સર કરતી, ભક્તિ અને શૃંગાર બંને રસનાં પૂર વહાવતી રસેશ્વર કૃષ્ણની લીલાઓ નિરૂપતીં ગરબીઓમાં વાણીમાધુર્ય અને ભાષાપ્રભુત્વ સાથે સંગીતનું માધુર્ય ભરેલું છે. તેનાથી કવિને લોકપ્રિયતા મળી અને ગુજરાત ગીતસમૃદ્ધ બન્યું. ઊર્મિગીતોના આ કવિએ ગોપીઓની ઉત્કટ શ્રીકૃષ્ણભક્તિને આલેખતાં ભાગવતનું વ્રજ ઊભું કરી દીધું છે. ગોપીઓનાં ભાવસંવેદનો, નંદકુંવરનું અમોઘ આકર્ષણ, પનઘટ પરનાં અડપલાં, ઠપકાનાં વેણ, સલૂણા છેલ કૃષ્ણને નિમંત્રણ વગેરેની ગૂંથણીથી ગરબીઓ મોહક બની છે. ‘વાંકું મા જોશો વરણાગિયા, જોતાં કાળજડામાં કાંઈ કાંઈ થાય છે’; ‘મારું મન મોહ્યું વાંસલડીને શબ્દે કાનડ કાળા’; ‘ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને’ વગેરે પંક્તિઓમાં લયમાધુર્ય ઉપરાંત કવિની રસિક કલ્પના જોવા મળે છે. પ્રિયતમ સાથે ગોપીનાં લાડ અને રિસામણાં, વિનોદપૂર્ણ ચાટૂક્તિઓ, શ્રીકૃષ્ણનું દાક્ષિણ્ય અને કૃષ્ણવિરહની મર્મવેધક વ્યથા વગેરેનું સરસ આલેખન કરતી ગરબીઓ નાટ્યાત્મક ઊર્મિકાવ્યોના પ્રકારની છે. ‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો ?’; ‘પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર, પ્રેમની પીડા’ વગેરેમાં દયારામનાં કવિત્વ, રસિકતા, ચિત્રનિર્માણકૌશલ અને શબ્દપ્રભુત્વની પ્રતીતિ થાય છે.

તિથિઓનાં બે પદ અને બારમાસીની ત્રણેક કૃતિઓમાં પણ રાધા અને ગોપીઓની કૃષ્ણ માટેની પ્રેમભક્તિ જ રજૂ થાય છે. દયારામની અન્ય રચનાઓમાં સંસ્કૃત કવિતાનાં રસાલંકાર અને વાણીવૈભવ દર્શાવતું ‘ષડ્ઋતુવર્ણન’ અને જશોદાના વાત્સલ્યભાવવાળું ‘પારણું’ ગણનાપાત્ર છે. ‘વિજ્ઞપ્તિ-વિલાસ’નાં પદો દયારામને દીન ભક્ત રૂપે અને ‘મનજી મુસાફર રે ચાલો નિજ દેશ ભણી’ એ પદ જ્ઞાની ભક્તની છબી રજૂ કરે છે, ‘જેવો તેવો હું દાસ તમારો’, ‘કરુણાસિંધુ ગ્રહો કર મારો’, ‘કૃપાસિંધુ કહાવો રે, કૃપા મને ક્યમ ના કરો?’ વગેરે પ્રાર્થનાઓ ભક્ત હૃદયનો સાચો પોકાર સંભળાવે છે. આ ભક્તકવિ પ્રેમાંશી જનોનું ગૌરવ કરે છે. ‘જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે’; ‘પ્રગટ મળ્યે સુખ થાય, શ્રી ગિરધર પ્રગટ મળ્યે સુખ થાય’. ‘તાશી જન’ અને ‘ભગવદી’નાં લક્ષણો દર્શાવતાં પદો પણ દયારામે લખ્યાં છે. ઉપદેશાત્મક અને બોધક પદોમાં જીવોને ભક્તિ કરવા પ્રેરે છે. તેમાં ‘વૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી થયો તું રે, શીદ ને ગુમાનમાં ઘૂમે ?’ અને ‘ફૂલ્યો શું ફરે છે રે ? ભૂલ્યો ભવકૂપમાં પડ્યો’ ખૂબ લોકપ્રિય છે. ‘મન-મતિસંવાદ’, ‘મનપ્રબોધ’, ‘ચિંતાચૂર્ણિકા’ જેવી દીર્ઘ પદ્યકૃતિઓમાં પણ ઉપદેશ અપાયેલો છે.

દયારામે વ્રજભાષામાં લખેલી કૃતિઓ ‘વસ્તુવૃંદદીપિકા’, સતસૈયા’, ‘પિંગલસાર’ અને ‘કૌતુકરત્નાવલિ’ છે. તેમાં પહેલી માહિતીકોશ છે. બીજીમાં ચિત્રબંધ, શબ્દાલંકાર, રસ, નાયિકાભેદ વગેરે કાવ્યશાસ્ત્રનું જ્ઞાન રજૂ કર્યું છે. કવિને રાગ, તાલ અને સંગીતનું જ્ઞાન હતું અને વ્રજકવિતા-શૈલી પર સારો કાબૂ ધરાવતા તેની પ્રતીતિ એ કૃતિઓ કરાવે છે.

‘સતસૈયા’ પર વલ્લભદાસ ઉપનામથી ગુજરાતીમાં ગદ્યટીકા લખી છે. તેમની અન્ય ગદ્યકૃતિઓ ‘હરિહરતારતમ્ય’, ‘ભાગવતસાર’, ‘પ્રશ્નોત્તરમાલા’, ‘ક્લેશકુઠાર’ અને ‘પ્રશ્નોત્તરવિચાર’ છે. તે સર્વમાં દયારામનું ગદ્ય કથાકારો અને શાસ્ત્રીપુરાણીઓની શૈલીનું છે.

આયુષ્યના ઉત્તરાર્ધમાં માંદગીમાં દુ:ખી વિધવા રતનબાઈએ ભાવથી સેવા કરી કવિનો મિજાજ વેઠેલો. આકર્ષક દેખાવ, મધુર કંઠ, વરણાગિયાપણું, ગાયનવાદનમાં કુશળતા, સ્ત્રીઓમાં લોકપ્રિયતા અને ઉદારતાને લીધે દયારામની મૂર્તિ બાયરન જેવા રસિક કવિની કેટલાકને લાગેલી. પરંતુ સંપ્રદાયના સમકાલીન ગુસાંઈ મહારાજોમાં આસ્થા નહિ છતાં અનન્ય કૃષ્ણાશ્રયી દયારામની હૃદયગત નમ્રતા અને શિષ્યવત્સલતા તેમને એક આદર્શ ભક્તકવિ તરીકે ઉપસાવે છે. તેમના શિષ્યમંડળમાં રણછોડ અને ગિરિજાશંકર ટોળકિયા ઔદીચ્ય બ્રાહ્મણો હતા.

દયારામની ગરબીઓમાં આવતો શૃંગાર ભાવપ્રધાન કરતાં ભોગપરાયણ વધુ જણાય છે. તેમાં તેમની માનવીય રસિકતા ભક્તિશૃંગારને ‘ભાગવત’ અને ‘ગીતગોવિંદ’ની પરંપરાનો બનાવે છે. વસ્તુત: રાધાકૃષ્ણની લીલા ગાતા દયારામ પોતાની રસરુચિની મર્યાદાઓ સાથે ગુજરાતના જયદેવ બને છે.

કે. કા. શાસ્ત્રી